વુમનોલોજી:સંઘર્ષથી સન્માન સુધી શાબાશ મીઠૂ

19 દિવસ પહેલાલેખક: મેઘા જોશી
  • કૉપી લિંક

એક ટેબલ ફરતે લગભગ આઠેક વ્યક્તિ બેઠી છે. પ્રસંગ છે વર-કન્યા શોધવાનો ઉપક્રમ. ભણતર, ઘર અને અન્ય સામાજિક બાબતોની વાત દરમિયાન યુવકની મમ્મી ખુબ ઠાવકાઇ સાથે કહે છે કે અમારા ઘરમાં બહાર જાય ત્યારે વેસ્ટર્ન કપડાં પહેરવાની, ક્યારેક બહાર ખાવાની, વર્ષે એકવાર દૂર ફરવા જવાનું એલાઉડ છે. અમે ખૂબ આધુનિક વિચારધારાવાળા છીએ, પુત્રવધૂને ઘણી બધી બાબતમાં પરવાનગી આપીએ છીએ. કાશ આ દૃશ્ય અને પુત્રવધૂ માટે પરવાનગી નક્કી કરતી પરંપરા માત્ર ‘શાબાશ મીઠૂ’ ફિલ્મ પૂરતી મર્યાદિત હોત. સપનાં જોતી પ્રત્યેક યુવતીને સ્પર્શ કરી જાય એવા અનેક દૃશ્યોનું સંપુટ એટલે ‘શાબાશ મીઠૂ’. હાલમાં સિનેમાના પડદે એક નાના ગામમાંથી ઊગેલી અને વૈશ્વિક સ્તરે સન્માન સાથે વિસ્તરેલી એવી યુવતી મિતાલી રાજની બાયોપિક આવી. આ મુવીમાં મહિલા ક્રિકેટ ટીમ સમગ્ર ભારતીય સમાજમાં મહિલાનું પ્રતિનિધિત્વ કરતી હોય એવું લાગે. આ લેખ લખાય છે ત્યારે ‘શાબાશ મીઠૂ’ ફિલ્મની બોક્સ ઓફિસની સફળતાની ચર્ચા નથી. સિનેમામાં ડિરેક્શન, ડાયલોગ, અભિનય અને સંગીતની ચર્ચા થઇ શકે પરંતુ અહીં એથી વધુ મહત્ત્વનો મુદ્દો છે સ્ત્રી અને તેનાં સપનાં વચ્ચે આવતા અઢળક સંઘર્ષો. પોતાનાં સપનાં પૂરા કરવા માટે સરેરાશ દરેક વ્યક્તિને નાના-મોટા સંઘર્ષ કરવા પડે છે. સ્ત્રી જયારે કારકિર્દી માટે પ્રમાણમાં કઠિન હોય તેવું લક્ષ્ય નક્કી કરે છે ત્યારે તેના સ્વીકારમાં પણ તકલીફ થાય છે. ‘પુરુષોની રમત’થી વ્યાખ્યાયિત થયેલા તથા બંધાઈ ગયેલ કોઈ પણ ક્ષેત્રમાં જયારે કોઈ સ્ત્રી પગલાં ભરે છે ત્યારે માત્ર બાહ્ય સમાજ નહીં, આંતરિક માનસિકતા પણ તરત સાથ નથી આપતી. વર્ષોથી સલામતી માટે કન્ડિશન થઇ ગયેલા મગજમાં પહેલાં આત્મવિશ્વાસ અને હિંમત ભેગા કરવા પડે છે એ પછી જ બહારની દુનિયા સાથે ફાઇટ કરી શકાય. મિથાલી એ દસ વર્ષની નાની ઉંમરે મોટાભાઈ મિથુન રાજ સાથે ક્રિકેટની તાલીમ લેવાની શરૂઆત કરી. હૈદરાબાદમાં મોટી થયેલી અને બેન્ક અધિકારીની દીકરીને ક્રિકેટર બનવા માટે ખાસ સામાજિક સમસ્યાનો સામનો નહોતો કરવો પડ્યો. પુરુષ ક્રિકેટ ટીમ અને મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ભેદભાવવાળું વર્તન અને મહિલા માટેની ઓછી તકથી વ્યથિત થયેલ મિથલી રાજે ભારતમાં ‘મહિલા ક્રિકેટ ટીમ’ને એક સન્માનીય સ્થાન અપાવ્યું. ઢીંગલી સાથે રમતી, નેલ પોલિશના રંગો બદલતી, અરીસા સામે ઊભી રહીને સુંદરતમ લાગવાના પ્રયત્ન કરતી છોકરી સમાજને સાહજિક લાગે છે પરંતુ ધુળિયા રસ્તે ક્રિકેટ રમતી, છાપરાં કૂદતી કે કુસ્તી કરતી છોકરી હજી સમાજને અજુગતી લાગે છે. આપણે છોકરીના યોગ્ય જીવનસાથી, એની માટેના બેન્ક બેલેન્સ અને એની સલામતી માટે જેટલી એનર્જી આપીએ છીએ એટલી જ એનર્જી તેની ક્ષમતા અનુસાર સપનાં પૂરા કરવા માટે નથી આપતા.રમત ગમત ક્ષેત્રને માત્ર શોખ નહીં પરંતુ જીવન બનાવવા માગતી છોકરીઓ માટે તેના શારીરિક બાંધાની ચિંતા, તેના પહેરવેશ અને સ્વભાવના બદલાવની ચિંતા અને સમયસર સેટલ થવાની ચિંતા વધુ રખાય છે નહીં કે તેની ગેમ અને તાલીમની ચિંતા. જિલ્લા કક્ષાએ રમાતા ખેલ મહાકુંભથી માંડીને ઓલમ્પિક ગેમ સુધી કન્યાની સંખ્યા વધી છે.1976માં પ્રથમવાર મહિલા ટીમ દ્વારા મેચ રમાઈ પણ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમાતી મહિલા ક્રિકેટ મેચ હજી કેમ અજાણી લાગે છે? બાયોપિકને કારણે મિતાલીનું નામ હવે હોઠે ચડશે પરંતુ આપણી જ આસપાસ રમતી સોનુ,મીનુ કે ટીનુને તેની રમત,મહેનત બદલ શાબાશ કહીશું ખરા? meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...