મૂડ એન્ડ માઇન્ડ:એકલતાનો અનુભવ

એક મહિનો પહેલાલેખક: ડો. સ્પંદન ઠાકર
  • કૉપી લિંક

રૂચિતા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં રહીને અભ્યાસ કરી રહી હતી. તે દરમિયાન તેના મિત્ર સર્કલમાં આદિત્ય સાથે સંપર્કમાં આવી. થોડા સમય માટે બંને ઘણાં સારા મિત્રો બની ગયા. કહી શકાય કે રિલેશનશિપમાં આવવાની શરૂઆત જ હતી અને આદિત્યની જોબ બદલાઈ ગઈ. ધીરે ધીરે બંને વચ્ચેનો સંપર્ક ઘટતો ગયો. રૂચિતાને લાગવા લાગ્યું કે તે એકલી પડી ગઈ છે. બધાં બેઠા હોય ત્યારે તેનું ધ્યાન ક્યાંક બીજે જ હોય. ભણવામાં પણ તેની અસર દેખાવા લાગી. છેલ્લા અઠવાડિયામાં તો તેણે મોબાઈલનો ઉપયોગ પણ ઓછો કરી દીધો અને રૂમમાંથી બહાર જવાનું સાવ બંધ કરી દીધું. તે એક જ વાત વિચારતી રહેતી કે મારું કોઈ છે જ નહીં, હું એકલી જ છું. ખરેખર જોવા જઈએ તો તેની એકલતાની વ્યાખ્યા એટલે જ્યાં સુધી આદિત્ય જોડે વાત ના થાય કે તેનો મેસેજ ના આવે. તેના મગજને સંતૃપ્તિ માત્ર એક વ્યક્તિ સાથે વાત થાય ત્યારે જ મળતી. મતલબ કે તેના માઈન્ડને પ્લેઝર આપતું ડોપામાઈન કેમિકલ ત્યારે જ ઝરે જયારે તેને ગમતી વ્યક્તિ જોડે વાત થાય કે રિસ્પોન્સ મળે. આ પ્રકારના વિચારોની વૃત્તિને ‘એબ્સ્ટ્રેક્ટ થિન્કિંગ’ કહેવામાં આવે છે જેમાં મગજ પોતાની રીતે માત્ર એક જ બાજુના વિચારો ઉપર વધારે ફોકસ કરવા લાગે. નાનપણથી ભણવા સિવાય રૂચિતાએ ક્યારેય બીજી કોઈ વાતમાં રસ લીધો ન હતો. બસ એટલામાં જ તેની દુનિયા ચાલતી હતી. અચાનક એક વ્યક્તિ સાથેના સંપર્ક બાદ ઉત્પન્ન થયેલાં ઈમોશનલ રિસ્પોન્સથી તેને અલગ પ્રકારના આનંદની અનુભૂતિ થવા લાગી. કદાચ સામેવાળી વ્યક્તિ માટે આ એક સાદું કનેક્શન હતું પણ રૂચિતા માટે ક્યારેય ના ઉત્પન્ન થયેલ અનુભૂતિ તેને પઝેસિવ બનાવતી ગઈ. ઘણાં લોકો માટે આવા સંબંધો તૂટે ત્યારે બ્રેક-અપ જેવી જ અસર મગજ ઉપર પડે છે. ફર્ક એટલો હોય છે કે અહીં એક વ્યક્તિ આ આખી ફીલિંગથી એકદમ અજાણ છે. આપણે ભૂલી જઈએ છે કે સંબંધો ગાઢ બનતા જેટલી વાર લાગે છે તેટલી વાર તૂટ્યા પછી બહાર નીકળતા લાગી શકે છે. સમય જ તેની સારવાર બને છે. મૂડ મંત્ર - એકલા રહેવું અને એકલા હોવું બંને વચ્ચે ઘણો ફર્ક છે, એકલતા સાપેક્ષતાના સિદ્ધાંત મુજબ કામ કરે છે. તે સમયે વ્યક્તિની ફીલિંગને સમજી તેને સપોર્ટ આપતા રહેવું જ સારવારનો ભાગ છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...