લે, એ એકલી છે? કુંવારી રહી ગઈ છે? છૂટાછેડા કે પછી પતિને કંઈ થઇ ગયું? સમાજમાં એકલી સ્ત્રી હંમેશાં પ્રશ્નાર્થ અને અટકળનો મુદ્દો રહી છે, સિંગલ સ્ત્રી શબ્દ જ જાણે અસ્વીકૃત હોય એમ ક્યારેક અચરજ થાય છે અને ક્યારેક અપમાન પણ અનુભવાય છે. ક્યારેક કોઈ અધૂરી કહે છે તો ક્યારેક કોઈ એને ‘રહી ગયેલી’ જાહેર કરે છે. સમાજની અપેક્ષા મુજબ જયારે-જયારે કોઈ યુવતીની વિવાહ માટેની વય સરકતી જાય છે ત્યારે તેનો સાહજિક સ્વીકાર નથી થતો. સંજોગોને કારણે કોઈ સ્ત્રી એકલી હોય તો એની આસપાસના લોકોને કારણ જાણવામાં વધુ રસ હોય છે, પરંતુ જયારે સિંગલ રહેવું કોઈ સ્ત્રીનો સ્વતંત્ર નિર્ણય હોય ત્યારે એ સમાજની પાચનશક્તિની બહાર જાય છે. ભારતની મહિલાની કુલ વસ્તીમાં એકવીસ ટકા ‘સિંગલ’ છે. આ એકલી સ્ત્રીઓમાં વિવાહ બાકી હોય, છૂટાછેડા લીધા હોય કે પતિનું અવસાન થયું હોય જેવા ત્રણ જ મુખ્ય ભાગ પાડવામાં આવેલા હતા. એક દસકામાં સિંગલ સ્ત્રીની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને એના કારણમાં સ્ત્રીનો પોતાનો નિર્ણય જવાબદાર છે. નાનપણમાં જોયેલ ઘરેલુ હિંસા, વિવાહ બાદ સ્ત્રીના જીવનમાં આવતા સંઘર્ષ, કેટલાક સામાજિક ભય અને સંઘર્ષને કારણે છોકરીના મનમાં લગ્નસંબંધ માટે એક કંકાસયુક્ત ચિત્ર સર્જાય છે. વૈવાહિક સંબંધને વ્યવસાયિક સફળતા માટે અડચણરૂપ માનતી અથવા સંબંધોનીઆંટીઘૂંટીથી દૂર ભાગતી છોકરી આખું જીવન એકલા રહેવું પસંદ કરે તે એનો નિર્ણય છે. માની લો કે કોઈ પણ ભય કે નક્કર કહી શકાય તેવા કારણ ના હોવા છતાં કોઈ યુવતી કે સ્ત્રી સિંગલ રહેવું નક્કી કરે તો એના ચારિત્રથી માંડીને શારીરિક નબળાઈ સુધીની ચર્ચા થાય છે. સિંગલ સ્ત્રીને મૂલ્યો અને સંસ્કારની બાબતમાં પણ ઉતરતી ગણવામાં આવે છે. આજે એકવીસમી સદીના ભારતમાં પણ મેટ્રોથી માંડીને નાના ટાઉનમાં એકલી રહેતી સ્ત્રીને ઘર ભાડે આપવામાં પણ સંકોચ થાય છે અને એકલી સ્ત્રીને પુરુષો માટે ‘અવેલેબલ’ માનતા સ્ત્રી-પુરુષની સંખ્યા પણ ઓછી નથી. માત્ર પરિવાર કે જે તે સમુદાયમાં જ નહીં, સિંગલ સ્ત્રીની કેટેગરીનો ઘણા વિભાગમાં તો સમાવેશ પણ નથી થતો. સરકારી અને સામાજિક સંસ્થાઓની કેટલીક પોલિસીમાં એકલી સ્ત્રીની અલાયદી ઓળખનું સન્માન પણ નથી, ગુજરાતમાં વર્ષ 2018 પહેલાં તો પેન્શન યોજના અંતર્ગત પતિના અવસાન બાદ તેની પત્નીના અધિકાર ક્ષેત્રમાં આવતા પેન્શનને જો દીકરો કમાતો થાય તો રોકી દેવામાં આવતું. જીવનસાથી અને સાસરિયાના ત્રાસને સહન કરીને માંદલું લગ્નજીવન વેંઢારતી સ્ત્રીઓ છૂટાછેડા લેતા કેમ ડરે છે? એનો જવાબ પણ સિંગલ સ્ત્રી માટેની સમાજની માનસિકતામાં જ છે. સ્વેચ્છાએ ‘સિંગલ’ સ્ટેટસ ભોગવતી યુવતીઓ માટે ‘આજે છોકરીઓ બોલ્ડ અને ઉદ્ધત થઇ ગઈ છે કે પછી સ્વતંત્રતા જાળવી રાખવા લગ્ન સંબંધ, બાળ ઉછેર કે અન્ય પળોજણમાં પડવા નથી માગતી’ જેવા દૃષ્ટિકોણ પ્રચલિત છે. જેટલી સહેલાઈથી આપણે આવા વિધાન આપીએ છીએ એથી વધુ ગંભીરતા સાથે તેના મૂળમાં જવું જરૂરી છે. સામાજિક વ્યવસ્થાપન અને પિતૃસત્તાક માનસિકતામાં લાંબા સમય સુધી સ્ત્રી-પુરુષ વચ્ચે જે અસંતુલન રહ્યું એણે સમાનતા અને સન્માન સ્થાપિત કરવાને બદલે અન્ય અસંતુલનને જ જન્મ આપ્યો. વેલ, મુદ્દો અહીં એકલા રહેવાનો કે તેને જ ઉત્તમ સાબિત કરવાનો નથી,પરંતુ સમાજના દૃષ્ટિકોણનો છે. સમાજ માટે સિંગલ સ્ત્રી એટલે શું? સિંગલ સ્ત્રી ‘અવેલેબલ’માંથી ‘લીગલ’ એટલેકે કાયદાકીય રીતે સન્માન સાથે એકલી રહે તે ભારતીય સમાજની બદલાતી તાસીર અને તસવીર છે. meghanajoshi74@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.