સંબંધનાં ફૂલ:જરૂરી કામને જ આપો મહામૂલો સમય...

એક મહિનો પહેલાલેખક: રચના સમંદર
  • કૉપી લિંક

‘સમય નથી મળતો...’ એ બહુ સામાન્ય ફરિયાદ છે. દિવસ ક્યાં અને કેવી રીતે પૂરો થઇ જાય છે એ ખબર જ નથી પડતી. આ રીતે અઠવાડિયાં, મહિનાઓ અને વર્ષો પસાર થઇ જાય છે. સમય પસાર થઇ જાય છે પણ ‘મળતો’ નથી. એક તબક્કે જ્યારે જીવનમાં શું મેળવ્યું કે પછી શું શીખ્યું? એનો હિસાબ કરવા બેસીએ ત્યારે હાથમાં પસાર થઇ ગયેલા વર્ષો હોય છે પણ આ વર્ષોમાં શું શીખ્યા એનો કોઇ તાળો નથી મળતો. કેમ? કારણકે આ વર્ષોમાં આપણી પાસે કંઇક મેળવવાનો ‘સમય’ જ નહોતો. આ સંજોગોમાં વિચારવાની જરૂર છે કે સમય ક્યાં જાય છે? બહુ સરળ હિસાબ છે. તમારા રોજિંદા જીવન પર અને દૈનિક પ્રવૃત્તિઓ પર એક નજર ફેરવો. તપાસો કે એવાં ક્યાં કામ છે જે કરવા માટે તમે ગમે તે પરિસ્થિતિમાં અને ગમે તેટલી તકલીફ હોય તો પણ સમય કાઢી જ લો છો અને એવાં ક્યાં કામ છે જે તમે ટાળતા રહો છો અને પછી મુશ્કેલીથી માંડ માંડ પૂરાં કરો છો. એ પણ તપાસો કે એવાં કેટલાં કામ છે જે કરવાનો વિચાર તો કરો છો પણ કરી નથી શકતા. જો તમે યોગ્ય રીતે વિશ્લેષણ કરશો તો તમને અહેસાસ થશે કે જે કામ કરવામાં તમે સમય પસાર કરો છો એમાંથી થોડો સમય હજી કાઢી શકો એવી શક્યતા તો છે જ. જે કામ તમે ટાળતા રહો છો એ કામ સમયસર કરી લો તો તમે સ્ટ્રેસ અને અકળામણથી બચી શકો છો. આ બંને રીતે ‘બચાવેલો’ સમય તમારો વિકાસનો સમય છે. આ સમય બહુ કિંમતી છે અને એટલો યોગ્ય રીતે સંપૂર્ણપણે ઉપયોગ કરવો જોઇએ. આપણે જે કામ કરવામાં જરૂરિયાત કરતા વધારે સમય આપી દઇએ છીએ એમાં મોબાઇલ, ટીવી, સોશિયલ મીડિયા જેવી લતનો પણ સમાવેશ થાય છે. આનો હિસાબ કરવા બેસીએ તો બહુ ચોંકાવનારું પરિણામ મળી શકે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ ડિજિટલ ઉપકરણો અને પ્લેટફોર્મ પરના સમયના વેડફાટને ‘વ્યસ્તતા’ કહેવામાં આવે છે. આ સમયમાંથી પણ વિકાસનો રસ્તો નીકળી શકે છે પણ આના પર ચાલવાની તૈયારી દાખવે એવું મન કોઇ પ્લેટફોર્મ પર નથી મળતું. કંઇ મેળવવાની તૈયારી શરૂ કરવામાં વ્યક્તિ પોતાનું મન કેટલું કેન્દ્રિત કરી શકે છે એ વાત મહત્ત્વની છે. શું કરીશું તો કંઇક મેળવી શકશું એ નક્કી કરવાનો આધાર વ્યક્તિના મન પર રહેલો છે. કોઇ ઓનલાઇન કોર્સ કરવાની ઇચ્છા હતી પણ મોટાભાગનો સમય ઘરની સફાઇમાં પસાર કરી દીધો તો એને સમયની કમી નહીં પણ ફોકસનો અભાવ કહી શકાય. સપાટી પર રહેવા માટે અને આગળ નીકળવા માટે સતત તરતા રહેવાનું કે પછી હાથ-પગ ચલાવતા રહેવાનું જરૂરી છે. કોઇ પદ મેળવી લેવું કે કોઇ ખાસ જગ્યાએ પહોંચી જવું એ સફળતા નથી. રોજ કંઇક નવું કે પછી કંઇક વધારે સારું કરતા રહેવાથી પણ સંતોષ મળે છે. અખબાર, પુસ્તક, લોકો, ચર્ચાસભા, વિચારમંચ, સર્જન, રમતનું મેદાન...એવા અનેક વિકલ્પો છે જ્યાં કંઇ બોલ્યા વગર પણ ઘણું શીખી શકાય છે. શીખવું એ એક રીતે અનુભવમાં વધારો કરવાનો અનુભવ છે, એક સાર્થક અનુભવ. આ અનુભવને બીજા સાથે વહેંચી પણ શકાય છે. આ ‘શું મેળવ્યું’ એ તપાસવાનો માપદંડ પણ બની શકે છે. તમારા સમયને રોજ શીખવાની એરણ પર તપાસતા રહો. ધીરે ધીરે એક ખજાનો બની જશે અને તમે સમૃદ્ધ બની જશો.

અન્ય સમાચારો પણ છે...