તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂડ એન્ડ માઇન્ડ:હેપી રિયલાઈઝેશન

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભણવામાં હોશિયાર અને સંસ્કારી આહનાને સારી કોલેજમાં એડમિશન અપાવ્યું પણ જ્યારે તે પાછી આવી ત્યારે તેનું વર્તન સાવ બદલાઈ ગયું હતું

આહનાને લઈને તેનાં પેરેન્ટ્સ બતાવવા આવ્યા ત્યારે તેમનાં દેખાવમાં સ્પષ્ટ વિરોધાભાસ જણાઈ આવતો હતો. આહના બ્રાન્ડેડ કપડાં અને વોચ સાથે એકદમ મોડર્ન દેખાતી હતી, જ્યારે તેનાં પેરેન્ટ્સ સાધારણ વસ્ત્રોમાં અત્યંત નર્વસ લાગતાં હતાં. મેં જ્યારે તકલીફ વિશે પૂછ્યું તો તેનાં પેરેન્ટ્સ થરથર ધ્રૂજવા લાગ્યાં. આ સ્થિતિમાં વાતચીતનો દોર આહનાએ સંભાળી લીધો કે,‘ડોક્ટર મને કોઈ જ પ્રોબ્લેમ નથી. જો મારા પેરેન્ટ્સ મારી જરૂરિયાત પૂર્ણ કરી શકે તેમ ન હોય તો હું બૂમો પાડું, ગુસ્સો કરું કે વસ્તુઓ ફેંકવા લાગું તો એ સામાન્ય જ છે ને? તેમાં સાઇક્યિાટ્રિસ્ટને બતાવવાથી શું ફેર પડશે? આ લોકો સાવ ગમાર છે, કશું જ સમજતા નથી.’ આટલું કહીને આહના બહાર જતી રહી. આહનાનાં ગયા પછી એનાં પેરેન્ટ્સ અડધા કલાક સુધી પોતાની આપવીતી મને સંભળાવતા રહ્યાં. ભણવામાં હોશિયાર અને સંસ્કારી આહના બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ લાવી એટલે એને સારી કોલેજમાં એડમિશન અપાવ્યું. સારી કોલેજમાં એડમિશન માટે પૈસા નહોતા એટલે બેન્કમાંથી લોન લેવી પડી. આહના કોલેજમાં ગઈ ત્યાં સુધી બધું બરાબર હતું, પણ જ્યારે તે પાછી આવી ત્યારે તેનું વર્તન સાવ બદલાઈ ગયું હતું. મિડલ ક્લાસ પરિવારને ન પોસાય તેવા ખર્ચા, બ્રાન્ડેડ વસ્તુઓની ખરીદી કરવી અને એ પછી પણ માતા-પિતા સહેજ પણ ટોકે તો ભયંકર ધમાલ મચાવવી...આહનાનાં પિતા બોલી ગયા કે ‘સાહેબ, અમને લાગે છે કે આના કરતાં તો એને 12 પાસ કરાવ્યાં પછી ઘરમાં જ રાખી હોત તો સારું થાત. એવું લાગે છે જાણે આ અમારી દીકરી જ નથી!’ મેં આહનાનાં પેરેન્ટ્સને સલાહ આપી કે બાળક જ્યારે બહારની દુનિયા જુએ છે ત્યારે તેની અંદર ઘણાં બધાં પરિવર્તન આવે છે. અત્યારે આહના કાઉન્સેલિંગ માટે તૈયાર નથી અને એટલે આપણે થોડીક રાહ જોઈએ, ધીરજનાં ફળ મીઠાં. લગભગ 6 મહિના પછી ફરીથી તેઓ મળવા માટે આવ્યાં. આ વખતે આહના સાવ શાંત અને નોર્મલ લાગતી હતી. એનું વાણી અને વર્તન નોર્મલ જોઈને મને આશ્ચર્ય થયું. વાતચીતમાં જાણવા મળ્યું કે એક દિવસ તે ગુસ્સામાં ઘરેથી નીકળી ગઈ હતી અને રસ્તામાં એક્સિડન્ટ થયો. આહનાને ફ્રેક્ચર થયું અને લાંબા સમય માટે ખાટલો આવ્યો. આ કટોકટીમાં માતા-પિતાએ એક પણ ટોણો માર્યા વગર કે ખર્ચાની ચિંતા કર્યા વગર દીકરીની સેવા કરી ત્યારે આહનાને સમજાયું કે જીવનમાં લાઇફસ્ટાઇલ કરતાં લાગણી વધારે મહત્ત્વની છે. આહના રસ્તો ભૂલી ગઈ હતી પણ તે બહુ જલદી સાચા માર્ગ પર પરત ફરી ગઈ. મૂડમંત્ર ઃ ક્યારેક કોઈપણ સલાહ વગર વ્યક્તિને જાત અનુભવથી જે સમજણ પ્રાપ્ત થાય છે તે ખૂબ મજબૂત અને ટકાઉ હોય છે. તેને જ હેપી રિયલાઈઝેશન કહેવાય છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...