તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવર સ્ટોરી:સ્વતંત્રતા સમાનતાથી આવે છે, છૂટ આપવાથી નહીં!

એષા દાદાવાળા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે થોડા સવાલો પૂછવા છે. સ્વતંત્રતા એટલે શું? જે પરતંત્ર નથી એને સ્વતંત્ર કહેવાય? સ્ત્રીની સ્વતંત્રતા પુરુષની સ્વતંત્રતાથી કઇ રીતે જુદી પડે? પુરુષની સ્વતંત્રતા-સ્ત્રીની સ્વતંત્રતાથી વધારે કે ઓછી? સ્ત્રી માટે સ્વતંત્રતાનો અર્થ શું હોય શકે? બાળકો પિકનિક પર ગયાં હોય ત્યારે સ્ત્રી પોતાને સ્વતંત્ર મહેસૂસ કરે છે. એ એવું માને છે કે બાળકો ન હોય ત્યારે જ એને પોતાને માટે સમય મળતો હોય છે. સાસુ ચારધામની યાત્રાએ ગયા હોય ત્યારે કેટલીક સ્ત્રીઓને સ્વતંત્રતા અનુભવાતી હોય છે. સાસુની ગેરહાજરીમાં પૂરા ઘર પર પોતાનું રાજ આવી જાય એવું એ માને છે. આવી સ્ત્રીઓ માને છે કે નિર્ણયો લેવાથી સ્વતંત્રતા આવી જતી હોય છે. કેટલીક સ્ત્રીઓ ‘રવિવાર’ને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે. રજાના દિવસે ‘રસોડું બંધ’નું એલાન કરતી સ્ત્રીઓ આ આઝાદી પતિનાં મૂડની ગુલામ છે એવું જાણતી હોવા છતાં આંખ આડા કાન કરવાની એને આદત પડી ગઇ હોય છે. જેનો પતિ બિલકુલ છૂટ ન આપતો હોય એવી સ્ત્રીઓ પંદરમી ઓગસ્ટ જેવા એકાદ દિવસને ઝંખવા માંડે છે. જેનો પતિ ખૂબ છૂટ આપતો હોય એવી સ્ત્રીઓ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા...બેઉને ભેગા કરી નાંખતી હોય છે. પુરુષો માટે સ્વતંત્રતા જુદી હોય છે. પોતાનાં મોબાઇલનું બિલ પોતે જાતે જ ભરતો હોવા છતાં વારેવારે ફોન ચેક કરતી પત્ની એને હાથમાં લાઠી પકડીને જુલ્મ ગુજારતા અંગ્રેજો જેવી લાગતી હોય છે. સિગારેટના બે-ત્રણ કશ કે બિયરનાં ગ્લાસ વચ્ચે પુરુષ પોતાની સ્વતંત્રતાને શોધતો ફરતો હોય છે. એના માટે સ્વતંત્રતાનો અર્થપોતાની સ્પેસ-એવો હોય છે. આ એક એવી સ્પેસ છે જેમાં તમારી મમ્મીએ આવું કર્યુંથી લઇને શેરબજાર બારસો પોઇન્ટ નીચે આવી ગયો જેવી વાતો એ બરદાશ્ત નથી કરી શકતો. આવી સ્પેસ મેળવવા એ મરણિયો થઇ શકે છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણો કાનૂન, આપણો કાયદો અને આપણી સરકાર આવી. સ્ત્રી અને પુરુષ બંને પાસે પોતાનો કાયદો, પોતાનો કાનૂન અને પોતાની સરકાર હોવા છતાં સવાલ એ છે કે બેઉ સ્વતંત્ર છે ખરાં? આપણે ત્યાં લગ્ન વખતે એવું કહેવામાં આવે છે કે ‘અમારાં ઘરમાં તો બધી જ છૂટ છે.’ આપણે છૂટનો અર્થ સ્વતંત્રતા કરી નાખ્યો છે. હકીકતે સ્વતંત્રતા છૂટ આપવાથી નહીં, સમાનતાથી આવે છે. સમાનતાનાં બેઉ પલ્લાં સરખાં થાય ત્યારે સ્વતંત્રતાનો જન્મ થતો હોય છે. સમાનતાનો આ અધિકાર સૌથી પહેલાંં લગ્નથી તૂટે છે. સ્ત્રી અને પુરુષને અઢારમાં વર્ષે મતાધિકાર મળી જાય છે પણ બેઉને લગ્ન કરવાનો અધિકાર સરખી ઉંમરે મળતો નથી. આપણે એવું માનીએ છીએ કે સ્ત્રી અઢારમાં વર્ષે શારીરિક અને માનસિક રીતે લગ્ન કરવા માટે પાકટ થઇ જાય છે અને આપણે એવું પણ માનીએ છીએ કે અઢારમાં વર્ષે જીવનસાથી માટેની એની પસંદગી પુખ્ત બની ચૂકી હોય છે. એનો અર્થ એવો છે કે સ્ત્રી અઢારમાં વર્ષે સંપૂર્ણપણે પુખ્ત બની જાય છે પણ પુરુષને લગ્ન કરવાનો અધિકાર એકવીસમાં વર્ષેમળે છે...