તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરીર પૂછે સવાલ:વધારે પડતા જાતીય વિચારો આવે છે, શું આ નોર્મલ છે?

વનિતા વોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 26 વર્ષની મહિલા છું અને હાલમાં સગર્ભા છું. અત્યારે કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે મને મારા ગર્ભસ્થ શિશુ વિશે ભારે ડર લાગે છે. ગર્ભમાં રહેલા બાળકને કોરોના થવાનો કેટલો ખતરો હોય છે અને એને આનાથી કઇ રીતે બચાવી શકાય છે? એક મહિલા (સુરત) ઉત્તર : ગર્ભમાં રહેલ બાળકને પણ માતા દ્વારા કોરોના થવાની સંભાવના રહે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર સગર્ભાવસ્થા દરમિયાન મહિલાની ઇમ્યૂનિટી ઓછી હોય છે. જેના કારણે તેને ઇન્ફેક્શન થવાની સંભાવના વધારે હોય છે. પ્રેગનન્ટ મહિલાઓમાં કોરોના વાયરસ ઇન્ફેક્શનના કેસમાં 28 અઠવાડીયાં બાદ ઇન્ફેક્શન જલ્દી લાગે છે. માટે સાવધાની રાખવાની ખૂબ જરૂર છે. પ્રેગન્સીના સમયમાં હાર્ટ સંબંધીત તકલીફો હોય તે મહિલાઓએ વધારે સાચવવું જોઇએ. ગર્ભાવસ્થા દરમિયાન માતા અને તેના ગર્ભને કોરોના વાયરસથી બચાવવા માટે તમામ સાવચેતી રાખવી જરૂરી છે. સગર્ભાએ હાથ થોડા થોડા સમયે ધોવા જોઇએ, માસ્ક લગાવેલું રાખવું જોઇએ અને લોકોથી અંતર રાખવું જોઇએ. પોષણક્ષમ આહાર લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો ઘરના કોઈપણ સભ્યમાં લક્ષણો દેખાય છે, તો પછી તેમનાથી અંતર પણ રાખવું જોઈએ. આ સિવાય ડોક્ટરે આપેલી તમામ સૂચનાઓનું સારી રીતે પાલન કરવું જોઇએ. પ્રશ્ન : શું વીર્યનું એક ટીપું બનવામાં લોહીનાં 100 ટીપાં વપરાય છે? મને શીઘ્રપતનની સમસ્યા છે અને એટલે જ મને વધારે નબળાઇ લાગતી હશે? એક પુરુષ (વાંકાનેર) ઉત્તર : વીર્યનું એક ટીપું બનવામાં લોહીનાં 100 ટીપાં વપરાય છે એ બિલકુલ સાચુ નથી. જેવી રીતે લાળ ગ્રંથિ દ્વારા લાળનું નિર્માણ થાય છે તે વીર્યનું નિર્માણ જાતીય ગ્રંથિઓ દ્વારા થાય છે. વીર્ય સાથે લોહીને કંઈ જ લેવાદેવા નથી. જ્યાં સુધી નબળાઇની સમસ્યા છે ત્યાં સુધી નબળાઇ અને શીઘ્રપત્ન વચ્ચે કોઇ સંબંધ નથી. સહવાસ દરમિયાન ચરમ આનંદ પ્રાપ્તિની ક્ષણને 'ઓર્ગેઝમ' કહેવાય છે. જો આ પહેલાં જ વીર્ય સ્ખલન થઈ જાય તો તેને 'શીધ્રપતન' કહેવામાં આવે છે. તેને કોઈપણ પ્રકારની નબળાઈ સાથે કોઈ જ લેવા દેવા નથી. શીઘ્રપતન માટે ઘણાં કારણો જવાબદાર છે. પતિ-પત્ની બંનેને યોગ્ય ચિકિત્સક દ્વારા જાતીય શિક્ષણ આપવાથી પરિસ્થિતિ કાબૂમાં આવી શકે છે. પ્રશ્ન : મને દાંતમાં વારંવાર પરૂ થઇ જાય છે અને એના કારણે બહુ દુખાવો થાય છે. મારી આ સમસ્યાનું સમાધાન શું છે? એક મહિલા (વડોદરા) ઉત્તર : મોટાભાગે દાંતમાં સડો થવાથી દાંતમાં પરૂ થાય છે અને એના કારણે દાંતમાં સતત દુખાવો રહે છે. જે દાંતમાં સડો થઇ જાય છે તેમાં બેક્ટેરિયા પ્રવેશ કરી જાય છે અને તે વધતાં જ રહે છે, આના કારણે દાંતની આસપાસના હાડકાંઓમાં પણ સંક્રમણ થાય છે. જો સમયસર તેનો ઇલાજ ન કરાવવામાં આવે તો દાંત સંબંધી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. દાંતનો સડો દાંતમાં કેટલો ઊંડો છે એટલે કે સડો કયા તબક્કામાં છે તેના પ્રમાણે તેની સારવાર થાય છે. જો