સુખી અને સ્વસ્થ પારિવારિક જીવન માટે ફેમિલી પ્લાનિંગ બહુ જરૂરી છે. સામાન્ય રીતે ફેમિલી પ્લાનિંગની જવાબદારી બંને પાર્ટનરની સંયુક્ત જવાબદારી હોય છે પણ મોટાભાગના કિસ્સામાં આ જવાબદારી મહિલા જ નિભાવતી હોય છે. આ માટે તેઓ ગર્ભનિરોધક ગોળીઓ અથવા તો ઓપરેશન જેવા વિકલ્પની પસંદગી કરતી હોય છે. હાલમાં મોટા ભાગની મહિલાઓ ગર્ભનિરોધક ગોળીઓનો જ ઉપયોગ કરતી હોય છે પણ બહુ ઓછી મહિલાઓને ખબર હોય છે માર્કેટમાં માત્ર પુરુષો માટે જ નહીં પરંતુ મહિલાઓ માટેનાં કોન્ડોમ ‘ફીમેલ કોન્ડોમ’ પણ ઉપલબ્ધ છે. ભારતમાં મહિલાઓ માટે એકથી વધારે બ્રાન્ડના ફીમેલ કોન્ડોમ મળે છે જે મહિલાઓને પૂરેપૂરી સુરક્ષા આપે છે અને તેમજ શારીરિક સંબંધ બનાવવામાં મદદ કરે છે. ફીમેલ કોન્ડોમ મહિલાઓને સશક્ત બનાવે છે. તે મહિલાઓને ગર્ભધારણ રોકવામાં તો મદદ કરે જ છે પરંતુ સાથે સાથે જાતીય રોગો સામે પણ રક્ષણ આપે છે. ફીમેલ કોન્ડોમની બનાવટ ફીમેલ કોન્ડોમને ફેમિડોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પોલિયુરેથિન તરીકે ઓળખાતા સોફ્ટ અને પાતળા પ્લાસ્ટિક મટીરિયલનું મળે છે. જાતીય સંબંધ બાંધતી વખતે સ્પર્મને ગર્ભાશય સુધી પહોંચતા રોકવા માટે તેને વજાઇનામાં લગાવવામાં આવે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો વણમાગ્યા ગર્ભની સાથે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસિઝ એટલે કે STD સામે પણ 95 ટકા સુરક્ષા મળે છે. કઇ રીતે કરવો ઉપયોગ જે રીતે ટેમ્પૂનને વજાઈનાની અંદર ઈન્સર્ટ કરવામાં આવે છે તે જ રીતે ફીમેલ કોન્ડોમને પણ પ્રાઈવેટ પાર્ટની અંદર ઈન્સર્ટ કરવામાં આવે છે. તેમાં કોન્ડોમની ઈનર રિંગને અંદરની બાજુ જ્યારે આઉટર રિંગને બહારની બાજુ રખાય છે. પુરુષ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમનો આકાર પ્રમાણમાં મોટો હોય છે. આ લગાવવા માટે આરામદાયક પોઝિશન પસંદ કરો. આ કોન્ડોમ યોનિમાં નાખતી વખતે એ વળી ન જાય એનો ખાસ ખ્યાલ રાખો. આ કોન્ડોમની આઉટર રિંગ યોનિની લગભગ 1 ઇંચ બહાર હોવી જોઇએ જેથી એને પકડીને સરળતાથી કોન્ડોમને બહાર કાઢી શકાય. જાતીય સંબંધ બાંધ્યા પછી આ રિંગને ધીમે ધીમે સ્પર્મ બહાર ન ઢોળાઇ જાય એ રીતે ટ્વિસ્ટ કરીને યોનિમાંથી કાઢી લો. ફીમેલ કોન્ડોમના ફાયદા સૌથી મોટો ફાયદો એ છે કે એ મહિલાને વણજોઇતા ગર્ભથી બચાવે છે અને એ માટે તેણે પુરુષ પર આધારિત નથી રહેતું. કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સની કેટલીક આડઅસરો થાય છે પણ આ કોન્ડોમની કોઇ આડઅસર નથી થતી. આ કોન્ડોમને જાતીય જીવન માણવાની શરૂઆત કરતાં પહેલાં આઠ કલાક સુધી યોનિમાં રાખી શકાય છે. એનો ઉપયોગ માસિકધર્મ વખતે અને ગર્ભાવસ્થા વખતે કરી શકાય છે. ફીમેલ કોન્ડોમ ખરીદવા માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી પડતી. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો બંને પાર્ટનર STD અને HIV જેવા ઈન્ફેક્શનથી બચે છે. ફીમેલ કોન્ડોમ અને સાવધાની ફીમેલ કોન્ડોમ વાપરતી વખતે કોઇ સમસ્યા ન થાય એ માટે કેટલીક સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. એક કોન્ડોમનો ઉપયોગ બે વખત નથી કરી શકાતો. આ કોન્ડોમ ખરીદતી વખતે એક્સપાયરી ડેટ જોઇ લો. જો એક્સપાયરી ડેટ નીકળી ગઇ હોય તો એ વપરાશ વખતે ફાટી જશે. આને ક્યારેય ફ્લશ ન કરો. કેટલાક લોકોનો અનુભવ છે કે એનો ઉપયોગ કરીને જાતીય જીવન માણવામાં આવે ત્યારે થોડો અવાજ થાય છે. આના કારણે મજા બગડી જાય છે. જોકે જો તમે ધ્યાનપૂર્વક એનો વપરાશ કરશો તો આવું નહીં થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.