સંબંધનાં ફૂલ:સોનેરી સલાહ...મહિલાઓને કેવા પુરુષો ગમે છે?

22 દિવસ પહેલાલેખક: રચના સમંદર
  • કૉપી લિંક

આચાર્ય ચાણક્ય મહાન વિદ્વાન હતા. તેમના વિચારો અને નીતિશાસ્ત્ર આજે પણ એટલા જ પ્રસ્તુત છે. તેમણે આદર્શ જીવન વિશે કેટલાક નિયમો તેમજ જીવનનાં કેટલાંક રહસ્યો પણ જણાવ્યા છે. ચાણક્ય નીતિમાં પુુરુષોની એ ખૂબીઓની વાત કરવામાં આવી છે જે મહિલાઓને પસંદ પડે છે અને મહિલા પોતાના પાર્ટનરમાં આ ખૂબી જોવા ઇચ્છે છે. પુરુષોમાં જો કેટલાંક ખાસ લક્ષણો હોય તો એ મહિલાઓને બહુ પસંદ પડે છે. આવા કેટલાંક લક્ષણો ચાણક્યનીતિમાં જણાવવામાં આવ્યા છે. સંબંધોમાં ઇમાનદારી ઇમાનદારી શબ્દ સાંભળવામાં તો હકારાત્મક લાગે જ છે પણ સાથે સાથે જીવનમાં પણ એનું ખાસ મહત્ત્વ છે. ચાણક્ય નીતિ પ્રમાણે વ્યક્તિ સંબંધોના મામલે ઇમાનદાર હોય એ બહુ જરૂરી છે અને જો પુરુષમાં આ ગુણ હોય તો મહિલાને એ પુરુષ વધારે આકર્ષે છે. પુરુષોએ એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે વફાદારી હંમેશાં સંબંધોને વધારે મજબૂત બનાવે છે. મહિલા ઇમાનદાર પુરુષ તરફ વધારે ઝડપથી આકર્ષિત થાય છે. જો પુરુષ ઇમાનદાર હોય તો પ્રેમિકા કે પછી આખું જીવન તેને પ્રેમ કરે છે. શાલિન વ્યવહાર સારો વ્યવહાર કરવો દરેક વ્યક્તિ માટે જરૂરી છે કારણ કે એ વ્યક્તિત્વને નિખારે છે. ચાણક્ય નીતિ પ્રમાણે મહિલાઓ તેના જીવનમાં આવતા દરેક પુરુષના વ્યવહારનું ઝીણવટથી નીરિક્ષણ કરતી હોય છે કારણ કે તેના માટે તેના જીવનના પુરુષનું વર્તન બહુ મહત્ત્વ ધરાવતું હોય છે. મહિલાઓ એવું માનતી હોય છે કે પુરુષનો વ્યવહાર તેની માનસિકતાનું પ્રતિબિંબ છે. શાલિન વ્યવહાર કરનાર પુરુષ દરેક મહિલાને પસંદ પડે છે અને દરેક મહિલા તેના પાર્ટનર પાસેથી સારા વ્યવહારની અપેક્ષા રાખે છે. મહિલાઓનું સાંભળે ચાણક્ય નીતિમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓને એવા પુરુષો આકર્ષે છે જે મહિલાઓની દરેક વાત ગંભીરતાથી સાંભળે છે અને જો એ યોગ્ય હોય તો એના પર અમલ પણ કરે. દરેક મહિલા ઇચ્છતી હોય છે કે તેનો પાર્ટનર તેની દરેક વાતને ધ્યાનથી સાંભળે. આ કારણે જે પુરુષોમાં સાંભળવાની ક્ષમતા હોય છે તે મહિલાઓને વધારે આકર્ષે છે. જે પુરુષોમાં અહમની ભાવના નથી હોતી એ પણ મહિલાઓને વધારે ગમે છે. આ સિવાય મહિલાઓને આકર્ષવા માટે પુરુષોમાં ક્ષમાની ભાવના હોવી પણ બહુ જરૂરી છે. આ લક્ષણો હોય તો પુરુષ બહુ જલ્દી સ્ત્રીના મનનો માણિગર બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...