પેરેન્ટિંગ:શિયાળામાં બાળકોને આપો શરદી-ઉધરસ સામે સુરક્ષાચક્ર

18 દિવસ પહેલાલેખક: મમતા મહેતા
  • કૉપી લિંક

શિયાળાની ઠંડીની શરૂઆત થઇ ગઈ છે ત્યારે બદલાતા વાતાવરણની સીધી અસર બાળકનાં સ્વાસ્થ્ય પર પડે છે. બાળક નાનું હોય ત્યારે એની રોગપ્રતિકારક શક્તિનો ખાસ વિકાસ થયેલો હોતો નથી જેના કારણે વાતાવરણમાં ઠંડક વધવાને કારણે તે તરત શરદી અને ઉધરસનો ભોગ બને છે. જોકે બાળકના આહાર અને જીવનશૈલીમાં થોડી કાળજી રાખવામાં આવે તો આવી સમસ્યાથી બચી શકાય છે. એલર્જી છે મુખ્ય કારણ : સામાન્ય શરદી-ઉધરસ હંમેશાં એલર્જીને કારણે આવે છે. જ્યારે પણ શિશુને ઠંડી લાગે છે કે પછી ઉધરસ આવે ત્યારે માતા-પિતાનું પહેલું પગલું તેને પ્રાકૃતિક રીતે ઇલાજ આપવાનું હોવું જોઇએ.નાનાં બાળકોની ઈમ્યુનિટી સિસ્ટમનો સંપૂર્ણ રીતે વિકાસ થયો ન હોવાને કારણે તેમને શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યાઓ તરત થઈ જાય છે. સિઝનમાં ફેરફાર વખતે ઘણાં કારણોથી શિશુને આવી સમસ્યાઓ થતી હોય છે. પ્રાકૃતિક ઉપાયને પ્રાયોરિટી : ઠંડીની સિઝનમાં પાંચ વર્ષથી નાના બાળકને સામાન્ય શરદી-ઉધરસ થઇ જાય ત્યારે બને ત્યાં સુધી પ્રાકૃતિક ઉપાયોથી સારવાર કરવાનો પ્રયાસ કરવો જોઇએ કારણ કે બાળકની ઉંમર ઓછી હોવાને કારણે તેમને કોઇ વધારે હાઇ ડોઝની ટેબલેટ પણ આપી શકાતી નથી. જો બાળક બોટલ દ્વારા દૂધ પીવે છે તો તેના દૂધમાં થોડી હળદર મિક્સ કરી તેને પીવડાવો. શિશુને દિવસમાં બે વખત હળદરવાળું દૂધ પીવડાવવાથી રાહત મળશે. તેલ માલિશનો ફાયદો : જો બાળકને ઠંડીના કારણે શરદી-કફની સમસ્યા સતાવતી હોય તો નિયમિત રીતે તેલથી માલિશ કરવાથી બાળકનો કફ દૂર થાય છે. નીલગિરિના તેલથી શિશુને માલિશ કરવાથી ફાયદો થાય છે. આવું કરવાથી બાળકનાં શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને તેલ પોતાના ગુણથી ફાયદો કરી શકે છે. નાસ કરે શરદીનો નાશ : જો શરદીના કારણે બાળકનું નાક બ્લોક થઇ ગયું હોય તો સ્ટીમ એટલે કે નાસ લીધા સિવાય ઉત્તમ ઉપચાર બીજો કોઇ નથી. ગરમ હવા શિશુના કફને ઓગાળી દે છે. આનાથી ફેફસાં અને નાકમાં થયેલું બ્લોકેજ દૂર થશે. આ સિવાય મધ અને લીંબુ નાખીને ગરમ પાણી પીવાથી ગળામાં રાહત મળે છે, ઇન્ફેક્શન દૂર થાય છે. તમે તમારા બાળકને મીઠાવાળું પાણી દિવસમાં 2-3 વાર પીવડાવો. આ પાણી પીવાથી છાતીમાં જામેલો કફ નિકળી જશે અને શરદી-કફમાં રાહત થશે. મધનો ઉપયોગ વિવાદાસ્પદ : કફ દૂર કરવા માટે મધ એક પારંપરિક નુસખો છે પણ નાના બાળકોને આ નુસખાથી ફાયદો થશે કે નુકસાન એ ચર્ચાનો મુદ્દો છે. મધમાં એન્ટીઈન્ફેક્ટિવ ગુણ પણ હોય છે. જેનાથી બાળકને ઘણો ફાયદો થાય છે. મધમાં ઘણાં ગુણ હોવા છતાં તેમાં ઘણીવાર બેક્ટેરિયા પણ હોય છે. જે એક ખાસ પ્રકારના ફૂડ પોઈઝનિંગનું કારણ પણ બને છે. જોકે મોટાં લોકો પર તેની ખાસ કોઈ અસર થતી નથી, કેમ કે, તેમનું પાચનતંત્ર ઘણું મજબૂત હોય છે પણ નાના બાળકોને તે નુકસાન કરી શકે છે. કાચું મધ ભલે સ્વાસ્થ્યવર્ધક હોય પણ 6 મહિનાથી નાના બાળકો પર તેની ખરાબ અસર થઈ શકે છે. જેથી 6 મહિનાથી નાના બાળક પર મધનો ઉપયોગ કરવો જોઇએ નહીં. તેમના પર ઘરેલૂ નુસખા અપનાવ્યા કરતાં પીડિયાટ્રિશનનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...