ધુળેટી એક ઊર્જાવાન તહેવાર છે. સામાન્ય રીતે ગુલાલ અને અન્ય રંગોથી આ તહેવારની ઉજવણી ઘરની બહાર ખુલ્લી જગ્યામાં કરવામાં આવતી હોય છે પણ જો પૂરતી કાળજી અને દરકાર ન લેવામાં આવે તો ઘરમાં પણ અનેક જગ્યાએ રંગના ડાઘા લાગી જાય છે જેને સાફ કરવાનું બહુ મુશ્કેલ સાબિત થાય છે. આ રંગના ડાઘા જો ફર્નિચર અને ટાઇલ્સ પર લાગી જાય તો એને દૂર કરવામાં દિવસો લાગી જાય છે. જોકે કેટલીક કાળજી લેવામાં આવે તો ઘરને ધમાકેદાર ધુળેટી સેલિબ્રેશન માટે તૈયાર કરી શકાય છે. દીવાલ અને ફર્નિચર પર ખાસ વાર્નિશનો ઉપયોગ : હાર્ડવેર સ્ટોરમાં મળતા ખાસ પ્રકારના વાર્નિશની મદદથી દીવાલ અને ફર્નિચરને રંગથી બચાવી શકાય છે. દીવાલ પર અને ફર્નિચર પર આ વાર્નિશ લગાવવાથી થોડા સમય માટે એના પર રક્ષણાત્મક કવચ સર્જાઇ જાય છે જેના કારણે એના રંગના ડાઘ નથી લાગી શકતા. જો તમને એવી ખાતરી હોય કે તમારા મિત્રો તમારા ઘરે આવીને હોળી રમવા માટે તમને ખેંચી જવાના છે તો સાવચેતીના ભાગરૂપે દીવાલ અને ફર્નિચર પર આ વાર્નિશ લગાવી દેવાથી ઘરને સ્વચ્છ રાખી શકાશે. દરવાજાના નોબ પર તેલનો ઉપયોગ : ઘરમાં પ્રવેશતી વખતે કોઇ પણ વ્યક્તિ સૌથી પહેલાં દરવાજાના નોબના સંપર્કમાં આવે છે. જ્યારે તમે હોળીના રંગથી તરબોળ થઇને ઘરે પાછા આવો છો ત્યારે અજાણતામાં ઘરના નોબને રંગથી ખરાબ કરી નાખો છો. આવું ન થાય એટલે ધુળેટી વખતે ઘરના નોબ પર તેલ લગાવી દો. જો નોબ પર તેલ લગાવી દેશો તો એને સાફ કરવાનું કામ બહુ સરળ બની જશે. સોફા અને ટેબલને કવર કરો : ધુળેટીના દિવસે ઘરની ખુરશીઓ, સોફા અને ટેબલ પ્લાસ્ટિક રેપથી કવર કરી લો. આના કારણે ફર્નિચરને સરળતાથી રંગથી બચાવી શકાય છે. ફર્નિચરને કવર કરવા માટે કપડાંનો ઉપયોગ ન કરો કારણ કે એના પર રંગના ડાઘ પડી શકે છે અને પછી એ દૂર નથી કરી શકાતા. જો તમે ઇચ્છો તો ફર્નિચર પર છાપાં પાથરીને રંગથી બચાવવાનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. બાથરૂમને બચાવો : ધુળેટીનો આનંદ માણ્યા પછી રંગોને સાફ કરવા નાહવું પડે છે. જોકે આના કારણે બાથરૂમ બહુ ગંદા થાય છે અને એને સાફ કરવા બહુ મુશ્કેલ બની જાય છે. જો બાથરૂમમાં ખાસ પ્રકારની પેટ્રોલિયમ જેલીનું લેયર કરી દેવામાં આવે તો રંગ ટાઇલ્સ પર ચોંટી જતો નથી. જો ટાઇલ્સ કદાચ રંગવાળી થાય તો પણ એને સાફ કરવા માટે થિનરનો ઉપયોગ કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.