તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લઘુનવલ: જંગલી:દાદા અને વારસો... આ શબ્દો આજે પણ ચંદાબહેનને ડરથી થીજવી દે છે!

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેશક, વહુને વૈદકનંુ જ્ઞાન નથી, પણ આજકાલ તો ગૂગલ કરો એટલે જે કરવું હોય એની ટીપ મળી રહે! સ્ત્રી તરીકે મને વહુ પ્રત્યે સહાનુભૂતિ, પણ મા તરીકે હું અરેનને પેરેલિસિસમાં રિબાતો, મોતને ઝંખતો પણ જોઇ ન શકું!

- કિન્નરી શ્રોફ

પ્રકરણ -6
ચંદ્રલેખાબહેન સમક્ષ દૃશ્ય ઉપસ્યું. મધરાત સુધી તો દુષ્યંતે ધીરજ ધરી, પણ પછી બંધ તૂટ્યો: ચંદા, ચાલ રૂમમાં! એકાદ મિનિટ સુધી તો ચંદાને સમજાયું નહીં કે દુષ્યંત મને ખેંચી કેમ રહ્યા છે? મારો લાલ તો બરાબર છે ને? ‘ચાલ કહું છું, થોડા કલાક આઘી થઇશ એમાં તારો દીકરો મરી નહીં જાય!’
‘દુષ્યં...ત!’ માનું હૈયું ફાટ્યું. પહેલીવાર હાથ ઉઠયો, ‘દીકરાની આવી હાલતમાં પણ તમને કામલીલા સૂઝે છે?’
પત્નીના તમાચાએ દુષ્યંતનું દિમાગ હટ્યું. ફોરેસ્ટ ઓફિસરનો મિજાજ રણકી ઉઠ્યો, ‘તારી આ મજાલ! આજે તો હવે અહીં જ તને...’
ચંદા ચીસો પાડતી રહી, પણ પુરુષ ધરાર પોતાનુ ધાર્યુ કરીને જંપ્યો. બેહોશ જેવા દીકરાની હાજરીમાં થયેલા અત્યાચારે ચંદાની ભીતર કશુંક હંમેશ માટે તૂટ્યું: એનું પત્નીત્વ! બહુ થયું. જે પુરુષને દીકરાની માંદગીનો મલાજો નથી અને એની હાજરીની શરમ નથી એ પતિ શબ્દને લાયક નથી!
તો શું છૂટાછેડા લેવા?

ના. ભીતરથી જવાબ આવ્યો કે છૂટાછેડા લેતી વખતે કારણના ખુલાસા કરવા પડે ને પતિ-પત્નીનું અંગત જાહેર કરવા જેટલા બેશરમ મારાથી નહીં થવાય. અરેન પર આની શી અસર પડે? વળી દુષ્યંત સરકારી ઓફિસર છે, વગદાર ગણાય. જજને સાધી અરેનની કસ્ટડી એણે પોતે રાખી તો... ધ્રૂજી જવાયું. ‘કહેવું પડે, ચંદાબહેન. અરેન ક્રાઇસીસ પાર કરી શક્યો હોય તો એ તમારી સારવારના કારણે. દવા સાથે આયુર્વેદના સંગમે એને ઉગાર્યો.’ બીજી બપોરે અરેને આંખો ખોલી ત્યાં સુધીમાં ડોક્ટર આવી પહોંચેલા. દીકરો ઉગર્યાનો હરખ અનુભવતી ચંદાનાં મગજમાં ટીકટીક થવા લાગ્યું: આયુર્વેદ! એ સાંજે એણે પટારામાંથી બાપુજીની વેદસંહિતા કાઢી ખંતથી અભ્યાસ કરવા માંડ્યો. દુષ્યંતે માન્યું કે અરેનની ઝડપી સારવાર માટે જ થોથું ઉલેચતી હશે. ‘તારા બાપાએ આમાં કામશક્તિ વર્ધક ટોનિકની ફોર્મ્યૂલા લખી છે કે નહીં!’ એ મશ્કરીભાવે પૂછતો. બિચારા. અત્યારે, વર્તમાનની કડી સાધતા ચંદ્રલેખાબહેનના હોઠ વંકાયા. બાપુજીની બુકમાંથી પોતાને કયો ‘ઇલાજ’ મળ્યો એ દુષ્યંતને કહેવાય એમ નહોતો! એ નુસખો અકસીર નિવડ્યો. ખરેખર તો એમાં અમુક જડીબુટ્ટીઓ મિકસ કરવાથી થતા નુકસાન અંગે ચેતવણી આપી હતી. પોતે એ જ મિશ્રણ ધીરેધીરે દુષ્યંતના ખોરાકમાં ભેળવી આપ્યા કર્યુ અને એનું પરિણામ? લકવો!

