હળવાશ:'નકરા રાતના વધેલા હાંડવા-ઢોકળાંમાંથી બહાર આવો અને નવું ટ્રાય કરો'

20 દિવસ પહેલાલેખક: જિગીષા ત્રિવેદી
  • કૉપી લિંક

આજ તો મને એટલો કંટાળો આયો ને કે મેં તો તમારા ભાઇને કહી જ દીધું કે ભેળ અને ચા જ છે હોં... જમ્બાનું ગણો કે નાસ્તો ગણો... તા... રે શું નઇ તો...! રોજ ઊઠીને એક જ વાત... હાંજે સુ બનાઇસુ?’ સવિતાકાકીએ ઊભરો કાઢ્યો... ‘અલા... ચા જોડે ભેળ?’ બિચારા હંસામાસીને પ્રશ્ન તો થાય ને? ‘તે? એમાં તમને વાંધો છે? અરે, ચા જોડે તો બધું ય જાય... નકરા રાતના વધેલા હાંડવા-ઢોકળા ને મેથીનાં થેપલાંમાંથી બહાર આવો... ને નવું પણ કંઇક ટ્રાય કરો... એકનું એક જ ખાધે રાખવાનું?’ સવિતાકાકીનો પારો ગરમીમાં સુડતાલીસ ડિગ્રી પહોંચ્યો... ‘ભેળનો તો આઇડિયા નથી, પણ પફ-પીજા-બર્ગર લોકો જોડે તો કોલ્ડ્રિન્ક જ સેટ થાય ને?’ કલાકાકીએ પોતાનું નોલેજ પ્રદર્શિત કર્યું... ‘એ જ તકલીફ છે મને... કે ગાંઠિયા-ચવાણાં ચ્હા જોડે? અને આ હાઇ-ફાઈ બધંુ કોલ્ડ્રિન્ક જોડે. જો કે વાત ય હાચી જ છે ને... નુકસાન કરે એ બધી વસ્તુઓ જોડે નુકસાનીવાળી જ વસ્તુ સેટ થાય...પણ તો ય... ખરાબ તો લાગે જ ને યાર... કે આપડી ભેળની કોઈ વેલ્યૂ જ નઇ...’ ‘હાચું હાચંુ... કપરા સમયમાં ભેળ જ કામ આવે છે.’ હંસામાસીના મતે ‘કપરો સમય’ એટલે કદાચ જ્યારે કમેળનો નાસ્તો વધ્યો હોય ત્યારે કરવામાં આવતી વ્યવસ્થા એવું જ હોવું જોઈએ... ‘તો એક કામ કરીએ, એમાં ગુજરાતી ચટણીઓ આવે, ને પેલા બધામાં ય ઇંગ્લિસ ચટણીઓ આવે... તો એને બી કોલ્ડ્રિન્ક જોડે સેટ કરવી છે? એ બહાને એ ઇંગ્લિસ વાનગી ગણાઈ જસે... અને હાઇ-ફાઈ લોકો બી હોંસે હોંસે ખાસે.’ લીનાબહેનએ આઇડિયા આપ્યો... પણ એ સવિતાકાકીને સ્વીકાર્ય જ નહોતો, ‘ના હોં... ભેળમાં ચટણીઓ તો ગણીને તૈણ જ આવે છે... બાકી બધું સેવો ને બટેકા ને ડુંગળી-ટામેટાં તો આપડું જ છે... અને દહીં ય આપડું... તો બહુમતી મુજબ અને કાયદેસર રીતે પણ ભેળ સાથે ચા ને જ સેટ કરવી જોઈએ... અને આમેય પેલી બધી તો પોતે એક અલગ વાનગીઓ છે, જ્યારે ભેળ તો ભેળ-સેળનું શોર્ટ કરેલંુ નામ છે... અને આવા સાંસોધનો કરવા એ આપડા ગુજરાતીઓ સિવાય કોઇની તાકાત જ નઇ... એટલે ચા જ સેટ થાય બસ.’ ‘હું તો પ્રસનલી એવું માનું છું કે ભેળ જોડે કોલ્ડ્રિન્ક જ બેશ્ટ છે.’ લીનાબહેન હજી પોતાની વાત પર મક્કમ હતા. ‘ના ના ના ના... સ્વદેસી અપનાવો... ટેવ પાડો... પીવો, તો ખબર પડે ને, કે સુ ટેસ્ટ આવે છે...! બધી વાતે અંગ્રેજોના વાદ જ ના કરવાના હોય... અને જો, જે કોમ્યુટેસન બનાયું લોકોએ, એ જ પરફેક હોય એવું ના હોય... તમારે નવા નવા ટેસ્ટો ડેવલોપ કરવાના હોય... જેમ કે ખાઓ તો ખબર પડે કે સિખન્ડમાં ભાત ચોળીને ખાવાથી કેટલો સરસ ટેસ્ટ આવે છે.’ સવિતાકાકીએ રીતસરનો આઘાત આપ્યો, એટલે મારાથી વ્યક્ત થઈ ગયો, ‘હાય હાય.’ ‘સુ હાય હાય...? ખાધા છે કોઈ દિવસ... જો તમે ખીર ખાવ છો, તો આ બાબતે વાંધો પાડવાનો તમને કોઈ હક નથી... સિદ્ધાંત તો આમાં બી એ નો એ જ છે... દૂધ જોડે ભાત ખવાય તો દૂધની બનાવટો જોડે કેમ ના ખવાય? આમ તો ખીરનું જ ઘન સ્વરૂપ છે... પણ આપડે તો નવું કસુ વિચારવાનું જ નઇ... ને પેઢીઓથી જેમ ચાલતું આવતું હોય એમ જ કર્યા કરવાનું... આવા ને આવા જુનવાણી ક્યાં સુધી રહેસો? અમુક લોજિક લગાઈને બે વસ્તુ ભેગી કરીને ખાવ, તો જીવનમાં નવા ટેસ્ટો ઊભા થાય.’ સવિતાકાકી આજે જરાય નમતું જોખવાના મૂડમાં નહોતાં. એમાં વળી પેલી સ્વીટી નીકળી એનું ટમટમિયું લઈને, ‘આંટી... યુ આર રાઇટ... મેં ભેડ જોડે ચા પીધી છે... મસ્ત લાગે છે. તમારી વાત સાચી છે. મને તો આ કોમ્બિનેશન બહુ ટેસ્ટી લાગ્યું હોં...’ ‘અલી ગોંડી... ભેડ નઇ... ભેળ કે’વાય... ભે...ળ’ કલાકાકીએ સુધાર્યું. પણ સ્વીટી કંઇ બહુ ધ્યાન ના આપ્યું, ‘ચાલે હવે... તમે સમજી ગયા ને... એટલે બસ...!’ ‘આ ગુજરેજી ભાસામાં મેસેજો લખવામાં ‘લ’ ને બદલે ‘ળ’ હમજાવવા ‘ડ’ લખવા માંડ્યા... તે હવે તો બોલવામાં ય સેટ કરી નાખ્યું... તમે જોજો... ‘ળ’ નું સ્થાન ‘ડ’ ક્યારે લઈ લેશે ખબર ય નઇ પડે... પચાસ વરહ પછી ‘ળ’ લુપ્ત થઈ જસે મને તો લાગે છે. પછી બધાં ભેળને ભેડ જ કહેવા લાગશે.’ કંકુકાકીએ ચિંતાગ્રસ્ત થઈને આવું કહ્યું... અને મને બીક લાગી, કે આ લોકો ક્યાંક ભાષા ઉપર ચર્ચાએ ના ચડી જાય...! મેં એ બીકમાં ને બીકમાં જ એમને લીંબુનું શરબત પીવડાવીને વહેતા કર્યા. અઘરા શબ્દો – કોમ્યુટેસન = કોમ્બિનેશન, ગુજરેજી = ગુજરાતી વત્તા અંગ્રેજી (હવે આને તો ‘શબ્દસમૂહ માટે એક શબ્દ પણ ન કહેવાય.હશે, તમે સમજી ગયા એટલે બસ.)

અન્ય સમાચારો પણ છે...