બ્યૂટી:પીઠ પર વારંવાર ખીલ થાય છે અને ડાઘ પડી ગયા છે...

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મને આઇબ્રોમાં બહુ ખંજવાળ આવે છે અને એના વાળ ખેંચવાનું મન થાય છે. મારી આ સમસ્યા દૂર કરવાનો કોઇ ઉપાય છે ખરો? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : આઈબ્રોનું ચહેરાની સુંદરતામાં ખાસ મહત્ત્વ છે. જો તમને આઇબ્રોમાં ખંજવાળ આવતી હોય તો એના માટે શુષ્ક ત્વચા અથવા તો ડેન્ડ્રફની સમસ્યા જવાબદાર હોઇ શકે છે. તમે આઇબ્રો પર એલોવેરા જેલ લગાવી શકો છો. તેને 15 મિનિટ સુધી આઈબ્રો પર રહેવા દો. પછી તેને પાણીથી ધોઈ લો. આ જેલ આઈબ્રોમાંથી વાળ ખરતા અટકાવીને ડેન્ડ્રફને રોકવામાં મદદ કરશે. જો તમારી ત્વચા શુષ્ક છે તો તમારી આઈબ્રોમાં ડેન્ડ્રફ થઈ શકે છે. તમે બદામનાં તેલથી આઈબ્રોની માલિશ કરી શકો છો. આ માલિશ ખોડો દૂર કરવામાં મદદ કરે છે. આ માલિશ શક્ય હોય ત્યાં સુધી રાત્રે જ કરવી જોઇએ. એ કર્યા પછી બીજે દિવસે સવારે તમારી આંખો ધોવાનું ભૂલશો નહીં, કારણ કે તેનાથી તમારી આઇબ્રોનાં છિદ્રો બંધ થઈ શકે છે. પ્રશ્ન : હું 25 વર્ષની યુવતી છું. મારી સમસ્યા છે કે મારો નાક અને દાઢીનો આસપાસનો ભાગ દિવસેને દિવસે કાળો પડી રહ્યો છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઇએ? એક યુવતી (સુરત) ઉત્તર : આવી સમસ્યા ઘણી યુવતીઓેને થતી હોય છે. આના કારણે ચહેરો ખરાબ ન લાગે એ માટે યુવતીઓ મેકઅપની મદદ લેતી હોય છે. જોકે એના કારણે ચહેરાની સુંદરતા ઘટી તો જાય જ છે. જોકે કેટલાક ઘરગથ્થુ ઉપાયો છે જેની મદદથી આ સમસ્યા દૂર કરી શકાય છે. જો મોં અને નાકની આસપાસની ત્વચા યોગ્ય રીતે મોઇશ્ચરાઇઝ ન થતી હોય તો આ સમસ્યા થાય છે. એલોવેરા જેલ ત્વચાને ભેજ પ્રદાન કરે છે એટલે એનો ઓવરનાઇટ ક્રીમ તરીકે ઉપયોગ કરી શકાય છે. જો તમે ચહેરાનો રંગ એક સમાન કરવા ઇચ્છતા હો તો ચણાના લોટ અને દૂધની પેસ્ટ ચહેરા પર લગાવો અને સૂકાઇ જાય એટલે સાફ કરી લો. વિટામિન-ઈ ઓઇલથી ચહેરાની ત્વચા પર મસાજ કરવાથી ત્વચા સ્વસ્થ બને છે અને એના પર ચમક આવે છે. જો નિયમિત રીતે આ ઉપાય કરશો તો ચોક્કસ ફાયદો થશે.

પ્રશ્ન : મારી સમસ્યા એ છે કે મારી પીઠ પર વારંવાર ખીલ થઇ જાય છે. મને ચહેરા પર ખીલની સમસ્યા નથી સતાવતી પણ પીઠ પર ખીલના કારણે ડાઘા પડી જાય છે. પીઠ પર ખીલ થવાની સમસ્યા દૂર કરવા માટે શું કરવું જોઇએ? એક યુવતી (રાજકોટ) ઉત્તર : તૈલી ત્વચા પર ખીલની વધારે સમસ્યા થાય છે. જો તમારી પીઠની ત્વચા સારી રીતે સાફ ન થતી હોય અથવા તો ત્વચાની તૈલગ્રંથિ વધારે સક્રિય હોય તો પીઠ પર ખીલ થવાની સમસ્યા સતાવે છે. જોકે કેટલાક ઘરગથ્થુ ઉપાયોથી આ સમસ્યાને હળવી કરી શકાય છે. ટામેટાંનો પલ્પ પીઠના ખીલ અને ડાઘા માટે એક ઉત્તમ ઉપાય છે. આ પલ્પને પીઠ પર લગાવો અને 30 મિનિટ પછી ધોઈ લો. મુલતાની માટી પણ ત્વચામાંથી વધારાના તેલને શોષી લેવામાં મદદ કરે છે અને પીઠના ખીલનો ઉપાય કરે છે. થોડી મુલતાની માટીમાં ચંદન પાઉડર અને ગુલાબ જળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટથી પીઠના ખીલથી રાહત મેળવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...