તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કવર સ્ટોરી:તમારો લવેન્ટાઇન ડે શરૂ થયો?

એષા દાદાવાળા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રેમમાં મૌન રહેવાના જમાના ગયા. સમય બદલાઇ ગયો છે. બોલે એનાં બોર વેચાય એ કહેવત હવે પ્રેમમાં પણ લાગુ પડતી થઇ છે

મે વેલેન્ટાઇન્સ ડે ઉજવી લીધો હશે. ગમતી વ્યક્તિનાં હાથમાં લાલ ગુલાબ મૂકી એનાં કાનમાં હળવેથી કહ્યું હશે કેહું તને ખૂબ પ્રેમ કરું છું…! લાલ ગુલાબની લાલાશ ગમતી વ્યક્તિનાં ગાલો પર ઉતરી પણ આવી હશે. એ શરમાઇ હશે. તમારા ગાલે ટપલી મારી એણે કહ્યું હશે, ‘તું મને જેટલો પ્રેમ કરે છે, એનાં કરતા અનેકગણો પ્રેમ હું તને કરું છું. એણે એવું પણ કહ્યું હશે કેહું તારા વિના જીવી નહીં શકું! તમે પણ માય લવ…માય લાઇફ...માય સોલમેટ...માય બેટરહાફ...માય જાન…વગેરે વગેરે વિશેષણો સાથે ગમતી વ્યક્તિનાં ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કર્યા હશે. મારો સવાલ એ છે કે હવે શું? 14મી ફેબ્રુઆરીએ પ્રેમનો એકરાર કર્યા પછીહવે બાકીનાં ત્રણસોને પાસઠ દિવસ શું? વેલેન્ટાઇન્સ ડે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ છે અને વેલેન્ટાઇન્સ ડે જ પ્રેમની અભિવ્યક્તિનો દિવસ છે. આ બંને વાક્યો વચ્ચે આસમાન-જમીનનો ફરક છે. પ્રેમમાં આઇ લવ યુ કહેતા રહેવું પડે છે અને અનેકવાર કહેતા રહેવું પડે છે. પ્રેમમાં મિસ યુ પણ કહેવું પડે છે અને આઇ કાન્ટ લિવ વિધાઉટ યુ…પણ બોલવું પડે છે. પ્રેમમાં મૌન રહેવાના જમાના ગયા. સમય બદલાઇ ગયો છે. બોલે એનાં બોર વેચાય એ કહેવત હવે પ્રેમમાં પણ લાગુ પડતી થઇ છે. વેલેન્ટાઇન્સ ડે પૂરો થયા પછી લવેન્ટાઇન ડે શરૂ થતો હોય છે અને આ દિવસ ત્રણસોને ચોસઠ દિવસ ઉજવવો પડે છે. પ્રેમમાં હોવું એ એક અવસ્થા છે. પ્રેમ એક ગાંડપણ છે. ત્રણસોને ચોસઠ દિવસ આ ગાંડપણ ટકેલું રહે તો વર્ષનો એક દિવસ વેલેન્ટાઇન્સ ડે તરીકે ઉજવવાની મજા આવે છે. પ્રેમમાં ગાંડપણ ટકેલું રાખવા માટે એકબીજા પ્રત્યેનું વળગણ ટકેલું રહે એ જરૂરી છે અને વળગણને ટકાવી રાખવા માટે અભિવ્યક્તિ અત્યંત જરૂરી છે. દાદા-દાદીનાં સમયમાં પ્રેમની અભિવ્યક્તિ વ્યવહારથી થઇ શકતી. દાદા ગજરો લઇ આવતા અને દાદી પછી દાદાનું ભાવતું શાક બનાવતાં, દાદા ફિલ્મની ટિકિટ લઇ આવતા અને દાદી પછી દાદાને ગમતી સાડી પહેરતાં. ‘આઇ લવ યુ’ કે ‘હું તને પ્રેમ કરું છું’ જેવા વાક્યો તો જેકપોટ ગણાતાં. દાદા કે દાદી બંનેમાંથી એકાદ પણ જો આવું બોલે તો સામેનાને રોમેરોમ દીવા પ્રગટી ઊઠતા. હવે સમય બદલાયો છે. અભિવ્યક્તિનાં માધ્યમો બદલાયાં છે અને વધ્યાં પણ છે. હવે ગમતી સાડી પહેરવી, ફિલ્મની ટિકિટ લઇ આવવી, ભાવતું શાક બનાવવું એ પ્રેમની અભિવ્યક્તિમાં નથી ગણાતું, જરૂરિયાતોમાં ગણાય છે. આજની જનરેશન અભિવ્યક્તિમાં માને છે. પ્રેમ હોય તો પણ એટલી જ સહજતાથી કબૂલે છે અને પ્રેમ નથી રહેતો ત્યારે પણ એટલી જ સહજતાથી કબૂલી લે છે. પ્રેમને જીવાડવા પ્રેમની કબૂલાત અને અભિવ્યક્તિ જરૂરી