સજાવટ:ફ્લોરિંગ : સુંદરતાની સાથે સાથે મજબૂતાઇ પણ રાખો ધ્યાનમાં

દિવ્યા દેસાઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યક્તિએ પોતાનાં બજેટની સાથે સાથે રંગ, પેટર્ન અને ટકાઉપણા જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને ફ્લોરિંગની પસંદગી કરવી જોઇએ. દરેક પ્રકારના ઘર માટે દરેક પ્રકારનું ફ્લોરિંગ યોગ્ય સાબિત નથી થતું. ફ્લોરિંગ પસંદ કરતી વખતે ઘરનાં સભ્યો અને બાળકોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવી જોઇએ

ઘરનાં ઇન્ટિરીયરનો એક અગત્યનો ભાગ ફ્લોર હોય છે. બજેટ પ્રમાણે ઘરનાં ફ્લોરિંગના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, પણ વ્યક્તિએ પોતાનાં બજેટની સાથે સાથે રંગ, પેટર્ન અને ટકાઉપણા જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને ફ્લોરિંગની પસંદગી કરવી જોઇએ. દરેક પ્રકારના ઘર માટે દરેક પ્રકારનું ફ્લોરિંગ યોગ્ય સાબિત નથી થતું. ઘરનું ફ્લોરિંગ પસંદ કરતી વખતે ઘરના સભ્યો અને બાળકોની જરૂરિયાતોને પણ ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ. } વાંસનું ફ્લોરિંગ : આજકાલ વાંસનું ફ્લોરિંગ બહુ ડિમાન્ડમાં છે. આ પ્રકારનું ફ્લોરિંગ લાકડાનાં ફ્લોરિંગનો એક પ્રકાર જ છે. એનો ઉપયોગ સરળ અને સુવિધાજનક છે. ખાસ વાત તો એ છે કે વાંસ પાણીમાં ખરાબ નથી થતો અને એના પર વાતાવરણની અસર નથી થતી. વાંસનાં ફ્લોરિંગનું રિપેરિંગ પણ એકદમ સરળ છે. જોકે વાંસનું ફ્લોરિંગ લાંબા સમય સુધી તડકાના સંપર્કમાં રહે તો એની ચમક ઓછી થઇ જાય છે. આ સિવાય વાંસનાં ફ્લોરિંગનાં ટકાઉપણા વિશે પણ કોઇ નક્કર માહિતી નથી મળી. } કાર્પેટનો વિકલ્પ : કાર્પેટનો વિકલ્પ ઘરના તમામ સભ્યો માટે એકદમ યોગ્ય વિકલ્પ છે. હાલમાં માર્કેટમાં કાર્પેટના અનેક વિકલ્પ મળે છે. માર્કેટમાં ઉન, નાયલોન, પોલીપ્રોપલીન તેમજ બીજાં મટિરિયલથી બનેલી કાર્પેટ બહુ ડિમાન્ડમાં છે. આ કાર્પેટ પર દરેક વયજૂથની વ્યક્તિ બહુ સારી રીતે ચાલી શકે છે અને આરામ કરી શકે છે. શિયાળામાં તો આ કાર્પેટનો ઉપયોગ બહુ આરામદાયક સાબિત થાય છે. જોકે કાર્પેટની મોટી સમસ્યા એ છે કે એ બહુ સરળતાથી ફાટી શકે છે અને બહુ ઝડપથી ખરાબ થઇ જાય છે. આ કાર્પેટ પર બહુ સરળતાથી ધૂળ અને માટી જમા થાય છે જેના કારણે એલર્જી થવાની શક્યતા સર્જાય છે. કાર્પેટની સૌથી મોટી મર્યાદા એ છે કે એની સંપૂર્ણ સફાઇ શક્ય નથી બનતી. } લેમિનેટ ફ્લોરિંગ : હાલમાં લેમિનેટ ફ્લોરિંગની બહુ બોલબાલા છે. લેમિનેટ ફ્લોરિંગને ટિમ્બરના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. હકીકતમાં લેમિનેટેડ ફ્લોરિંગમાં પત્થર, ઇંટ અને ટાઇલ્સના પ્રિન્ટેડ ફોટોગ્રાફને પ્રાથમિકતા આપવામાં આવે છે. આમ, તમે તમારા બજેટને ધ્યાનમાં રાખીને લેમિનેટ ફ્લોરિંગની પસંદગી કરી શકો છો. આ પ્રકારના ફ્લોરિંગની ખાસિયત એ છે કે એ બહુ ટકાઉ છે અને તડકાની એની પર કોઇ નકારાત્મક અસર નથી થતી. જોકે લેમિનેટ ફ્લોરિંગની સમસ્યા છે કે જો એને યોગ્ય રીતે લગાવવામાં ન આવે તો એ વારંવાર ઉખડી જાય છે. } લાઇનોલિયમ : લાઇનોલિયમ એક નેચરલ ફ્લોર શીટિંગ પ્રોડક્ટ છે. આમાં ફ્લોરને ચૂના પત્થર, વુડ ફ્લોર તેમજ રેઝિનથી તૈયાર કરવામાં આવે છે. આ એક મજબૂત અને ટકાઉ વિકલ્પ છે. લાઇનોલિયમ ફ્લોર અનેક રંગ અને પેટર્નમાં ઉપલબ્ધ છે. આને સહેલાઇથી સાફ કરી શકાય છે. આ ફ્લોરિંગ ટાઇલ્સ અને કોંક્રિટની સરખામણીમાં વધારે આરામદાયક વિકલ્પ છે. જોકે આના પર સરળતાથી ઘસરકાના નિશાન પડી જાય છે અને એનું રિપેરિંગ કરવાનું કામ સરળ નથી. } ટાઇલ્સ : માર્કેટમાં અનેક પ્રકારની ટાઇલ્સ મળે છે જેનો ઉપયોગ ફ્લોરિંગ માટે કરી શકાય છે. હાલમાં માર્કેટમાં સિરામિક ટાઇલ્સ, પોર્સેલિન અને પત્થરની ટાઇલ્સ મળે છે. આ ટાઇલ્સમાં અનેક પેટર્ન અને ડિઝાઇન મળી રહે છે. આ ટાઇલ્સની સંભાળ અને સફાઇ પ્રમાણમાં સરળ હોય છે. જોકે ટાઇલ્સની સૌથી મોટી નકારાત્મક વાત છે એનું લીસાપણું. જો ટાઇલ્સ પર પાણી પડી જાય તો લપસી પડવાની ભારોભાર શક્યતા રહેતી હોય છે. આમ, બાળકો અને વડીલો માટે ટાઇલ્સનું ફ્લોરિંગ ખાસ યોગ્ય નથી. } ટિમ્બર ફ્લોરિંગ : ટિમ્બર ફ્લોરિંગ લાકડાંમાંથી તૈયાર કરવામાં આવે છે. આનો લુક લોકોને બહુ પસંદ કરે છે અને એનો ઉપયોગ કરીને રૂમને સદંતર નવો લુક આપી શકાય છે. આ ટિમ્બર ફ્લોરિંગની સફાઇ બહુ સરળ છે અને જો એની સારી રીતે સારસંભાળ કરવામાં આવે તો એ લાંબો સમય ટકે છે.

અન્ય સમાચારો પણ છે...