સંબંધનાં ફૂલ:શ્રેષ્ઠ જોઇતું હોય તો સર્વોત્તમ શરૂઆત કરો

રચના સમંદર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવા વર્ષની શરૂઆતમાં અનેક લોકો નવા નવા નિયમો લે છે અને જીવનને યોગ્ય દિશા આપવા એ જરૂરી પણ છે. આ નિયમો લેવાનો મૂળ હેતુ એ છે કે જીવનની ગાડીને નવી ઊર્જા સાથે ચલાવવા માટે જે જીવનનાં જે પાસાંમાં સુધારો કરવાની જરૂર છે એના પર પણ ધ્યાન આપવામાં આવે છે. નિયમ અથવા તો રિઝોલ્યૂશન શું કામ લેવામાં આવે છે? જીવનમાં સુધારો કરવા માટે જ ને...આનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો એ જીવનને વધારેને વધારે આગળની દિશામાં ગતિ કરવામાં મદદ કરે છે. સારી ટેવો એ સારા જીવન માટેનો રાજમાર્ગ તૈયાર કરે છે તો પછી એની પર અમલ કરવા માટે નવા વર્ષના નિયમ જેવી ઔપચારિકતાની શું જરૂર છે. જો આપણને આંતરિક રીતે એવો અહેસાસ થઇ જાય કે આપણી કેટલીક આદતોમાં બદલાવ કરવાની જરૂર છે તો નવા વર્ષની રાહ જોયા વગર એને સુધારવાની દિશામાં કામ શરૂ કરી દેવું જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ‘નાના નાના પરિવર્તન મોટું પરિણામ આપે છે’... પરિવર્તન વિશે આટલી મોટી વાત શું કામ કહેવામાં આવી છે એવા સવાલ પણ મનમાં ઊભા થતા હશે. આપણે બધાં જીવનનાં કોઇને કોઇ હિસ્સામાં આપણને માફક આવે એવા ખાસ કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું પસંદ કરીએ છીએ અને એ માટે આપણે ‘આવું તો ચાલ્યા કરે...’ને જીવનસુત્ર બનાવી લઇએ છીએ. આ સંજોગોમાં જો કોઇ પોતાની જાતમાં પરિવર્તન કરવાની કવાયત આપમેળે જ હાથ ધરે તો શાનદાર પરિણામ મળવાનું નિશ્ચિત છે. આપણે જાતને શું કામ બદલવી જોઇએ? કારણ કે જો આપણે નહીં ઇચ્છીએ તો પણ પરિવર્તન તો થતું જ રહેશે પણ તમામ પરિવર્તન આપણા માટે, આપણા હિતમાં નહીં હોય. આળસ અને બેદરકારીને કારણે આવતું પરિવર્તન આપણી ઇમેજ બગાડે છે અને આપણને પાછળ પાડી દે છે. આ પરિવર્તન આપણા પર કબજો જમાવી લે એ પહેલાં આપણો કમ્ફર્ટ ઝોન છોડી દેવામાં જ ભલાઇ છે. આને છોડીને એવાં જીવનનું નવસર્જન કરો જે જીવવાનું તમે સપનું જોયું છે. નવા વર્ષમાં જાત સાથે આ વાયદો કરવો જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...