શરીર પૂછે સવાલ:જમ્યા પછી આંખે અંધારા આવી જાય છે...!

એક મહિનો પહેલાલેખક: વનિતા વોરા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું વર્જિનિટી ગુમાવી ચૂકી છું. જોકે હવે હું લગ્ન પછી નવેસરથી જીવનથી શરૂઆત કરવા ઇચ્છું છું. મેં સાંભળ્યું છે કે વર્જિનિટી ઓપરેશનથી પાછી મેળવી શકાય છે. શું આ વાત સાચી છે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : વર્જિનિટી મેળવવા માટે હાઇમેનોપ્લાસ્ટી નામની કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે. હકીકતમાં આ સર્જરીમાં તૂટેલા હાઇમેન એટલે કે યોનિપટલનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. આ સર્જરી એટલી જટિલ નથી. જોકે અન્ય કોઇ સર્જરી પછી મેડિકલ સમસ્યા થવાની શક્યતા હોય છે એટલી જ શક્યતા આ સર્જરી પછી છે. આમ, વર્જિનિટી પાછી મેળવવા માટે ઓપરેશન કરાવવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. બાળકી જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે આ હાઇમેન બનવાની શરૂઆત થઈ જાય છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે જેનું હાઇમેન અખંડ હોય તે યુવતી વર્જિન હોય છે પણ એનો મતલબ એ નથી કે જે તૂટેલું હાઇમેન જાતીય જીવન માણ્યું હોવાની નિશાની છે. ઘણીવાર વધારે પડતી કસરત કરવાથી, સાયકલ ચલાવવાથી કે પછી બીજી કોઇ પ્રવૃત્તિથી હાઇમેન તૂટી શકે છે. આમ, આ મુદ્દાને વધારે પડતું મહત્ત્વ આપવાની ખાસ જરૂર નથી. પ્રશ્ન : હું કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. દિવસમાં એકથી વધુ વખત માસ્ટરબેશન કરવાથી તંદુરસ્તી પર અસર પડી શકે? મેં આ અંગે મારા મિત્રો સાથે વાતચીત અને ઇન્ટરનેટ પર પણ રિસર્ચ કર્યું હતું, પણ સંતોષકારક જવાબ મળ્યો નહીં. મને પૂરતી દાઢી ન આવવી તે પણ તેનું જ એક લક્ષણ હોઈ શકે? એક યુવક (રાજકોટ) ઉત્તર : દરેક પ્રશ્નોના જવાબ તમારા મિત્રો અને ઇન્ટરનેટ પર મળી રહે તે જરૂરી નથી. તમારો પ્રશ્ન એવો છે કે જેના માટે યોગ્ય વ્યક્તિ એક ડોક્ટર કે સેક્સોલોજિસ્ટ હોઈ શકે. કોઈ પણ ખચકાટ રાખ્યા વિના તમે કોઈ ડોક્ટર કે સેક્સોલોજિસ્ટનો સંપર્ક સાધો. આ ઉંમરે માસ્ટરબેશનની આદત પડે તે સ્વાભાવિક છે, પણ એનો અર્થ એ નથી કે કોઈ પણ સ્ત્રોત પાસેથી જાણકારી મેળવવાનો પ્રયત્ન કરો. રહી વાત પૂરતી દાઢી ન આવવાની, તો તેમાં પણ હોર્મોન્સની વધ-ઘટ જવાબદાર હોય છે, જેનું યોગ્ય નિદાન અને ઉપચાર કોઈ સેક્સોલોજિસ્ટ જ કરી શકે. માટે વહેલી તકે સેક્સોલોજિસ્ટનો સંપર્ક સાધો. હકીકતમાં જ્યારે છોકરો 13-14 વર્ષનો થાય ત્યારે શરીરમાં ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન બનવા લાગે છે. જેનાથી જાતીય લક્ષણોનો વિકાસ થવા લાગે છે. આના કારણે શરીરમાં વીર્ય બનવા લાગે છે, દાઢી અને મૂછ આવવાની પણ શરૂઆત થાય છે. જો તમારી ઇન્દ્રિયમાં યોગ્ય ઉત્થાન આવતું હોય, હસ્તમૈથુન કરી શકતા હોવ, વીર્યસ્ત્રાવ થતો હોય તો ચિંતાની બિલકુલ જરૂર નથી. આ કારણે દાઢી ન આવવી કે છાતીના ભાગે વાળ ન હોવા એ નપુંસકતાની નિશાની નથી, આથી ચિંતા કરશો નહીં. પ્રશ્ન : હું 55 વર્ષની મહિલા છું. હું આમ તો સ્વસ્થ છું પણ મેનોપેઝ પછી મને એક વિચિત્ર સમસ્યા થઇ ગઇ છે. બપોરે જમીને મારાથી ઊભા નથી રહી શકાતું. લાગે છે કે જાણે માથું ફરતું હોય અને આંખે અંધારાં આવી ગયાં હોય. આવું થવાનું શું કારણ અને હું શું કરું? એક મહિલા (સુરત) ઉત્તર : જો તમને મેનોપોઝ પછી આવી સમસ્યા થતી હોય તો તરત સારા ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઇએ. ધારો કે કંઈ નહી હોય તો ડોક્ટર તમને કહેશે કે ચિંતા જેવું નથી, પરંતુ કોઈ મોટી તકલીફ હોય અને તમે અવગણતા હો તો તમને સમજાશે જ નહીં અને પછી મોડું થઈ જાય એના કરતાં આ યોગ્ય ઉપાય છે. બીજું એ કે તમારાં લક્ષણો જોઈને લાગે છે કે તમારું બ્લડપ્રેશર ડ્રોપ થતું હોવું જોઈએ. તમારી ઉંમરમાં બપોરે જમ્યા પછી, ખાસ કરીને જો હેવી મીલ લઈ લીધું હોય તો એ પછી ઊભા રહેવાથી કે ઊભા થવાથી બ્લડપ્રેશર ડ્રોપ થઈ શકે છે. એને પોસ્ટ પ્રેન્ડ્રિયલ હાઇપોટેન્શન કહેવાય છે. એના યોગ્ય નિદાન માટે તમારે જમ્યા પહેલાં અને જમ્યા પછી બંનેનાં બ્લડપ્રેશર ચેક કરવા જરૂરી છે. જો એ બંને આંકડામાં ફરક હોય તો કહી શકાય કે તમને આ જ સમસ્યા છે. આવું થવાનું કારણ એટલે છે કે જ્યારે આપણે જમીએ છીએ ત્યારે આંતરડાને પાચન માટે વધુ લોહીની જરૂર પડે છે. એને કારણે હાર્ટને વધુ કામ કરવું પડે છે, પરંતુ જો લોહીની નળીઓ સંકોચાઈ ગઈ હોય તો હાર્ટને જરૂરત કરતાં પણ વધુ જોરથી ધબકવું પડે છે જેને લીધે બ્લડપ્રેશર વધી શકે છે, પણ જો કોઈ તકલીફ હોય તો ધબકારા વધતા જ નથી. લોહીનો પ્રવાહ નોર્મલ જ રહે છે, પરંતુ આંતરડામાં પાચન અર્થે લોહી વધુ જાય જ તો પછી બીજાં અંગોમાં લોહી ઓછું પડે એને કારણે અચાનક થોડા સમય માટે બ્લડપ્રેશર ઘટી જાય છે. આ વિશે ડોક્ટર જ વધારે સ્પષ્ટતા કરી શકશે. પ્રશ્ન : હું 32 વર્ષની મહિલા છું. મને વારંવાર ખાંસીની સમસ્યા સતાવે છે. મને વારંવાર સૂકી ખાંસી આવે છે જેના કારણે રાત્રે નિંદર નથી આવી શકતી. મારી આ સમસ્યાનો શું ઉકેલ છે? એક મહિલા (વડોદરા) ઉત્તર : ઘણી વાર મોસમ બદલાય ત્યારે કેટલાક લોકોને થોડી થોડી વારે ખાંસી આવ્યા કરે છે. આમાં ગળામાં કફ જેવું નથી હોતું, માત્ર કોરી ખાંસી જ આવે છે અને તે થોડા થોડા સમયે આવ્યા કરવાથી કંટાળી જવાય છે. વાસ્તવમાં, આ સૂકી ખાંસીની સમસ્યા છે. આવી સૂકી ખાંસી કોઇ પ્રકારની એલર્જી કે એસિડિટીને કારણે પણ થઇ શકે છે. તે થવાેનું કોઇ ચોક્કસ કારણ નથી હોતું. રાત્રેે સૂકી ખાંસીનું પ્રમાણ વધી જાય છે. સૂકી ખાંસી થવાના કારણોમાં જોઇએ તો, ઘણા સમયથી બ્લડ પ્રેશરની દવા લેવી, એસિડિટી, ઇન્ફેક્શન કે અસ્થમા, ફેફસાં સંબંધિત તકલીફ વગેરેને કારણે સતત ખાંસી આવી શકે છે. કેટલીક વાર કફવાળી ખાંસી થાય છે, પણ તે મટાડવા માટે એન્ટિબાયોટિકનો ઉપયોગ પણ કફને સૂકવી નાખે છે, જેથી અટકી-અટકીને ખાંસી આવે છે. આવું કોઇ કારણ હોય તો તેની સારવાર કરાવો. દહીં, મઠ્ઠો, ભાત, મરીમસાલાયુક્ત ખાદ્યપદાર્થો, તળેલા ખાદ્યપદાર્થો, કોરું અને વાસી ભોજન, ઠંડું પાણી, કોલ્ડ ડ્રિંક્સ, આઇસક્રીમ વગેરેનું સેવન ન કરો. આના દેશી ઉપાય માટે મૂલેઠી, તુલસી, લવિંગ અને મરીને અડધા કે એક ગ્રામ લઇ એક ગ્લાસ પાણીમાં નાખી અડધો ગ્લાસ પાણી રહે ત્યાં સુધી ઉકાળો. આને દિવસમાં બે-ત્રણ વાર પીઓ. છતાં ફેર ન પડે તો ડોક્ટરની સલાહ લો. જો તમે નિયમિત દવા લેશો તો તમને આ સમસ્યામાં ચોક્કસ રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...