લેટ્સ ટોક:ગરબે ઘૂમે નાર, સજીને સોળ શણગાર...

14 દિવસ પહેલાલેખક: મુક્તિ મહેતા
  • કૉપી લિંક

નવરાત્રિ એટલે ઉત્સાહ અને ઉમંગનો તહેવાર. આ તહેવારના દરેક દિવસની ઉજવણી વખતે પહેરવા માટે ખાસ રંગ નક્કી કરવામાં આવતો હોય છે. મહિલાઓ અને યુવતીઓ ઉત્સાહપૂર્વક દરેક દિવસને અનુરૂપ રંગના વસ્ત્રો પહેરીને તૈયાર થાય છે અને ગરબા કરે છે. 26 સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રિ માટે નક્કી કરાયેલા રંગો અને તેનું મહાત્મ્ય નીચે પ્રમાણે છે. પહેલો દિવસ - વાઇટ વાઇટ એટલે કે સફેદ રંગ એટલે કે પ્રેમનો રંગ. આ રંગ શુદ્ધતા અને નિર્દોષતાનો સૂચક છે. 26 સપ્ટેમ્બરના દિવસે આવતા પહેલા નોરતે આ રંગ પહેરવાથી માતાજીના આશીર્વાદ મળશે તેમજ આંતરિક રીતે શાંતિ અને સલામતીની લાગણીનો અહેસાસ થશે. આ દિવસે ઘરને સજાવવા માટે જાસ્મિન અથવા સફેદ કમળ જેવા ફૂલોનો ઉપયોગ કરી શકો છો. સફેદ વસ્ત્રો પહેરો અને મિત્રો તેમજ પરિવારની પણ મુલાકાત લો. બીજો દિવસ - રેડ રેડ એટલે કે લાલ રંગ. લાલ રંગ ઉત્કટતા અને પ્રેમનું પ્રતીક છે અને આ કારણે માતાજીને ચડાવવામાં આવતી ચુંદડી મોટાભાગે લાલ રંગની જ હોય છે. 27 સપ્ટેમ્બરે આવતા બીજા નોરતે આ રંગ પહેરવાથી આનંદની લાગણીનો તીવ્ર અહેસાસ થશે. આ તેજસ્વી લાલ ફૂલોથી ઘરને સજાવવાથી શરૂ કરીને લાલ રંગના ફળોને પ્રસાદ તરીકે ચઢાવવા સુધીના પ્રયાસો કરી શકો છે. નવરાત્રિના 9 રંગોમાં લાલ રંગ સૌથી ઉગ્ર છે. ત્રીજો દિવસ - રોયલ બ્લુ બુધવારે રોયલ બ્લુ રંગનો ડ્રેસ પહેરીને નવરાત્રિની ઉજવણીમાં ભાગ લેવાથી ચિત્તમાં આનંદનો અનુભવ થશે. બ્લુ રંગનો આ શેડ રિચનેસ અને આધ્યાત્મિક શાંતિનો અહેસાસ કરાવે છે. નવરાત્રિ દરમિયાન આ રંગના રંગના વસ્ત્રો પહેરવાથી સ્વાસ્થ્ય, સંપત્તિ અને શક્તિમાં સુધારો થાય છે તેવું માનવામાં આવે છે. ચોથો દિવસ - યલો યલો રંગ એટલે પીળો રંગ. નવરાત્રિના ચોથા દિવસે આ રંગ પહેરવાથી હકારાત્મકતા અને આનંદનો અહેસાસ થાય છે. આ કલર પહેરવાથી આખો દિવસ ઉત્સાહનો અહેસાસ થશે. નવરાત્રિના સૌથી શુદ્ધ રંગોમાંના એક પીળા રંગમાં નવરાત્રિની ઉજવણી કરવી જોઇએ. પાંચમો દિવસ - ગ્રીન ગ્રીન રંગ એટલે કે લીલો રંગ. આ રંગ પ્રકૃતિનો રંગ છે. લીલો રંગ વિકાસ, ફળદ્રુપતા અને શાંતિનું પ્રતીક છે. પાંચમા દિવસે એટલે કે શુક્રવારે આ રંગના વસ્ત્રો પહેરવાથી જીવનની નવી શરૂઆત થયાનો અહેસાસ થશે. છઠ્ઠો દિવસ - ગ્રે . ગ્રે શાંત અને ભવ્ય રંગ છે. આ દિવસે તમે ગ્રે રંગના વસ્ત્રો પહેરીને તમારા જીવનમાંથી બધું નકારાત્મક દૂર કરવા માટે દેવીને પ્રાર્થના કરી શકો છો. આ રંગ લાગણીઓને સંતુલિત કરવામાં અને વ્યક્તિને મૂળ સાથે જોડાયેલી રાખવામાં મદદરૂપ થાય છે. આ રંગના અનેક શેડ છે જે વ્યક્તિને માનસિક શાંતિ આપી શકે છે. સાતમો દિવસ - ઓરેન્જ ઓરેન્જ એટલે કે નારંગી રંગ સકારાત્મક ઊર્જાથી ભરપૂર છે અને એ વ્યક્તિને ચેતનવંતી રાખે છે. રવિવારે એટલે કે સાતમા નોરતે નારંગી રંગના વસ્ત્રોથી પહેરવાથી ઉષ્મા અને ઉત્સાહની લાગણીનો અહેસાસ થાય છે. આ એક વાઇબ્રેન્ટ અને સુંદર રંગ છે. આ દિવસે તમે તમારા ઘરને અને પૂજા રૂમને નારંગી ફૂલોથી શણગારીને અને તમારા કપડાંમાંથી કંઈક તેજસ્વી અને નારંગી પહેરીને ઉજવણી કરી શકો છો. આઠમો દિવસ - પીકોક ગ્રીન પીકોક ગ્રીન બધા કરતા અલગ રંગ છે. આ રંગમાં બ્લુ અને ગ્રીન રંગના શેડનુ મિશ્રણ થતું હોય છે અને નવરાત્રિના આઠમા દિવસે આ રંગના વસ્ત્રો પહેરીને તમે હજારોના ટોળામાં પણ અલગ તરી આવશો. આ રંગ તાજગી અને આનંદનો અહેસાસ કરે છે. આ રંગ પહેરનારા લોકોને આધ્યાત્મિક શક્તિઓ આશીર્વાદ આપે છે. નવમો દિવસ - પિંક આ વર્ષે નવરાત્રિના નવમા દિવસે પિંક એટલે કે ગુલાબી રંગ પહેરવાનું મહાત્મ્ય છે. આ રંગ સાર્વત્રિક પ્રેમ, આકર્ષણ અને એકતાનું પ્રતીક છે. આ એક એવો રંગ છે જે પહેરવાથી વ્યક્તિના વ્યક્તિત્વને અનોખી આભા મળે છે. ગુલાબી રંગ શાંતિ અને બુદ્ધિનો રંગ પણ છે. તેથી, આ દિવસે ગુલાબી નવરાત્રિ રંગમાં તમારા શ્રેષ્ઠ વસ્ત્રો પહેરો.

અન્ય સમાચારો પણ છે...