(પ્રકરણ:6) સજ્જન સિંહ નામનો દુર્જન આદમી મારો બાપ છે! અજાતશત્રુના ધડાકાએ હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં સ્તબ્ધતા છવાઇ ગઇ. ભીતરનો ભેદ ઊલેચી અજાતશત્રુ સહેજ હાંફી રહ્યો. ગિરની હોસ્પિટલમાં જવાને બદલે રાજુભા જૂનાગઢની મોટી હોસ્પિટલમાં લઇ આવ્યો એમાં ખરેખર તો ચાંદનીનો ભેટો થવાનો યોગ લખાયો હશે? કે પછી પિતાનો આમનોસામનો થવાનું નિર્મિત હશે? પિતા... અજાતશત્રુના જડબાં તંગ બન્યાં. ડ્રેસિંગ- ઇન્જેક્શનની ઇમરજન્સી ટ્રીટમેન્ટથી કલાકમાં હોશમાં આવેલા અજાતે જોકે તીર પર લાગેલા રસાયણની પરખ ન થાય ત્યાં સુધી હોસ્પિટલમાં અન્ડર ઓબ્ઝર્વેશન રહેવાનું હતું. ગોળીથી ઘાયલ થયેલા હરિ અને જગલા પર જોખમ નહોતું, એમના પર તો પોલીસ પહેરો પણ લાગી ગયો... ‘માને કહ્યું નથીને?’ હોશમાં આવતા જ અજાતે રાજુભાને પૂછેલું. ‘માના ત્રણ ફોન આવી ગયા’ તેજકુંવરબા જાણતા કે રાજુભા મારા અજાતના પડછાયા જેવો છે, એટલે મેવાડથી ક્યારેક એને ય ફોન કરી દીકરાના ખબરઅંતર પૂછી લેતા. ગઇ રાતે અધૂરા ભાણે ગયેલા દીકરાની ચિંતા ઓછી કરવાનું નક્કી કર્યુ એથી રાત તો આછીપાતળી ઊંઘમાં નીકળી ગઇ, પણ પરોઢિયે પણ દીકરો ન આવ્યો, ફોન ઉઠાવતો નથી એટલે રાજુભાને કોલ કર્યા. ‘મારા જવાબોથી એમને સંતોષ થયો હોય એવું લાગ્યું નહીં...’ ‘માને હું કોલ કરું છું, પણ તું કામે લાગી જા. આ વખતે કેસ ફુલપ્રૂફ બનાવવો છે...’ કહી રાજુભાને હરિ-જગલાની તપાસમાં ગોઠવી દીધેલો : એમની ભાળ કાઢી જાણ તો ખરો, એમનું મોં ખોલવાની કોઇ નબળી કડી મળે એમ છે ખરી? હવે તો જાણવું છે કે આપણા જીવનું ખરું દુશ્મન કોણ છે! આના જ વિચારોમાં ગોથા ખાતો હતો એમાં માને કોલ કરવાનું વિસરાયું ને ખુલ્લા રૂમમાંથી ચાંદનીનો પ્રવેશ થતા પિતાનો છેડો ઊખળ્યો... એ પુરુષ જેને પોતે કેવળ તસવીરોમાં જોયો છે, માની વાતો થકી જાણ્યો છે ને જેના માટે હૈયે નફરત સિવાય કોઇ લાગણી નથી! ચાંદની પણ અવાક હતી. અજાતશત્રુને હોસ્પિટલના બેડ પર જોઇ ધ્રાસ્કો અનુભવ્યો હતો. એને શું થયુંની વિગતો જાણવા મળે એ પહેલાં સજ્જન સિંહનો ઉલ્લેખ કરી અજાણતા હું એની દુખતી રગ દબાવી બેઠી! બાકી એના અંગત પર ઘા કરવા જેટલી નિષ્ઠુર પોતે થઇ જ ન શકે. અને ખરેખર અજાતના ધગધગતા ડિલની ઝાળ ચાંદનીને પણ એટલું જ દઝાડતી હતી. સજ્જનસિંહ અજાતના પિતા હોવાનો બીજો અર્થ એ કે વિશાખા એની ઓરમાન મા થઇ! ગિરનાર ઊતરતા અજાતે માતા તેજકુંવરબાનો ઉલ્લેખ કરેલો, મતલબ એ સજ્જનસિંહના પહેલા પત્ની! સજ્જનસિંહને દુર્જન ગણાવનાર અજાતનો પિતા પ્રત્યેનો અભાવ દેખીતો છે, પણ મને તો એ સાવ રાંક જેવા લાગ્યા. વિશાખા સામે બિચારાનું કંઇ ચાલતું નથી! અજાતને સાવકીમા પ્રત્યે કેવોક ભાવ છે? ના,ના. અત્યારે આ બધું ચર્ચવાનો સમય નથી... મામીની દવા આપીને આવી છું, એમની સાથે સંવેગભાઇ છે એટલે મારે ઉતાવળ નથી. ચાંદનીએ આમતેમ નજર ફેરવી. બેડની બીજી તરફની દીવાલે કોર્નર ટેબલ પર પાણીનો જગ દેખાયો. એ તરફ જઇ, પાણીનો પ્યાલો ભરી એણે અજાતને ધર્યો, ‘બે ઘૂંટ પી લો, અજાત...’ અજાતથી ઇન્કાર ન થયો. પાણી પી કંઇક શાતા વળી. ‘હવે આરામ કરો. નો, નો આર્ગ્યુમેન્ટ્સ. આડા પડો જોઉં...’ અજાતે પથારીમાં લંબાવ્યું. રૂમનો દરવાજો બંધ ઠેલી બારીના પડદા ઢાળી ચાંદનીએ રૂમમાં અંધારું કરી દીધું. પછી અજાતનું ઓઢવાનું સરખું કરી એના માથે હાથ ફેરવતા મીઠું કોઇ ગીત ગણગણતી રહી. ધીરેધીરે અજાતની આંખોમાં નીંદર ઘેરાવા લાગી. બંધ આંખે એ ઘેનભર્યુ મલક્યો, ‘જાણે છે, ચાંદની... નાનો હતો ત્યારે હું બહું તોફાની. એમાં ય માંદો પડું ત્યારે મારો ઉત્પાત વધી જતો. મા મને શાંત પાડવા આમ જ રૂમમાં અંધારું કરી મારું માથું ખોળામાં લઇ ગીત ગાતી.’ વળતી પળે એની ભ્રમર તંગ થઇ, સ્મિત સૂકાયું, ‘દેવી જેવી માને મારા વિષયી બાપે બહુ દુ:ખી કરેલી...’ ‘શીશ. નો ફ્લેશબેક. અત્યારે સૂઇ જાઓ અજાત, નહીં તો...’ ચાંદનીની લઢણે અજાતની આંખો ખૂલી ગઇ, ‘નહીં તો શું, ચાંદની?’ એના સવાલમાં ઉત્સુકતા હતી. ‘નહીં તો તમારા હોઠ બંધ કરવા મારે બીજો કોઇ ઉપાય અજમાવવો પડશે!’ ચાંદનીના શરારતભર્યા સ્મિતે અજાતને ઝબકારો થયો : હોઠ બંધ કરવાનો ઉપાય એટલે... ચુંબન! ‘ડ્રેસિંગ માટેની ટેપ અહીં જ છે, મોં પર મારી દઇશ!’ ઓ...હ! અજાતે આંખો બંધ કરતા બબડી લીધુ: હું તો કંઇ ભળતું જ સમજી બેઠો! એના ભોળપણ પર સાચે જ એના હોઠ ચૂમી લેવાનુ મન થયું, પણ હૈયાને વારી ચાંદની હળવેથી એનું કપાળ પસવારતી રહી. એના મુલાયમ સ્પર્શે તાણ હણાતી હોય એમ અજાતશત્રુ નિદ્રાધીન થયો. 000 અડકાવેલા દરવાજે ટકોરા પાડી નર્સ અંદર આવી. આ તો મામીને તપાસી ગયેલી એ જ નર્સ અલકનંદા! પાંત્રીસેક વરસની નર્સ હસમુખી છે ને એનું ઇન્જેક્શન દુખતુ નથી એવું તો મામી કેટલીય વાર બોલી ગયેલા. પેશન્ટ સાથે ચાંદનીને જોઇ નર્સ પણ સહેજ ખંચકાઇ,’તમે, અહીં!’ પછી અજાતની નીંદરમાં ખલેલ ન પડે એ માટે દબાતા અવાજે પૂછ્યું, ‘ફોરેસ્ટ ઓફિસર તમારા સગાં થાય?’ ચાંદની મૂંઝાઇ, જવાબ દેવાને બદલે ક્યારનું ઘોળાતું સામું પૂછી લીધું, ‘અજાતશત્રુને થયું છે શું?’ ‘હ...’ સિરિંજ તૈયાર કરતી સિસ્ટર અલકનંદાએ ડોક ધુણાવી, ‘તમારા ઉચાટમાં પરખાય છે કે તમે સરના કોણ છો!’ અજાતના બાવડે સ્પિરિટ ઘસી એણે સોય ઘોંપી. અજાતની નીંદર તૂટી નહી, હળવો ઊંહકારો કર્યો માત્ર. ‘એમને તીર વાગ્યું છે...’ ઓહ! સિંહોની તસ્કરી કરનારી ટોળી સાથેની અથડામણમાં અજાત તીરથી ઘાયલ થયા છે ને એમની ગોળીથી ઘાયલ થનારા બે કેદી આજ માળ પર અહીંથી ત્રીજા રૂમમાં છે જાણી ડઘાઇ જવાયું. હે ભગવાન, અજાતશત્રુને લાગેલા તીર પર ઝેર ન જ હોય! ‘સાંજ સુધીમાં રિપોર્ટ આવી જશે... જોકે ઝેર ન હોય તો પણ સરે બે દિવસ તો ઓછામાં ઓછું રોકાવાનું છે, ક્યારેક સ્લો પોઇઝન હોય તો ટેસ્ટમાં ખબર ન પડે એ માટેની આ તકેદારી છે.’ ઓહ, તો તો મામી ભેગા હું અજાતશત્રુની સેવાનો લહાવો પણ લઇ શકીશ! *** આ છોકરો પણ! તેજકુંવરબાનું હૈયું કાંપતું હતું. હોસ્પિટલમાં દાખલ થયો, પણ એમ નહીં કે માને ખબર આપે! ‘કહેવું પડે તેજુબા, તમારો અજાતશત્રુ તો બત્રીસ લક્ષણો નીવડવાનો...’ મેવાડના મહોલ્લાના પાડોશીઓ કહેતા ને તેજલબા દીકરાની નજર ઉતારતા. થોડો મોટો થયા પછી અજાત હસતો : મા, તું તો એમ વર્તે છે જાણે દુનિયાભરની બૂરી નજર મને જ વળગવા ટાંપી બેઠી હોય! ‘ચૂપ બેસ દોઢડાહ્યા’ પોતે મેંશના ટપકા જેવું વઢી લેતા: તને આમાં સમજ ન પડે!’ પણ હા, દીકરાને માની ફડક, માની વ્યથા તો બરાબર પરખાતી. કાચી વયે પણ એણે એક જ વાર પૂછેલું : મા, મારા પપ્પા ક્યાં? ક્યારેક તો આ સવાલ આવવાનો જ હતો... મહિયરમાં માવતર નહોતા રહ્યા, પણ બીજા કોઇનેય મે સાસરાના દુખડાં કહ્યા નહોતા. બેજીવી બાઇ સાસરાનો છેડો ફાડી કેમ આવી ચડી એનું કુતૂહલ, કૂથલી ઘણાએ કર્યા જ હશે, પણ પોતે કોઇ દિ’ કોઇને પેટ નહોતું આપ્યું. ધીરેધીરે સૌએ સ્વીકારી લીધું કે તેજલ હવે પિયર જ રહેવાની, એના દીકરાને નાનાનું નામ-અટક આપી મોટો કરવાની... અને દીકરો પણ કેવો! પુત્રનાં લક્ષણ પારણામાંથી એમ એને હાથ પગ ઉછાળતો જોઇ લોકો બોલી જતા: આ તો શૂરવીર થવાનો, અત્યારથી જ એના આંગળાંમાં કેવું જોર છે! દીકરો શૂરવીર થાય કે ન થાય, એને બાપ જેવો તો નહીં જ થવા દઉં! જીજાબાઇનાં હાલરડાં ગાઇ એની રગોમાં શૂરાતન ભર્યુ, મૂલ્યોના પાઠ ભણાવ્યા, ક્યાંક એ ચૂકે તો અબોલા લઇ એને સારા નરસાનું ભાન કરાવ્યું... અજાત બીજું બધું ખમી લે, મારા અબોલા સહી ન શકે. દીકરો આડા રસ્તે ન જ જાય એવું બંધારણ ઘડતી વેળા જે સવાલનો ડર હતો એ તો આવ્યો જ.... મા, મારા પપ્પા ક્યાં? ના, હજુ સત્ય સાંભળવાની, સમજવાની અજાતની એ ઉંમર નહોતી... ‘આ સવાલનો જવાબ હું અત્યારે નહીં આપું ને તું મને ફરીવાર નહીં પૂછે...’ અને ખરેખર અજાતે ફરી ક્યારેય પૂછ્યું નહોતું... ન પિતાના ન હોવાની ફરિયાદ કે ન મા કશું જણાવતી નથી એવી રાવ. હતી તો કેવળ માતામાં અતૂટ શ્રદ્ધા. કદાચ એ શ્રદ્ધા મારું પણ બળ બની. બાકી જાગીરદાર માટે જૂનાગઢથી મેવાડ ક્યાં દૂર હતું? જીવતરમાં ન રૂઝે એવો ઘા આપી ગયેલી પત્ની પિયરમાં જ હોય એવું ધારીને પણ એ સગડ કઢાવી વેરની વસૂલાત માટે મારા અજાતને નુકસાન પહોંચાડી શકે એ ધ્રાસકો પ્રભાવી બન્યો જ નહીં : જાગીરદાર મારા સુખ પર નજર બગાડે તો ખરો! અજાત અઢારનો થતાં એને બધું કહેવાનું નક્કી કર્યુ ત્યારે દ્વિધા નહોતી : અજાત, હું તને જે બન્યું એ શબ્દશ: કહીશ, તારે પિતાનો પક્ષ પણ જાણવો હોય તો મારા તરફથી છૂટ છે, પણ વેર સેવવાની મંજૂરી નહીં આપું... દશ વરસના એ દોજખભર્યા લગ્નજીવનની ગાથાને અજાતે પચાવી જાણી : પિતા માટે હૈયે નફરત રાખું છું, દીકરાનું આનાથી મોટું વેર શું હોય! એવું લાગ્યું હતું એક વાવાઝોડું આવ્યું ને નુકસાન વિના નિકળી ગયું... છ મહિના અગાઉ એની નિમણૂક ગિર થઇ ત્યારથી મન અજંપ રહેવા લાગ્યું. પહેલીવાર જાગીરદારની ખબર કઢાવી. ના, એ જીવિત છે. કોઇ વિશાખા નામની સ્ત્રીને ફરી પરણ્યો છે જાણી સ્તબ્ધ થવાયેલું. મેં એને છોડ્યો ત્યારે તો હવેલી ખાતે મૂળી નામની વણઝારણ સાથે એનો રોમેન્સ પૂરબહાર હતો! હશે. મારે તો દીકરાનું સુખ નંદવાય નહીં એ જ નિસબત. એને દીકરાના અસ્તિત્વની ખબર હોય કે ન હોય, અજાતને ગોખાવીને મોકલ્યો હતો કે પિતાના રસ્તાથી દૂર રહેજે! અરે, હજુ ગઇરાતે અજાતની ક્ષમતામાં શ્રદ્ધા રાખી અજંપો હૈયેથી ઉતાર્યો ને બીજી જ સવારે ખબર મળે છે કે દીકરો હોસ્પિટલમાં છે! રિક્ષામાંથી ઊતરી રિસેપ્શન પરથી અજાતશત્રુનો રૂમ જાણી એ લિફ્ટ તરફ વળ્યા. *** અને ત્રીજા માળે, લિફ્ટમાંથી નીકળતા તેજકુંવરબા સામે સ્ટ્રેચરને જોઇ સાઇડમાંથી નીકળવા જાય છે કે ચોથા ડગલે બેડી લાગી ગઇ: આ તો... સજ્જન! એમની સાથેની સ્ત્રીને ધારીને જોતા આંખો પહોળી થઇ: મૂ...ળી, તું છો! એમના તીણા ઉદ્્ગારે અજાતની રૂમના દરવાજે આવી ઊભેલી ચાંદની પણ ચમકી ગઇ. (ક્રમશ:)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.