વુમન ઇન ન્યૂઝ:હરમનપ્રીત : ICCનો વુમન ઓફ ધ મંથ એવોર્ડ મેળવનાર પહેલી ભારતીય

એક મહિનો પહેલાલેખક: મીતા શાહ
  • કૉપી લિંક

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર આઇસીસીનો ‘વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથ’ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે. તેને સપ્ટેમ્બર, 2022ના પર્ફોર્મન્સ બદલ આ પુરસ્કારથી નવાજવામાં આવી છે. સપ્ટેમ્બરમાં ભારતે ઇંગ્લેન્ડમાં બ્રિટિશ વિમેન્સ ટીમનો વન-ડે સિરીઝમાં 3-0થી જે વાઇટવોશ કર્યો હતો એ ઐતિહાસિક હતો, કારણકે હરમનની કેપ્ટનશિપ હેઠળની ટીમ ત્યારે ઇંગ્લેન્ડની ધરતી પર 1999 પછીની (23 વર્ષ પછીની) ઓડીઆઇ શ્રેણી જીતનારી પ્રથમ ભારતીય ટીમ બની હતી. હરમનપ્રીત કૌરે તેની વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના અને બાંગ્લાદેશની કેપ્ટન નિગાર સુલતાનાને હરાવીને પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો હતો. એવોર્ડ જીત્યા બાદ હરમનપ્રીત કૌરે કહ્યું, ‘એવોર્ડ માટે નોમિનેટ થવું એ એક મોટી વાત છે અને તેને જીતવાથી શ્રેષ્ઠ લાગણી અનુભવી છે. પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવામાં મને ગર્વ થાય છે તેમજ ઇંગ્લેન્ડમાં ઐતિહાસિક શ્રૃંખલા જીતવાની સિદ્ધિનો મારી કારકિર્દીની મોટી ઉપલબ્ધિઓમાં સમાવેશ થશે.’ કોણ છે હરમનપ્રીત કૌર? હરમનપ્રીત કૌરનો જન્મ 8 માર્ચ, 1989ના દિવસે પંજાબના મોગામાં થયો હતો. તેમના પિતા હરમંદર સિંહ ભુલ્લર વોલીબોલ અને બાસ્કેટબોટ ખેલાડી હતા. હરમનપ્રીતના પિતા હાલમાં જ્યુડિશિયલ કોર્ટમાં ક્લાર્કની જવાબદારી નિભાવી રહ્યા છે તેમને પોતાની કરિયરમાં એક તબક્કે ક્રિકેટર બનવાની બહુ ઇચ્છા હતી પણ એ શક્ય બન્યું નહોતું. તેમણે જ હરમનપ્રીતના કોચ બનવાની જવાબદારી નિભાવી હતી. તેમના માતા સતવિંદર કૌરે તેમની કરિયરના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. તેમના પેરેન્ટ્સ રૂઢિવાદી શિખ પરિવારના છે. હરમનના નાના બહેન હેમજીત અંગ્રેજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને મોગામાં જ ગુરુ નાનક કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જવાબદારી નિભાવે છે. ઝળહળતી કરિયર હરમનપ્રીત કૌરે દરેક ફોર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી છે. તેઓ ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે જવાબદારી નિભાવે છે. 2017માં તેમને મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા અર્જુન અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હરમનપ્રીત કૌરે 2009માં 20 વર્ષની વયે વન ડે ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી હતી. તેણે પહેલી મેચ પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ સામે રમી હતી. તેમણે 2009ના જૂન મહિનામાં ટ્વેન્ટી20 ઇન્ટરનેશનલ મેચમાં પદાર્પણ કર્યું હતું. 2012માં મહિલાઓ માટેના ટ્વેન્ટી20 એશિયા કપ ફાઇનલમાં કેપ્ટન મિતાલી રાજ અને વાઇસ કેપ્ટન ઝુલન ગોસ્વામી ઇજાગ્રસ્ત થતાં કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરની પસંદગી કરવામાં આવી હતી. આ તક પછી તેઓ ક્રિકેટર તરીકે સતત વિકાસ કરી રહ્યા છે. વિરેન્દ્ર સહેવાગ છે પ્રેરણા હરમનપ્રીત કૌરે પોતાની કરિયરમાં ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગના જીવનમાંથી સારી એવી પ્રેરણા મેળવી છે. હરમનપ્રીતની ટ્રેનિંગની શરૂઆત જ્ઞાન જ્યોતિ સ્કૂલ એકેડેમીમાંથી શરૂ થઇ હતી. અહીં તેણે કમલદિશ સિંહ સોેઢી પાસેથી ટ્રેનિંગ લીધી હતી. તે 2014માં મુંબઇ શિફ્ટ થઇ હતી અને તેણે ઇન્ડિયન રેલવે માટે રમવાનું શરૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...