વુમન ઇન ન્યૂઝ:મુશ્કેલીઓએ ઉર્મિલાબહેનને બનાવ્યાં ‘થેપલાં આન્ટી’

એક મહિનો પહેલાલેખક: મીતા શાહ
  • કૉપી લિંક

સ્વાદિષ્ય ભોજન બનાવવું એ પણ એક મોટી કલા છે. મુંબઇના 78 વર્ષીય ઉર્મિલાબહેન જમનાદાસ આશર પણ પહેલાંથી જ પાકકલામાં હથોટી ધરાવે છે પણ તેમણે પોતાની કલાને પેશન બનાવી અને 70 વર્ષની વય ગુજરાતી નાસ્તાના પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી અને આજે 78 વર્ષની વયે તેઓ આ ફિલ્ડમાં ટોચનું સ્થાન ધરાવે છે. તેમની સફળતાની આ ગાથા બહુ પ્રેરણાદાયી છે.
ઉંમર નથી અવરોધ
સામાન્ય રીતે એક એવી ગેરમાન્યતા છે કે એક નિશ્ચિત વય સુધી જ બિઝનેસની શરૂઆત કરી શકાય છે. 60 વર્ષ પછી પોતાનો બિઝનેસ કરવાનું બહુ મુશ્કેલ સાબિત થાય છે. જોકે ઉર્મિલાબહેને પોતાની મહેનતથી આ માન્યતા સદંતર ખોટી છે એ વાત સાબિત કરી બતાવી છે. રેડિમેડ હોમમેડ નાસ્તાના માર્કેટમાં ઉર્મિલાબહેનની લોકપ્રિયતા એટલી બધી છે કે બધા તેમને પ્રેમથી ‘થેપલાં આન્ટી’ તરીકે પણ ઓળખે છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ બહુ જ એક્ટિવ છે અને તેમની ઇન્સ્ટાગ્રામ પેજ પર સતત નવી નવી વાનગીઓનો પરિચય
કરાવતા રહે છે.
સતત કાર્યરત
ઉર્મિલાબહેન 78 વર્ષની વય ધરાવતા હોવા છતાં આજે પણ અઠવાડિયાના 80 કલાક જેટલો સમય કામ કરે છે. તેમના દિવસની શરૂઆત સવારે પાંચ વાગ્યે થાય છે અને કોઇ પણ જાતના બ્રેક વગર રાતના 9 વાગ્યા સુધી કામ કરે છે. થોડા સમય પહેલાં કોરોના અને લોકડાઉનની પરિસ્થિતિમાં જ્યારે મોટાભાગના દરેક બિઝનેસમાં નાની-મોટી ખોટ નોંધાઇ હતી ત્યારે ઉર્મિલાબહેનના હોમ-મેડ ફૂડના બિઝનેસમાં જબરદસ્ત ઉછાળ આવ્યો હતો. આ સમય દરમિયાન લોકોની ડિમાન્ડને બગલે ઉર્મિલાબહેન અને તેમના પરિવારે અથાણાંનો તેમજ નાસ્તાનો ડિલિવરી બિઝનેસ પણ શરૂ કર્યો છે અને એમાં પણ સારી એવી પ્રગતિ નોંધાઇ છે.
મુશ્કેલ પરિસ્થિતિમાં અડગ
78 વર્ષીય ઉર્મિલાબહેનને ત્રણ બાળકો હતા પણ કમનસીબે આ ત્રણેય બાળકોનું પ્રમાણમાં યુવાન વયે અવસાન થઇ ગયો હતું. જોકે આ સંજોગોમાં પરિસ્થિતિથી હારવાને બદલે તેમણે પૌત્ર હર્ષ સાથે મળીને નાસ્તો બનાવવાનો બિઝનેસ શરૂ કર્યું અને એમાં ઝળહળતી સફળતા મેળવી.
એક ઇન્ટરવ્યૂમાં ઉર્મિલાબહેને જણાવ્યું હતું કે ‘મને નાનપણથી જ કૂકિંગમાં બહુ રસ હતો અને મેં હંમેશાં નવી-નવી વાનગીઓ બનાવવાના પ્રયાસ કર્યા છે. મેં દુનિયાની ઘણી કૂકિંગ સ્ટાઇલ શીખવાનો પ્રયાસ કર્યો છે. મારા બાળકોનું અવસાન થયું ત્યારે મને બહુ દુ:ખ થયું હતું પણ આખરે મને સમજાયું કે મારી આસપાસ જે સ્વજનો જીવતા છે એના પ્રત્યે મારી પણ કોઇ જવાબદારી છે. મારે મારા બીજા બાળકોને મારાથી થાય એટલી મદદ કરવી જોઇએ. દરેક ગ્રાન્ડ પેરેન્ટ્સ ઇચ્છે છે કે તેની પૌત્રોને પણ સફળતા મળે અને તેમનું જીવન આરામથી પસાર થાય. આ કારણોસર મને 70 વર્ષની વય પછી આ નવો બિઝનેસ શરૂ કરવાની પ્રેરણા મળી અને એમાં સફળતા પણ મળી છે.’

ઉંમરનો અવરોધ અને સફળતા
ઉર્મિલાબહેનની જેમ જ બીજી અનેક મહિલાઓએ વધારે ઉંમરના અવરોધને પાર કરીને સફળતાનો સ્વાદ ચાખ્યો છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે 94 વર્ષની ઉંમરે હરિયાણાનાં ભગવાની દેવીએ 100 મીટર સ્પ્રિન્ટ રેસ (માઈલથી ચોથા ભાગનું અંતર ઝડપથી દોડી પૂરું કરવાની સ્પર્ધા) ૨24.94 સેકંડમાં જીતી લઈ ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો. આ સિવાય હરિયાણાના 105 વર્ષીય રામબાઈએ નેશનલ ઓપન માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 100 મીટર દોડમાં નવો રેકોર્ડ બનાવી લીધો હતો અને 100 મીટર અને 200 મીટર દોડમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે.

અન્ય સમાચારો પણ છે...