તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમનોલોજી:જનની અને જનનાંગની સમસ્યા ગુપ્ત ના રખાય

મેઘા જોશી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડોક્ટર અને વકીલને બધું જ કહેવાય અને બધું જ સાચું કહી દેવાય જેથી સમયસર સાચી મદદ મળે. આવું કંઇક આપણે નાનપણથી સાંભળીએ છીએ પણ કદાચ ભારતની સાઠ ટકાથી વધુ સ્ત્રીઓએ આ સીધી વાતને એમની ઈચ્છા અને સપનાંની જેમ જ ગણકારી નહિ હોય. સ્ત્રીરોગનાં તબીબ એટલે કે ગાયનેકોલોજિસ્ટ પાસે જવામાં હજી પણ ગોપનીય કે શરમજનક વાત હોય એવું વર્તન જોવા મળે છે. મૂત્રમાર્ગ કે યોનિ પ્રદેશ જો ખરેખર ગંદો અને શરમજનક જ હોત તો એ માર્ગેથી નવજાત શિશુનું આગમન કઈ રીતે થતું હોત? વેલ, સમસ્યા એ છે કે સ્ત્રીરોગને જ ઘૃણા, દયા, ગ્લાનિ, પાપ, શરમ જેવા રોગિષ્ટ અભિગમ સાથે જોવામાં આવે તો સારવારમાં વિલંબ થાય કે રોગ વધુ ગંભીર થઇ જાય એમાં કોઈ નવાઈ નથી. આપણી માનસિકતા હજી પણ એવી છે કે સ્ત્રી ગર્ભવતી થાય અથવા માસિક અટકે એવી કોઈ દેખીતી પરિસ્થિતિ આવે ત્યારે જ સ્ત્રીરોગ નિષ્ણાતનો સંપર્ક થાય છે અને એમાં પણ સ્ત્રીઓ ફિઝિકલ ચેકઅપ માટે ખચકાય છે અથવા ડરે છે. શરીરનાં દરેક અંગ એકસરખાં મહત્ત્વનાં છે અને આમ છતાં જનનાંગને ત્રાંસી અથવા નીચી નજરે જોવામાં આવે છે. કોઈ પણ પ્રાણીનાં માદા શરીરમાં જનનાંગ એ ગર્ભાધાન અને પ્રજોત્પતિ માટે જવાબદાર અંગો છે. આ અંગનો ઉપયોગ અથવા તેમાં તેની પ્રક્રિયા માત્ર બાળજન્મ પૂરતી મર્યાદિત નથી. જે રીતે ઉત્સર્જન તંત્ર એનું કામ નિરંતર કરે છે એ જ રીતે પ્રજનન તંત્રમાં પણ સતત પ્રક્રિયા ચાલે છે. માણસ સિવાયનાં બધાં જ સસ્તન પ્રાણીમાં એ કુદરતના ક્રમ મુજબ સાફ થાય, જન્મ થાય, માંદગી પણ આવે અને મરણ પણ થાય...જેની આપણે ભાગ્યે જ નોંધ લઈએ છીએ. મગજ અને વિચારોથી સજ્જ વિકાસ કરતી આખી માનવજાતિમાં તબીબી વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને અનુભવનાં જ્ઞાને મોટી ક્રાંતિ આણી. શરીરની નાની નાની ફરિયાદોને પણ જો સમયસર ઓળખીને તેનો ઈલાજ થાય તો તે જીવન બચાવી શકે છે. શરીરનાં અતિ મહત્ત્વનાં અંગને ગુપ્ત અંગ કહ્યાં એટલે એની ફરિયાદને પણ ગુપ્ત રાખવી કે સહન કર્યે રાખવી જરૂરી નથી. દીકરીના વિવાહ થાય, ગર્ભાધાન થાય અને એનાં પણ અમુક મહિના પસાર થાય પછી જ સ્ત્રીરોગનાં ડોક્ટર પાસે જવું એ આખી માનસિકતાને બદલવાની જરૂર છે. યોનિમાર્ગનાં ઇન્ફેક્શન, નિયમિત માસિક સ્ત્રાવ સિવાયનો સફેદ ચીકણો સ્ત્રાવ, અતિશય બળતરા, વાસ આવવી, અકળામણ થવી અને તે સાથે બીજા સામાન્ય કામમાં પણ એની અસર દેખાતી હોય તો રાહ જોયા વગર ગાયનેકોલોજિસ્ટ પાસે જવું જરૂરી છે. મૂત્રમાર્ગમાં ઇન્ફેક્શન, માસિક પહેલાં અને માસિક સમયે દુખાવો કે માસિકના રક્તસ્રાવમાં અતિરેક જેવી ઘણી સ્થિતિને એક પણ દિવસ સહન કર્યા વગર તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે. કિશોરાવસ્થા દરમિયાન અને મેનોપોઝમાં હોર્મોનના સ્ત્રાવમાં અસંતુલન કે સમસ્યાને કારણે અન્ય સિસ્ટમમાં પણ સમસ્યા ઊભી થાય છે. આ દરેક લક્ષણો વધે ત્યારે કેન્સર અને અન્ય લાંબી માંદગીમાં તબદીલ થાય છે. જાતીય સંબંધ વખતથી અસહ્ય પીડા કે ગુપ્ત અંગમાં સોજો હજી આજે પણ સ્ત્રીની શરમ કે સેક્સ માટેની સૂગ તરીકે જોવામાં આવે છે. શારીરિક સંબંધમાં સતત રહેતો અસંતોષ કે પેઢુમાં થતી પીડા જેવી સમસ્યા મનમાંથી બહાર કાઢીને ડોક્ટરના દરવાજે લઇ જવાની જરૂર છે. meganajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...