હાંફી ગયા ચંદાબહેન. એકરાત્રે એ કામસુખનો તરફડાટ અનુભવતા હતા ત્યારે જ જમણું અંગ પક્ષાઘાતમાં જકડાઇ ગયું! પછી તો એની અસર આખા શરીર પર થઇ. કેવળ આંખો ફરે અને ગળામાંથી ગળફાનો સ્વર ફૂટે. નોકરી છૂટી, અમે સુરત શિફ્ટ થયા. સગા-સ્નેહી એમની અવદશા જોઇ અરેરાટી અનુભવતા. આવા તો એમણે ચાર ચાર વરસ કાઢ્યાં! ‘શું થયું તમારી મર્દાનગીને દુષ્યંત! આજે બળાત્કાર નથી કરવો?’ દિવસભર પોતે એમની ચાકરીમાં પાછું વળી જોતા નહીં એમ રાતે સૂતાં પહેલાં મેણાનો ચીંટિયો ભર્યા વિના રહેવાતું નહીં. ‘આ બળાત્કારની સજા છે, જે મેં આપી છે.’

પહેલીવાર કહ્યું ત્યારે દુષ્યંત કેવા ખળભળી ગયેલા! આંખોમાં ખુન્ન્સ ઉતરી આવેલુ, પણ થાય શું! એમની ચાકરી માટે લોકો મને વખાણતા, હું વિનમ્રભાવે ફરજનો હવાલો દેતી. ક્યારેક અરેન રૂમમાં આવી ચડે ત્યારે એમની આંખોમાં ચમક આવી જાય. મને ઘમંડથી નિહાળી કહેવા માંગે કે આખરે અરેનમાં મારું લોહી છે! એ લોહી હવે છાપરે ચડી પોકારે, નવા દુષ્યંત માટે ચાંદની નવી ચંદા બની મારા લાલને લકવો લગાડે એ પહેલા મારે કંઈક કરવું રહ્યું! પણ શું? ‘મારા લાલને ત્યાં લાલો આવ્યો!’ આમ તો વહુની સુવાવડને ત્રણ મહિના થવાના પણ ચંદ્રલેખાબહેનનો હરખ ઓસરતો નથી ‘એનું રાશિનામ ભલેને યશ રાખ્યું, હું તો એને પ્રિન્સ જ કહેવાની! એ છે જ રાજકુમાર જેવો મનમોહક!’ આ સાંભળી એમના હરખને માણનારામાંથી કોઇ બોલી જાય: એમાં વળી નવું શું છે? અસાધારણ રૂપ તો એના દાદાનો વારસો છે! દાદા અને વારસો...આ બે શબ્દો આજે પણ ચંદાબહેનને ડરથી થીજવી દે છે. વળી એ જ વિચારોનું ઘમ્મરવલોણું ચાલુ થઇ જાય. અરેનની આસક્તિમાં સંદેહ નહોતો. અરે, સીમંત પછી પોતે કહ્યું કે વહુ હવે મારા ઓરડે સૂવાનું કરશે તો અરેને ધરાર ઇનકાર ફરમાવેલો: ના હોં, પોતાની રૂમ જેવો આરામ ક્યાંય નહીં મળે. જુવાન દીકરા સામે આવા મામલે કેટલીક દલીલ થાય અને આમાં વહુ બિચારી પણ શું બોલે! પોતે જતું કરતાં રહ્યાં ને અરેન એનું જ ધાર્યુ કરતો રહ્યો! પ્રસૂતિના છેલ્લા અઠવાડિયા સુધી એ વીકેન્ડમાં ધરાર વહુને લઇ રિસોર્ટમાં જતો. ઘરે રહી પોતે કેવળ ઇશ્વરને પ્રાર્થના કરવાની રહેતી કે જેમ દુષ્યંતના ધખારાથી અરેનને સાચવ્યો એમ હવે અરેનના બાળને પણ જાળવી લેજો, દયાનિધિ! અત્યારે, એ જ બાળના રુદને ચંદ્રલેખાબહેન ઝબકી ગયા. હિંચકો થંભાવી નજર મેડી તરફ દોડાવી. ધારણા પ્રમાણે થોડીવારમાં વહુ પાલવમાં દૂધની બાટલી સંતાડતી રસોડામાં સરકી ગઇ. હળવો નિશ્વાસ નાખી બેઠા ચંદ્રલેખાબહેન. હજુ તો યશ ત્રણ મહિનાનો થયો કે વહુએ બોટલનું દૂધ શરુ કરી દીધું! ગયા અઠવાડિયે પહેલી વાર વહુને બોટલ ભરતા પકડી. પોતે ખિજાયાં તો એ પણ અકળાઇને બોલી ગઇ કે શું કરું મા, તમારો પ્રિન્સ છે જ એવો ભૂખાવળો કે માનાં દૂધે ધરાતો જ નથી!

