સંબંધનાં ફૂલ:સુખ છે અંદર સમાયેલું...!

રચના વ્યાસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુખ અને દુખની લાગણી તમારાં વ્યક્તિત્વની અંદર જ સમાયેલી હોય છે. તમે એની પોતાની મેળે પસંદગી કરી શકો છો અને આનંદથી જીવી શકો છો

સુખ અને દુખ જીવનની એવી પળો છે જે દરેકના જીવનમાં આવતી હોય છે. હકીકતમાં કોઇપણ એક સ્થિતિ હંમેશ માટે કાયમ નથી રહી શકતી. વ્યક્તિગત જીવનના ઉતાર ચઢાવની જેમ જ દુનિયામાં પણ એક જ સમયે ક્યાંક ખુશીનું વાતાવરણ છે તો ક્યાંક ગમગીની છવાઇ હોય છે. કોઇપણ એવો સમય નથી કે સુખ અને દુખ બેમાંથી કોઇ એકની હાજરી ન હોય. જે આરંભ થાય છે તેનો અંત નિશ્ચિત છે. આ સત્ય જાણ્યા પછી પણ જે કાયમ નથી તેના માટેનો આપણો મોહ નથી છૂટતો. આવનજાવનની પ્રક્રિયા હંમેશ ચાલતી જ રહે છે જેવી રીતે સુખ અને દુખનું એક જ સમયે હાજર રહેવું. આ બંને એક જ સિક્કાની બે બાજુ છે. સુખ અને દુખની લાગણી તમારાં વ્યક્તિત્વની અંદર જ સમાયેલી હોય છે. તમે એની પોતાની મેળે પસંદગી કરી શકો છો. જો સુખી થવું હોય તો નાની-નાની વાતો ઉપર ધ્યાન ન આપતાં આપણે આપણાં નક્કી કરેલ ધ્યેય તરફ જ આગળ વધવું. કંઈક બનશું તો જ નફરત કરનારાં પણ પ્રેમથી તમારી તરફ દોસ્તીનો હાથ લંબાવશે. સુખ-આનંદ અને પ્રેમ તમારી અંદર જ છે. પહેલાં આપણે આપણી અંદર પ્રયાણ કરીએ તો આનંદ આપણી મુઠ્ઠીમાં છે. આમ તો આપણે ત્યાં સંતોષી અને વાંછના વિનાના માણસને સુખી કહેવામાં આવે છે. પરંતુ જિંદગીએ જિંદગીએ સુખ બદલાતું રહેતું હોય છે, એટલે સુખી માણસની ચોક્કસ વ્યાખ્યા કરવાનું કામ અશક્ય લાગે છે. હા, દુખી માણસ માટે એટલું જરૂર કહી શકાય કે, જે માણસ બીજાનું સુખ નથી જોઈ શકતો એ માણસ દુનિયાનો સૌથી દુખી માણસ હોવાનો. આનંદને સુખ અને દુખ સાથે કોઈ લેવાદેવા નથી. જીવનમાં તમે કોઈક મુશ્કેલીઓમાં હો અથવા તમારો સમય ખરાબ ચાલતો હોય તો પણ એમ બને કે એ પરિસ્થિતિમાં તમને કોઈક વિચાર આવે અને તમને આનંદ અનુભવાય. એટલે જેમ ‘સત-અસત’ની પાર પરમસત છે એમ સુખ અને દુખની પાર પરમાનંદ રહેલો છે એવું કહીએ તોય ખોટું નથી.

અન્ય સમાચારો પણ છે...