તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્યૂટી:હેર-સ્પ્રેથી વાળ બરછટ થઇ જાય છે...શું કરું?

કાવ્યા વ્યાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારા ચહેરા પર પુષ્કળ પ્રમાણમાં બ્લેકહેડ્સ છે. બહુ પ્રયાસ કર્યા પછી પણ એ દૂર નથી થઈ રહ્યા. મારે એનાથી કઈ રીતે છૂટકારો મેળવવો? એક યુવતી (પાલનપુર) ઉત્તર : બ્લેકહેડ્સ એવી સમસ્યા છે જે સ્ત્રી હોય કે પુરુષ બંનેને સમાન પ્રમાણમાં સતાવતી હોય છે. બ્લેકહેડ્સનાં ઝીણાં દાણાં જેવા આ કાળા ડાઘ સામાન્ય રીતે નાક પર વધુ જોવા મળે છે. કેટલાક લોકોને એ નાક ઉપરાંત ગાલ, કપાળ, દાઢી જેવા ચહેરાના અન્ય ભાગો ઉપરાંત છાતી, પીઠ, ગળું, હાથ તથા ખભામાં પણ થઈ આવતા હોય છે. બ્લેકહેડ્સનો સીધો અને સરળ ઊપાય છે ત્વચાની સાફસફાઈ અને માવજત. બ્લેકહેડ્સ દૂર કરવા માટે ત્વચાનું એક્સફોલિએશન પણ એટલું જ જરૂરી છે. એક્સફોલિએશન એટલે ત્વચાના મૃતકોષોને ઘસીને દૂર કરવાની પ્રક્રિયા. આમ તો આ કામ માટે આજકાલ બજારમાં જાતજાતનાં સ્ક્રબ્સ અને એક્સફોલિએટર્સ આસાનીથી ઉપલબ્ધ છે. આ સિવાય ઘરે જ મૂળા અને કાકડી જેવાં શાકનો ગર, ઓટ્સની પેસ્ટ અથવા સાદા ચણાના લોટમાં થોડું દૂધ અને લીંબુનો રસ નાખીને એનાથી પણ તમારી ત્વચાને એક્સફોલિએટ કરી શકો છો. પ્રશ્ન : હું વર્ષોથી ચશ્માં પહેરું છું જેના કારણે નાક અને આંખોની આસપાસ ચશ્માંનાં નિશાન થઈ ગયાં છે. આ નિશાન દૂર કરવાના કોઈ ઘરેલું ઉપાય હોય તો જણાવશો વિનંતી. મને આવા ચહેરા સાથે બહાર નીકળતા બહુ જ શરમ આવે છે. એક યુવક (મહેમદાવાદ) ઉત્તર : ચહેરા પર ચશ્માંનાં નિશાન જોવામાં ઘણાં ખરાબ લાગે છે. જો તમારે રોજ ચશ્માં પહેરવાં પડતાં હોય તો ડાઘાને દૂર કરવાના ઘરેલું નુસખા અજમાવો. એલોવેરાના તાજા પાનમાંથી જેલ કાઢીને આંખની આસપાસ અને આખા ચહેરા પર લગાવવાથી ડાઘામાંથી છૂટકારો મળશે. સંતરાની સૂકી છાલનો પાઉડર બનાવી પછી એમાં કાચું દૂધ નાખી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને નિશાનવાળી જગ્યા પર લગાવો 15-20 મિનિટ પછી ધોઈ નાખો. મધમાં ઓટ્સ અને દૂધ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને આંખની નીચે કાળી થયેલી જગ્યા પર લગાવો અને થોડા સમય પછી તેને પાણીથી ધોઈ નાખો. પ્રશ્ન : હું પાર્ટીમાં જતી વખતે હેરસ્ટાઇલ કરું છું ત્યારે હેર સ્પ્રેનો ઉપયોગ કરું છું. જોકે, પછી વાળ એટલા કડક અને બરછટ થઈ જાય છે કે એને મેનેજ કરવા મુશ્કેલ પડે છે. એક યુવતી (સુરત) ઉત્તર : જેવી રીતે મેકઅપ રિમૂવ કરવાની એક રીત હોય છે, એવી જ રીતે હેરસ્ટાઇલ છોડવાની પણ એક રીત છે. તમે જ્યારે હેરસ્ટાઇલ છોડો ત્યારે હેરવોશ કરવા પડે અને શક્ય ન હોય તો વિટામિન ઇ-સિરમને વાળ પર લગાવવું પડે. આ વિટામિન ઇ-સિરમને તેલની જેમ હાથમાં લઈ વાળ પર લગાવવાથી તમારા વાળ કડક નહીં રહે. એ લગાવ્યા પછી તમે બીજા દિવસે શેમ્પૂ અને કન્ડિશનર કરી શકશો. હેર સ્પ્રે હેરસ્ટાઇલને સારી રીતે જાળવી રાખવામાં મદદ કરે છે. જોકે, બને ત્યાં સુધી હેર સ્પ્રેનો ઉપયોગ ઓછો જ કરવો જોઇએ. જો ઉપયોગ કરો તો સારી રીતે સાફ કરવાની તકેદારી પણ રાખવી જોઈએ. જો આટલું કરશો તો હેર સ્પ્રેથી સમસ્યા નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...