છે, વારંવાર જરૂરી છે. પ્રેમ પ્રિપેઇડ સેગમેન્ટમાં નથી આવતો. પ્રેમ પોસ્ટપેઇડ હોય છે. એનું બિલ ભરતા રહેવું પડે છે. બિલ નથી ભરતા તો પ્રેમ કપાઇ જાય છે, ઓછો થઇ જાય છે, ખતમ થઇ જાય છે. આ બિલ ભરવું એટલે શું એ પણ સમજવા જેવું છે. તમે જો તમારા મોબાઇલ બિલને ધ્યાનથી વાંચ્યું હશે તો એમાં મહિનાની અમુક નક્કી કરાયેલી રકમ તમે સિલેક્ટ કરેલા પ્લાનની હોય છે. એ પછી તમે કરેલા આઉટગોઇંગ, ઇન્ટરનેશનલ કોલ, એસ.એમ.એસ., 4Gનાં વપરાશ પ્રમાણે બિલ તૈયાર થતું હોય છે. નક્કી કરાયેલી તારીખ સુધી જો બિલ નથી ભરાતું તો દરેક આઉટગોઇંગ કોલ પર રેકોર્ડેડ કેસટ વાગતી રહે છે એ પછી પણ તમે બિલ નથી ભરતા તો આઉટગોઇંગ બંધ થઇ જાય છે. પ્રેમમાં પણ ડિટ્ટો એવું જ છે. અમુક ચોક્કસ અભિવ્યક્તિની સાથેસાથે તમારે તમારી વર્તણૂંક, તમારા સંજોગો પ્રમાણે અભિવ્યક્તિ કરતા રહેવું પડે છે. અભિવ્યક્તિનું આ બિલ જો તમે નથી ભરતા તો એમાં પણ રેકોર્ડેડ કેસેટ વાગતી રહે છે અને એને પણ અવગણી નાંખો છો તો તમારો સંબંધ ડિસ્કનેક્ટ થઇ જાય છે. આદર્શ પ્રેમ ક્યારેય સિદ્ધ થતો નથી. આદર્શ પ્રેમ અગ્નિપરીક્ષાઓ લીધા કરે છે. આદર્શ પ્રેમ તમને ધરતીમાં સમાઇ જવાની કક્ષાએ લાવીને મૂકી શકે છે. પ્રેમમાં આદર્શો જામતા નથી. આપણે ત્યાં પ્રેમને લઇને કેટલીક આદર્શ માન્યતાઓ છે જેમ કે પ્રેમ ક્યારેય ઓછો નથી થતો, એક વ્યક્તિ સાથે પ્રેમ થાય, પ્રેમ ફરી થવો શક્ય નથી, જેને પ્રેમ કરતા હોવ એનાં વિના જીવવું શક્ય નથી હોતું, પ્રેમ તો અનુભવવાનો હોય, પ્રેમમાં તો ખુવાર થઇ જવાનું હોય, પ્રેમ પ્રતિક્ષામાં માને છે, જે રાહ જુએ એ પ્રેમ છે…વગેરે..વગેરે…! આ આદર્શ માન્યતાઓ જ પ્રેમ અને પ્રેમી બંનેને ખતમ કરી નાંખે છે. પ્રેમ ઓછો થઇ જ શકે છે. પ્રેમ ખતમ પણ થઇ શકે છે અને પ્રેમ મરી પણ જઇ શકે છે. એક વ્યક્તિ સાથે પ્રેમ થયા પછી એ વ્યક્તિ જીવનમાંથી ચાલી જાય તો બીજી વ્યક્તિ ગમી જ શકે છે અને એનાં ગળાડૂબ પ્રેમમાં પડી જ શકાય છે. જેને પ્રેમ કરતા હો એ વ્યક્તિ જીવનમાં રહેતી નથી પછી પણ જીવી જ શકાય છે અને કદાચ પહેલાં કરતા વધારે સારી રીતે જીવી શકાય છે. પ્રેમ માત્ર અનુભવવાની ચીજ નથી, એને જતાવવો પડે છે અને વારેવારે જતાવવો પડે છે. પ્રેમ તો જ કરવો જોઇએ જો તમારી અંદર જિગર હોય. પ્રેમ તો જ કરવો જોઇએ જો તમારી અંદર એક બગાવત સળગતી હોય. જે દિવસે તમારી અંદર સળગતી બગાવત ઓલવાઇ જાય એ દિવસે તમારે પ્રેમમાંથી બહાર આવી જવું જોઇએ. જે દિવસ તમને વર્ષનાં ત્રણસોને ચોસઠ દિવસ જેવો લાગવા માંડે એ દિવસે તમારે પ્રેમને છાતીમાં દફનાવી દેવો જોઇએ. પ્રેમ એ કોઇ ક્લાસરૂમ નથી કે એમાં છ માસિક અને વાર્ષિક પરીક્ષાઓ આપવી જ પડે. જે રાહ જોવડાવે એ ચોક્કસ જ પ્રેમ હોય પણ જે માત્ર અને માત્ર રાહ જ જોવડાવે એ પ્રેમ તો નહીં જ હોય! જો વર્ષનો એક દિવસ વેલેન્ટાઇન્સ ડે અને બાકીનાં દિવસો લવેન્ટાઇન ડે ઊજવવાની ત્રેવડ હોય તો અને તો જ પ્રેમમાં પડજો ! dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો