મૂડ એન્ડ માઇન્ડ:ફિયર ઓફ મિસિંગ આઉટ

ડો. સ્પંદન ઠાકરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયામાં બીજાની જીવનચર્યા જોઇને તેને સતત પોતાના વિશે ડર લાગ્યા કરતો હતો

અનન્યાનો અડધી રાતે ધ્રૂસકે ધ્રૂસકે રડવાનો અવાજ સાંભળીને તેનાં મમ્મી-પપ્પા દોડી આવ્યાં. ધ્રુવાબહેને દીકરીને પાણી પીવડાવ્યું અને પછી પૂછ્યું, ‘શું થયું બેટા?’ ‘બસ, મમ્મી મને ખૂબ જ એકલું લાગે છે. કશું ગમતું નથી. છેલ્લા એક અઠવાડિયાથી આવું થાય છે પણ હવે લાગે છે કે બધું મારે જ સહન કરવાનું આવે છે. મારી એકલીની જોડે જ આવું કેમ થાય છે?’ અનન્યાએ રડતાં રડતાં ફરિયાદ કરી. અનન્યાની ઉંમર 22 વર્ષની હતી. લોકડાઉનના કારણે કોલેજ બંધ હતી. ઓનલાઇન સ્ટડી મર્યાદિત રીતે ચાલતો હતો. બાકીનો દિવસ ફ્રેન્ડ્સ જોડે ચેટ કરવામાં, કોલ કરીને ગપ્પાં મારવામાં, ઘરકામમાં મમ્મીને થોડી મદદ કરવામાં અને બગાસાં ખાવામાં પસાર થતો હતો. છેલ્લા અઠવાડિયાથી થોડું ઇરિટેશન વધ્યું હતું. પણ આજે અચાનક એને રડતી જોઇને પેરેન્ટ્સ હેબતાઇ ગયાં. સાઇક્યાટ્રિસ્ટ દ્વારા લાંબુ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારે ઘણી વિગતો જાણવા મળી. ઘરે રહેવાને લીધે અનન્યાનો સોશિયલ મીડિયા યુઝ ઘણો વધી ગયો હતો. વિવિધ પ્લેટફોર્મ્સ પર ચાલતાં સ્ટેટસ અને વિડીયોઝ એના મન પર હાવી થઇ ગયાં હતાં. ફોરેન કન્ટ્રીઝમાં રહેતી કેટલીક ફ્રેન્ડ્સનાં સ્ટેટસ તેને લો ફિલ કરાવી રહ્યાં હતાં. બધી બહેનપણીઓના બહાર જવાનાં, રેસ્ટોરાંની પાર્ટીનાં વગેરે પિક્સ જોઇને અનન્યા ડિપ્રેશનમાં સરકી રહી હતી. જ્યારે અમુક ફ્રેન્ડ્સની રિલેશનશિપ ચેટ વાંચીને અનન્યા કોન્ગ્રેટ્સ તો કરી દેતી હતી પરંતુ તેના મનમાં પોતે રહી ગઇ હોય એવી ભાવના ઉત્પન્ન થતી હતી. કોવિડ સિચ્યુએશનના લીધે કેટલાય મહિનાઓથી તેનું ઘરમાં રહેવાનું વધી ગયું હતું. ઘરના એકના એક વાતાવરણની અસરમાં તેને ગૂંગળામણ થવા લાગી. સોશિયલ મીડિયામાં બીજાની જીવનચર્યા જોઇને તેને ડર લાગ્યા કરતો હતો કે બધાં હરેફરે છે, જલસા કરે છે, માત્ર હું એકલી જ જેલની સજા ભોગવી રહી છું. મારું નસીબ જ ખરાબ લાગે છે. હવે હું કાયમ માટે એકલી પડી જઇશ. આ પ્રકારની લાગણીને ફિયર ઓફ મિસિંગ આઉટ (ફોમો- fomo) તરીકે ઓળખાય છે. આ માત્ર અનન્યાની જ તકલીફ નથી, ઘણાં યુવાનોને આવું થાય છે.જ્યારે સોશિયલ સાઇટ્સ પરનાં પિક્ચર્સ અને સ્ટેટસ પરથી આપણે એવું માની લઇએ કે સામેવાળા ખૂબ ખુશ છે અને આપણે નથી ત્યારે આવી ‘ફોમો’ ફીલિંગ ઊભી થાય છે. અનન્યાને પારિવારિક હૂંફ દ્વારા સોશિયલ મીડિયાના પ્રભાવથી દૂર કરી દઇને રિયાલિટીનું દર્શન કરાવ્યું ત્યારે તેને સારું થઇ ગયું. મૂડમંત્રઃ સોશિયલ મીડિયાનાં વિવિધ પ્લેટફોર્મ્સ એક મોટું ઇલ્યુઝન છે. તેના પરથી નક્કી ન થઇ શકે કે વ્યક્તિ ખુશ છે કે દુઃખી. દરેક વ્યક્તિ સામેવાળાને જે બતાવવું છે તે જ બતાવે છે. આવાં પ્લેટફોર્મ્સને હળવાશથી લેવાં જોઇએ. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...