તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમન ઇન ન્યૂઝ:ભવાની દેવી : ભારતની તલવારબાજ દીકરી

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભવાની દેવીના પરિવારને તેમની ક્ષમતામાં એટલો વિશ્વાસ હતો કે તેમનાં માતાએ તાલીમ માટે પોતાના ઘરેણાં પણ ગીરવી મૂકી દીધાં હતાં

તામિલનાડુનાં ભવાની દેવી તલવારબાજીનાં એક્સપર્ટ છે અને તેમણે એ કરી બતાવ્યું છે જે 125 વર્ષમાં કોઈ ભારતીય એથ્લીટ નથી કરી શક્યો. ભવાની દેવી ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ભારતીય તલવારબાજ બની ગઇ છે જેના પગલે તેઓ હવે ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેશે. ભવાની દેવી 8 વાર નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યાં છે. તેમણે હંગેરીમાં યોજાયેલા ફેન્સિંગ વિશ્વકપમાં પણ સ્થાન મેળવ્યું હતું. પરિવારને શ્રેય ભવાની દેવીનું આખું નામ ચદલવદા અનંદા સુંદરરમન ભવાની દેવી છે. જોકે તે તેના સાથીઓ અને પ્રશંસકોમાં સીએ ભવાની દેવીનાં નામથી ઓળખાય છે. ભવાની દેવી પોતાની સફળતાનો શ્રેય પરિવારને આપે છે. ભવાની દેવીના પરિવારને તેમની ક્ષમતામાં એટલો વિશ્વાસ હતો કે એક તબક્કે તેમનાં માતાએ નાણાકીય જરૂરિયાતને પૂરી કરવા માટે પોતાના ઘરેણાં પણ ગીરવી મૂકી દીધાં હતાં. તેમણે વિકટ પરિસ્થિતિમાં પણ ભવાની દેવીનો ઉત્સાહ જાળવી રાખ્યો જેથી એમનો રમત પ્રત્યેનો ઉત્સાહ ઘટી ન જાય. પોતાનો અનુભવ જણાવતાં ભવાની દેવીએ કહ્યું છે કે ‘મારી માતાએ મને હંમેશાંં પ્રોત્સાહન આપ્યું છે. તે મને હંમેશાંં કહેતી કે જો આજે સારું પરિણામ નથી મળ્યું તો કાલે ચોક્કસ મળશે. જો તમે 100 ટકા મહેનત કરશો તો ચોક્કસ પરિણામ મળશે. કોવિડ-19ની સારવાર વખતે પણ હોસ્પિટલનાં બિછાનાથી તેમણે મને તેમની ચિંતા કરવાને બદલે મારાં સપનાં પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આગ્રહ કર્યો હતો.’ પ્રારંભિક જીવન ભવાની દેવીનો જન્મ 27 ઓગસ્ટ, 1993ના દિવસે તામિલનાડુનાં ચેન્નાઈમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતા એક પાદરી હતા અને માતા ગૃહિણી હતાં. તેમણે શાળાનું શિક્ષણ ચેન્નાઈમાં જ લીધું હતું અને પછી ચેન્નાઈની જ સેન્ટ જોસેફ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. બાળપણથી જ તલવારબાજીમાં રસ ભવાની દેવીનો બાળપણમાં જ તલવારબાજી સાથે પરિચય થયો હતો. 2004માં ભવાની દેવી જ્યારે શાળાકીય અભ્યાસ કરી રહ્યાં હતાં ત્યારે તેમણે તલવારબાજીની પ્રારંભિક તાલીમ લીધી હતી. ધોરણ-10નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભવાની ભારતીય તલવારબાજીના કોચ સાગર લાગુ સાથે જોડાયાં અને કેરળનાં થાલાસ્સેરી ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI)માં અભ્યાસ ચાલુ રાખ્યો. 14 વર્ષની વયે તેમણે તુર્કી ખાતે પોતાની પ્રથમ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. વ્યવસાયિક સિદ્ધિઓ ભવાની દેવીએ ટીમ ઇવેન્ટ્સમાં મેડલ જીતીને પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ભારતીય તલવારબાજ ટીમે 2009માં મલેશિયામાં યોજાયેલી જુનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપ, થાઇલેન્ડમાં 2010માં ઇન્ટરનેશનલ ઓપન અને ફિલિપિન્સમાં 201૦માં કેડેટ એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2012માં જર્સી ખાતેની જુનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં જ્યારે ટીમે સિલ્વર જીત્યો એ વખતે ભવાનીએ પોતાનો પ્રથમ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. 2018માં ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં સિનિયર કોમનવેલ્થ તલવારબાજી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...