તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવર સ્ટોરી:મા બાપ માટે બે સંતાન ક્યારેય પણ એકસરખાં હોતાં જ નથી!

એષા દાદાવાળા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જગતનાં કોઇપણ માતા પિતા એવું કહે કે અમે અમારાં બે સંતાનો વચ્ચે ક્યારેય ફર્ક કર્યો નથી તો એ નર્યાં જૂઠથી વિશેષ બીજું કશું જ હોઇ શકે નહીં. પોતાનાં સગ્ગા બે સંતાનો વચ્ચે ભેદ કરી જ બેસે છે!

આ સવાલ દરેક માતા પિતા માટે છે. આ સવાલનો જવાબ દરેક માતા પિતાએ પોતાની છાતીની ડાબી બાજુ પર હાથ મૂકી અત્યંત પ્રમાણિકતાથી આપવાનો છે. સવાલ એ છે કે તમારાં બંને સંતાન તમને એકસરખાં વહાલાં છે ખરાં? એક સંતાન તરફ તમારું દિલ વધારે ઝૂકી ગયું હોય અને બીજા સંતાન તરફ તમે વધારે કઠોર રહ્યા હો એવું બન્યું છે ખરું? તમારી સાથે રહેતાં સંતાન કરતાં તમારાથી દૂર રહેતાં સંતાન તરફ તમારી લાગણીઓનો દરિયો વધુ ઉછાળા મારે છે? એ તો એનું ફોડી લેશે…આવું કહી એક સંતાનને ક્યારેય પણ અન્યાય કર્યો છે ખરો? એક સંતાનની વધારે વાહવાહી કરી બીજા સંતાનને ટોણાં માર્યા છે? કડવી અને ન સ્વીકારવી ગમે એવી વાસ્તવિકતા એ છે કે હું હોઉં, તમે હો કે કોઇપણ મા-બાપ હોય...પોતાનાં સગ્ગા બે સંતાનો વચ્ચે ભેદ કરી જ બેસે છે! સભાન કે અભાનપણે કોઇ એક સંતાન માટે લાગણીનો પટારો થોડો વધારે ખૂલી જતો હોય છે. સંતાનમાં બે દીકરા હોય, બે દીકરી હોય કે એક દીકરો અને એક દીકરી હોય...બંનેમાંથી કોઇ એક વધારે વહાલું, વધારે લાડકું હોય જ છે. જગતભરનાં સાઇકોલોજિસ્ટ્સ એવું સ્વીકારે છે કે બે જુદી જુદી વ્યક્તિને તમે એકસરખો પ્રેમ, એકસરખું વહાલ કે એકસરખી કાળજી આપી શકતા નથી. એની માત્રા કાં તો વધારે હોય છે અને કાં તો ઓછી હોય છે. આવું જ મા-બાપના કિસ્સામાં પણ લાગુ પડે છે એટલે જગતનાં કોઇપણ માતા-પિતા એવું કહે કે અમે અમારાં બે સંતાનો વચ્ચે ક્યારેય ફર્ક કર્યો નથી તો એ નર્યાં જૂઠથી વિશેષ બીજું કશું જ હોય શકે નહીં. મમ્મી હોય કે પપ્પા...એમની એક આંખ માઇક્રોસ્કોપથી જોતી હોય છે અને બીજી આંખમાં વહાલનો મોતિયો હોય છે. એકની ભૂલો, એકની ખામીઓ, એકની નિષ્ફળતાઓ માઇક્રોસ્કોપમાં ઝૂમ કરીને જોવાતી હોય છે જ્યારે બીજાની ભૂલો, બીજાની ખામીઓ અને બીજાની નિષ્ફળતાઓ પર મીટરો લાંબા પડદાઓ પાડવામાં આવે છે. વડોદરાના એક બિઝનેસમેનની મમ્મી એમની સાથે રહે છે. મમ્મીની દવાનાં બિલથી લઇને મમ્મીની કેર ટેકરનો બધો ખર્ચ એ ઉપાડે છે. મમ્મીથી પથારીમાં થઇ જતો પેશાબ એમનાં પત્ની સાફ કરે છે. એમના ભાઇએ પ્રોપર્ટીનાં મામલે કોર્ટમાં કેસ કર્યો. મમ્મીને સાક્ષી તરીકે બોલાવાયાં. પોતાનાથી દૂર રહેતા દીકરા તરફ ઇમોશનલી ખેંચાઇ ગયેલી મમ્મીએ જેની સાથે રહે છે એ જ દીકરાના વિરોધમાં નિવેદન આપ્યું. માતૃત્વનાં બોજ તળે દબાઇ ગયેલી મા એક દીકરાના મોહમાં બીજા દીકરા સાથે અન્યાય કરી બેઠી. આવું જાણ્યે અજાણ્યે ઘણાં મા-બાપ કરતાં હોય છે. દીકરાને આઇપેડ અપાવ્યું એટલે દીકરીને પણ આઇપેડ અપાવવાનું, દીકરીને એપલનો મોબાઇલ ગિફ્ટ કર્યો એટલે દીકરાને પણ એપલનો મોબાઇલ જ ગિફ્ટ કરવાનો, મોટો દીકરો સ્વિમિંગ ક્લાસમાં જતો હોય એટલે એના નાના ભાઇને પણ સ્વિમિંગ ક્લાસમાં મૂકવાનો જ. દોઢ કરોડનો બંગલો એક દીકરાના નામે કરી દીધો એટલે દીકરીને પણ દોઢ કરોડ રોકડા આપી દેવા માત્રથી કામ ચાલી જતું નથી. તમે તમારો વારસો સરખા હિસ્સામાં વહેંચી શકો છો, વહેંચવાનાં જ છો પણ તમે તમારો પ્રેમ સરખા હિસ્સામાં વહેંચ્યો છે ખરો? તમારું વહાલ, તમારો ગુસ્સો, તમારી અકળામણ, તમારી ચિંતા, તમારી કાળજી સરખા હિસ્સામાં વહેંચી છે ખરી? મોટાભાગનાં મા-બાપ એવું કહેતા હોય છે કે અમારો મોટો દીકરો તો પોતાની જાતે બધું ફોડી લે છે એટલે અમને એની ચિંતા નથી, ચિંતા તો અમને નાનાની છે…અને નાનાની ચિંતામાં ને ચિંતામાં મોટાને અન્યાય થતો રહે છે. જ્યાં ચિંતા હોય છે ત્યાં બે કોળિયા વધારે મૂકાઇ જતા હોય છે પણ એની સાથે સાથે જેનો મોઢામાં એક કોળિયો ઓછો મૂકાઇ રહ્યો છે એની અપેક્ષાઓ, એની ઇચ્છાઓ નજરઅંદાજ થઇ જતી હોય છે. જે મા-બાપ એવો દાવો કરે છે કે અમે અમારાં સંતાનો વચ્ચે ક્યારેય કોઇ ફર્ક રાખ્યો નથી એ દરેક મા-બાપે આ સવાલનો જવાબ આપવો જોઇએ. ધારોકે વિદેશ જવાનું આવે અને તમારી પાસે એક જ જણ માટે રિસોર્સિઝ હોય તો તમે બેમાંથી ક્યાં સંતાનની પસંદગી કરો અને શા માટે? તમારું સંતાન નબળું છે કે સબળું એ તમે કેવી રીતે નક્કી કરો છો? બંનેને પૂરતાં રિસોર્સિઝ આપો છો ખરાં? અહીં સવાલ માનીતાં કે અણમાનીતાં સંતાનનો નથી. અહીં સવાલ માનીતાં અને થોડા વધારે માનીતાં સંતાનનો છે. દરેક પિતાની આંખમાં એક ધૃતરાષ્ટ્ર વસતો હોય છે અને દરેક માતાની આંખમાં એક ગાંધારી પણ વસતી હોય છે. આ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને એવા કોઇ સંજયની જરૂર પડતી નથી જે એમને મામકા અને પાંડવા વચ્ચેનો ભેદ બતાવે. કારણ કે આ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને તો મામકા અને મામકા વચ્ચેનો ભેદ પણ દેખાતો હોય છે. દરેક મા બાપ છાતીની ડાબી બાજુએ હાથ મૂકીને વિચારે કે તમે તમારા દીકરા કે દીકરીને એટલી સ્વતંત્રતા આપી છે કે એ જે અનુભવી રહ્યા છે એ સાચું કહી શકે? તમે એનાં સત્યને સ્વીકારી શકો એટલા દિલદાર છો? એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે તમારો દીકરો તમને મજાકમાં એવું કહેતો હોય છે કે તમને તો ભાઇ જ વધારે વહાલો છે ત્યારે એ બિલકુલ મજાક નથી કરી રહ્યો હોતો. તમારો ભેદભાવ તમારાં સંતાનો માટે સહ્ય નથી જ હોતો. ક્યારેક ને ક્યારેક બેમાંથી એક સંતાનની આંખમાં ન્યાયાધીશ આવીને વસી જ જતો હોય છે અને બેઉ ત્રાજવા અસમાન છે એવું એને દેખાઇ પણ જતું હોય છે. ભલે એ રિએક્ટ ના કરે, કશું બોલે જ નહીં પણ આખી જિંદગી ભેદભાવનાં દર્દને સાથે લઇને જીવતો રહે છે. ડિઅર પેરેન્ટ્સ, ખુલ્લાં શરીર પર અપાતા સિગરેટનાં ડામ કરતા પણ સગ્ગા મા બાપે કરેલા ભેદભાવનું આ દર્દ વધારે ભયાવહ હોય છે! dadawalaesha@gmail0.com

અન્ય સમાચારો પણ છે...