એટલે કે લગ્ન કરવા જેટલી શારીરિક અને માનસિક પુખ્તતા પુરુષમાં ત્રણ વર્ષ મોડી આવે છે. લગ્નવિષયક કે જિંદગી વિષયક નિર્ણયો લેવામાં કાયદાકીય રીતે સ્ત્રીને પુરુષ કરતાં ત્રણ વર્ષ આગળ મૂકવામાં આવી છે. પોતાની જિંદગીનો નિર્ણય લેવા માટે પુરુષ એકવીસમાં વર્ષે પાકટ બને છે તો કરોડો લોકોની જિંદગી જેના પર નિર્ભર છે એવી ચૂંટણીમાં મત આપવા માટે અઢારમાં વર્ષે એને કેવી રીતે પાકટ ગણવામાં આવે છે? આ અસમાનતા સ્ત્રી અને પુરુષ વચ્ચેની સ્વતંત્રતાને જોખમમાં મૂકે છે. જો પુરુષને એકવીસમાં વર્ષે લગ્નનો અધિકાર આપવામાં આવે તો સ્ત્રીને પણ એકવીસમાં વર્ષે જ લગ્નનો અધિકાર મળવો જોઇએ. આવો જ એક બીજો મુદ્દો છે કે લગ્ન પછી સ્ત્રી અને પુરુષ બેઉની સ્વતંત્રતાનો. આપણી સંસ્કૃતિ પિતૃપ્રધાન છે. દુનિયામાં કેટલાંક દેશો એવાં પણ છે જ્યાં માતૃપ્રધાન સંસ્કૃતિ છે. માતૃપ્રધાન સંસ્કૃતિમાં લગ્ન કરીને પતિ તેની પત્નીનાં ઘરે રહેવા જાય છે. પિતૃપ્રધાન સંસ્કૃતિમાં લગ્ન બાદ પત્ની પોતાનાં પતિનાં ઘરે રહેવા જાય છે. પિતૃપ્રધાન સંસ્કૃતિમાં સ્ત્રીની સ્વતંત્રતા જોખમાય છે, જ્યારે માતૃપ્રધાન સંસ્કૃતિમાં પુરુષની સ્વતંત્રતા જોખમાય છે. આ પણ એક મોટી અસમાનતા છે. સ્ત્રી માટે લગ્ન કરવા માટે પિતાનું ઘર છોડી દેવું અનિવાર્ય થઇ જાય છે. જો સ્ત્રીએ પિતાનું ઘર છોડવું પડતું હોય તો પુરુષ કેમ ન છોડી શકે? સ્ત્રી અનેપુરુષ બેઉ જણ જો પોતાનું ઘર છોડે તો લગ્ન સમાનતાનાં લેવલ પર આવી શકે. સ્વતંત્રતા જ્યારે સમાનતાનાં લેવલ પર આવે ત્યારે મોટાભાગના સવાલો દૂર થઇ જતા હોય છે. સંબંધો સ્વતંત્રતાની આ સમાનતા પર ટકતાં હોય છે. પત્નીને એના દોસ્તો સાથે ફિલ્મમાં જવા દેવી કે પતિના વોટ્સએપ ચેક ન કરવા એ સ્વતંત્રતા નથી, એકમેકને અપાતી સ્પેસ છે. જ્યારે બેઉ પલ્લાં એક સરખા હોય ત્યારે એકમેક સાથે આંખો મળી શકે છે, નહીંતર જે પલ્લું ઉપર હોય એની આંખ ઉપર અને જે પલ્લું નીચે હોય એની આંખ કાયમ નીચી જ રહે છે. સ્વતંત્રતાને સમજવા માટે સમાનતાનું ગણિત સમજવું ખૂબ જરૂરી છે. એક રંગનાં કપડાં પહેરવા એ સમાનતા નથી. એક સરખા લેવલ પર હોવું અને સાથે ઉપર ઉઠવું એ સમાનતા છે. કોઇ સવાલ પૂછનારું ન હોય તો સ્વતંત્રતા આવી જતી નથી પણ પૂછાયેલા સવાલની સામે આપણે જે જવાબ આપવા ઇચ્છીએ છીએ એ જવાબ કોઇ પણ પ્રકારનો વરખ ચઢાવ્યા વિના હિંમતથી આપી શકીએ તો આપણે સ્વતંત્ર છીએ એવું માનવું. dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...