વહુ આ કોના સંદર્ભમાં બોલી ગઇ! યશને ભલે હું પ્રિન્સ કહેતી હોઉં, એક અર્થમાં મારો કુંવર તો અરેન જ ગણાય! કમકમી જવાયેલું: અરેન, અરેન, આ તારી કેવી ભૂખ જે તારા બાળને ભૂખ્યું રાખે છે! પણ દીકરાને ખુલીને કહેવાય નહીં ને વહુને રોકવી નિરર્થક હતી એટલે આ મામલે પોતે આંખ આડા કાન કરતા ને વહુ પણ ચૂપકેથી પોતાનું કામ પતાવી દેતી. પણ ક્યાં સુધી! ચંદ્રલેખાબહેનનાં દિમાગમાં સવાલો થવા લાગ્યા. મારા પર જે વીત્યું એવું જ બધું વહુ પર વીતતું જોઇ હું ક્યાં સુધી ચૂપ રહી શકું! બાકી આમ જ ચાલ્યા કર્યુ તો કાલ ઉઠીને એવું પણ થાય કે માંદા દીકરાની હાજરીમાં અરેન ચાંદની પર અત્યાચાર આદરશે ને ચાંદનીની સહનશક્તિનો અંત આવતા એ પણ મારી જેમ એના વરને લકવો લગાડી દે. સહેમી ગયા ચંદ્રલેખાબહેન. બેશક, વહુને વૈદકનું જ્ઞાન નથી, પણ આજકાલ તો ગૂગલ કરો એટલે જે કરવું હોય એની ટીપ મળી રહે! ના, ના, સ્ત્રી તરીકે મને વહુ પ્રત્યે પૂરી સહાનુભૂતિ, પણ મા તરીકે હું અરેનને પેરેલિસિસમાં રિબાતો, પળપળ મોતને ઝંખતો પણ જોઇ ન શકું! તો હું શું કરું? મારે શું કરવું જોઇએ? ક્યાંથી શોધું આનો જવાબ? અને એમને યાદ આવી પિતાની વૈદ સંહિતા! સફાળા ઉભા થઇ એ પોતાનાં રૂમમાં ગયાં. દરવાજે તાળું મારી કબાટની બાજુમાં મૂકેલો પટારો ખોલ્યો. રેશમીવસ્ત્રમાં વીંટાળીને મૂકેલો ગ્રંથ કાઢતા ઝણઝણાટી પ્રસરી ગઇ. ‘જાણે માને શું થયું છે!’

શનિવારની બપોરે રિસોર્ટ રૂમમાં ગોઠવાતા ચાંદનીએ મુદ્દો ઉખેળ્યો, ‘પાછલા વીકમાં મોટાભાગનો સમય એમણે રૂમમાં પસાર કર્યો છે. હું કામમાં હોઉં ત્યારે યશનું ધ્યાન રાખે અને રમાડે પણ મને પરખાય કે એમનું પોતાનું ધ્યાન ક્યાંક બીજે જ છે!’
મા માટે ચાંદનીની કન્સર્ન દેખીતી હતી. સાસુ-વહુ વચ્ચે પહેલેથી સુમેળ રહ્યો છે.
‘અરેન, યશને હું ક્યારેક બાટલીનું દૂધ આપું છું. એને લઇ આપણે આજે રિસોર્ટમાં આવી ગયા એથી મા નારાજ તો છે જ, પણ આમ એકાંતમાં રહેવું, અલિપ્ત થઇ જવું મને ચિંતાજનક લાગે છે.’ ચાંદનીને કહેવું હતું કે થોડા મહિના પહેલાં મા ઇતિહાસનું પુનરાવર્તન નહીં કરવા દઉં જેવું કંઇક બોલી પણ ગયેલાં. કંઇક તો ચાલી રહ્યુ છે એમનાં મનમાં!
પણ અરેને મોકો ન આપ્યો, ‘મા સાથે ઘરે જઇને ચર્ચા કરી લઇશું... અત્યારે પહેલા ફ્રેશ તો થઇએ...’
જોકે રવિની મોડી રાત્રે ડિનર પતાવી તેઓ ઘરે પહોંચ્યા ત્યારે મા ખુશમિજાજ જણાયા. યશની નજર ઉતારતા બોલી પણ ગયા કે મારા બાળુડા પ્રિન્સ, હવે તારે કે કોઇએ કશંુ વેઠવું નહીં પડે!
અરેનને આમાં કશું નોંધનીય ન લાગ્યું, પણ ચાંદની વિચારતી થઇ ગઇ કે આખરે મા શું વેઠવાની બાબતમાં આમ બોલી ગયા!
‘વહુ’...સાસુના સાદે ચાંદની ઝબકી, ‘અરેનને બહુ ભાવતું કેસરનું દૂધ બનાવ્યું છે. તારા-મારા માટે માટલા કુલ્ફી બનાવી છે, લઇ આવ તો...’
ચાંદનીએ સર્વ કર્યું અને દીકરાના ગળે કેસરિયા દૂધનો ઘૂંટ ઊતરતો જોઇ અનોખી રાહત અનુભવી ચંદ્રલેખાબહેને!
(ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો