સેક્સ સેન્સ:ભેટવું એ પણ ભેટ છે સહવાસમાં

મેધા પંડ્યા ભટ્ટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આપણે હંમેશાં પોતાની વ્યક્તિ ને કંઈક ને કંઈક ભેટ આપતા હોઈએ છીએ. જેનાથી ભેટ આપનારને અને મેળવનારને આનંદ મળતો હોય છે. પતિ-પત્નીના સંબંધમાં પણ અકબીજાને ભેટ (ગિફ્ટ) આપવાની પ્રકિયા નિયમિત કે પ્રસંગોપાત થતી રહે છે. તેવામાં ક્યારેય તમે એવો અનુભવ કર્યો છે, કે કિંમતી ભેટસોગાદો કરતા એક પ્રેમપૂર્વકનું હૂંફાળું આલિંગન એટલે કે એકબીજાને ભેટવું એ પણ અકલ્પનીય ભેટથી વિશેષ છે. આ ભેટનો અનુભવ આકર્ષક અને આકર્ષણ ઊભું કરવામાં મદદરૂપ બને છે. પતિ પત્નીના સંબંધ માં એકબીજાને ભેટવાની ક્રિયા કે એકબીજાને ભેટીને લાંબો સમય પડ્યા રહેવું જેવું ઘણું ઓછું અથવા તો નહીંવત્્ હોય છે. ભેટવું એ પણ એક સુંદર ભેટ હોય છે. ઘણીવાર એવો સમય પણ પતિ-પત્નીનાં જીવનમાં આવતો હોય છે કે કોઈ વસ્તુ કરતાં વ્યક્તિની કિંમત વધારે જરૂરી બની જતી હોય છે અને તેવામાં જો કિંમતી ભેટ કરતા ભેટવાની તક અને સમય મળી જાય તો (આલિંગન) પ્રેમ અને શારીરિક આકર્ષણ વધારે મજબૂત બની જાય છે. સાક્ષી અને વિશાલ બંને અલગ અલગ શહેરમાં રહીને નોકરી કરે છે. બંનેનાં લગ્નનો સમય નજીક આવી રહ્યો છે પણ લગ્ન પહેલાંનો સગપણથી લગ્ન વચ્ચેનો સમયગાળો બંને નોકરીનાં કારણે માણી શકતાં નથી. લગ્નની તારીખ જેમ જેમ નજીક આવી રહી હતી તેમ સાક્ષીને જાણે તે વિશાલથી અપરિચિત હોય તેવી લાગણી થવા લાગી. તેણે વિશાલને આ વાત જણાવી. વિશાલ તેની આ લાગણીને સમજી શકતો હતો. એકબીજાને ફક્ત ફોન અને મેસેજથી જ ઓળખી શક્યાં જેવું તેમની સાથે બન્યું હતું. વિશાલ તો સાક્ષીની મૂંઝવણ સમજી ગયો હતો. લગ્નના દિવસને અઠવાડિયું જ બાકી હતું અને બંનેએ ઓફિસમાં રજા મૂકી. સાક્ષી તેનાં ઘરે આવી ગઈ અને તેની જાણ બહાર વિશાલ પણ સાક્ષીનાં ઘરે આવી ગયો. વિશાલે સાક્ષીને આ રીતે સરપ્રાઈઝ આપી. લગ્ન પહેલાં સાક્ષીના તમામ કાર્યમાં તે તેની સાથે રહેવાનો પ્રોગામ બનાવી ચૂક્યો હતો. સાક્ષી આ વાત જાણીને ખૂબ ખુશ થઈ. વિશાલ સાક્ષીની સાથે શોપિંગ કરવા જતો. તેને ગમતી જગ્યાએ સાથે લંચ કે ડિનર કરવા જતો. તે સિવાય તેને લઈને તેની બ્યુટી ટ્રીટમેન્ટ માટે લેવા મૂકવા પણ જતો. સાથે જ પોતાની માટેની લગ્નની તૈયારીઓમાં જરૂર લાગે ત્યારે સાક્ષીને સાથે અચૂક લઈ જતો. આ રીતે બંને એકબીજા સાથે સમય પસાર કરવા લાગ્યાં. એકબીજા સાથે વધારેને વધારે સમય પસાર કરવાથી બંનેને એકબીજા પ્રત્યે ઘનિષ્ઠતા વધવા લાગી અને અનોખું આકર્ષણ પણ થવા લાગ્યું. વિશાલ રોજ રાત્રે સાક્ષીને ઘરે મૂકવા જાય ત્યારે હળવાશથી ભેટીને છૂટો પડતો હતો. સાક્ષીને તેની આ વાત ખૂબ આકર્ષક લાગવા લાગી. સાક્ષી સવારથી પાર્લરમાં ગઈ હતી. વિશાલ જ તેને મૂકવા ગયો હતો. બપોરે સાક્ષી માટે જ્યુસ અને ફ્રૂટ્સ લઈને ગયો હતો. સાંજે સાક્ષીને લેવા ગયો અને બંનેએ સાથે ડિનર કર્યુ. હવે પછી બંને લગ્નમંડપમાં જ મળવાના હતા. વિશાલ પછી સાક્ષીને તેનાં ઘરે મૂકવા ગયો. થોડીવાર વડીલો સાથે બેસીને એ ઘરે જવા નીકળ્યો. તે ઘરના બગીચામાં પહોચ્યો ત્યારે સાક્ષી તેને પાછળથી આવીને જોરથી ભેટી પડી. વિશાલ ફર્યો અને તેણે સાક્ષીને પોતાના બાહુપાશમાં જોરથી જકડી લીધી. બંનેએ એકબીજાના ગાઢ સ્પર્શનો અનુભવ કર્યો. લગ્નની વિધિ દરમિયાન પણ સાક્ષીને સતત વિશાલના ભેટવાથી મળેલી એક આકર્ષણની ભેટ યાદ આવતી હતી. તેને વિશાલે તેની સાથે ગાળેલો સમય, તેની કાળજી, તેની લાગણી બધું સતત યાદ આવતું હતું. લગ્નમાં પણ જાણે તે ફક્ત વિશાલની જ હાજરીને અનુભવી રહી હતી. સાક્ષીને તે વિશાલ સાથે ક્યારે એકલી પડશે તેની રાહ હતા. મધુરજની વખતે વિશાલ જેવો રૂમમાં આવ્યો તે દોડીને તેને ભેટી પડી. વિશાલે થોડીવાર સાક્ષીને પોતાની બાહોમાં સમાવી લીધી. એકબીજાને ભેટીને બંને એકબીજાના સ્પર્શનો અનુભવ કરી રહ્યાં હતાં. સાથે જ બંનેને શારીરિક આકર્ષણ અને એકબીજામાં ઓતપ્રોત થવાની તત્પરતા હતી. શારીરિક આકર્ષણનું મહત્ત્વ સંબંધમાં ખૂબ જરૂરી છે, પણ તે કઈ રીતે જાળવી રાખવું તે દરેક વ્યક્તિને સમજવાની જરૂર છે. પ્રેમ ફક્ત સહવાસ કે સારી ભેટસોગાદો પૂરતો હોતો નથી. તે ભેટીને પણ સ્પર્શથી પણ વ્યક્ત થઈ શકે છે. તેનો અનુભવ લાગણીપૂર્વક ભેટવાથી પણ વ્યક્ત થઈ શકે છે. આવું ગાઢ આલિંગન સંબંધોને વધારે પ્રગાઢ બનાવવામાં મદદ કરે છે જેથી નિકટતાની લાગણી વધે છે.

અન્ય સમાચારો પણ છે...