દાંતનો સડો ઈનેમલ કે ડેન્ટીન સુધી જ મર્યાદિત રહેલ હોય અને પલ્પ (દાંતની નસ) ને કોઈ નુકસાન થયું ન હોય તો માત્ર ફિલીંગ દ્વારા કરી શકાય છે પરંતુ જો દાંતનો સડો વધારે ઊંડો હોય અને પલ્પ સુધી પહોચી જાય તો તેવા કેસમાં દાંત બચાવવા રૂટ કેનાલ ટ્રીટમેન્ટ જરૂરી બને છે. મોટા ભાગના કેસમાં સડેલા દાંતને યોગ્ય સારવાર દ્વારા બચાવી શકાય છે. જો દાંતના સડાની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો ચેપ હાડકાં સુધી પ્રસરી શકે છે જેના કારણે બીજી જટિલ શારીરિક સમસ્યા થઇ શકે છે. પ્રશ્ન : મારી તેર વર્ષની દીકરીને ઉનાળામાં વારંવાર નસકોરી ફૂટે છે. એનું શું કારણ હશે? આનો ઉપાય શું છે? એક મહિલા (ભાવનગર) ઉત્તર : ઉનાળામાં ઘણા લોકોને નસકોરી ફૂટે છે. આમ તો આ કોઇ ગંભીર સમસ્યા નથી પણ જેમની નાકની ત્વચા અત્યંત સંવેદનશીલ હોય છે તેમને આ સમસ્યા સતાવે છે. આકરા તાપના લીધે કે પછી નાકમાં ઇજા થાય ત્યારે નસકોરી ફૂટવાની સમસ્યા થતી હોય છે. ઘણીવાર નાકમાં ટ્યુમર થાય ત્યારે અથવા તો વધારે પડતા નેઝલ સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પણ નસકોરી ફૂટી શકે છે. નસકોરીની સમસ્યા હોય તો ઠંડા પાણીને દર્દીના માથા પર રેડો. તેમ છતાં લોહી નીકળવાનું બંધ ના થાય તો કપડામાં બરફ લપેટીને નાક પર મુકવાથી લોહી નીકળતું અટકી જશે. નસકોરી ફૂટે ત્યારે માથુ આગળની તરફ નમાવીને રાખવું. એ પછી નાકથી શ્વાસ લેવાને બદલે મોંથી શ્વાસ લેવો જોઈએ. પ્રાથમિક સારવાર રૂપે નાકની અંદર વાટ મૂકવામાં આવે છે. જો બી.પી.ના લીધે લોહી નીકળતું હોય તો બી.પી.કન્ટ્રોલ કરવાની દવા પણ સાથે આપવામાં આવે છે. ડુંગળીનો રસ નસકોરી ફૂટવાની સમસ્યાનો અક્સીર ઇલાજ છે. નસકોરી ફૂટે ત્યારે ડુંગળીના રસને નસકોરીમાં નાંખવાથી લોહી બંધ થઇ જાય છે. આ ઉપરાંત જેના નાકમાંથી લોહી નીકળતું હોય તેને સમારેલી ડુંગળી સુંઘાડવાથી પણ લોહી બંધ થાય છે. બિલિના પાંદડાંનો રસ પાણીમાં મિક્સ કરીને પીવાથી પણ નાકનું લોહી ઝડપથી બંધ થાય છે. આ સિવાય બિલિના પાંદડાંઓને પાણીમાં ઊકાળીને એમાં સાકર મિક્સ કરીને પીવાથી પણ આ તકલીફ મટે છે. પ્રશ્ન : મારી ઉંમર ચોવીસ વર્ષની છે. ટૂંક સમયમાં મારા લગ્ન થવાના છે. પરંતુ મને લાગે છે કે હું વધારે પડતી કામુક વૃત્તિ ધરાવું છું. મને જાતીય જીવનના વિચારો ખૂબ જ આવે છે. શું આ નોર્મલ છે? એક પુરુષ (અમદાવાદ) ઉત્તર : જાતીય વિજ્ઞાન અને તેમાંય આ વિષય ઉપર વિશેષ વૈજ્ઞાનિક સંશોધન થયેલું નથી. અલગ અલગ દેશો અને લોકો પોતપોતાની રીતે કામુક્તાને મૂલવતા હોય છે. વ્યક્તિને હાઇપર સેક્સ્યુઅલ ક્યારે માનવી તે અંગે ડોક્ટરોમાં પણ મતભેદ પ્રવર્તે છે. આવી પ્રકૃતિવાળા પુરુષોને ‘સેટીરિયાસિસ ડોનજુઆનિઝમ’ હોવાનું મનાય છે. આવી સ્ત્રીઓ ‘નિમ્ફો મેનિયાક’ તરીકે ઓળખાય છે. સાદી ભાષામાં સમજવું હોય તો કંઇક આ રીતે કહેવાય. તમે ભરપૂર જમીને અડધો કલાક પહેલાં જ ઊભા થયા હો અને પાછી જમવાની ઇચ્છા કાયમ થાય તો બીમારી કહેવાય. તે જ રીતે સંતોષજનક સેક્સ ભોગવ્યા બાદ હંમેશાં તરત જ વારંવાર સેક્સની ઇચ્છાને હાઇપર સેક્સ્યુઅલ ગણવી જોઇએ. વધારે પડતી કામુક્તા માટે ડોક્ટરી તપાસ જરૂરી બને છે. કેમ કે મેનિયા, સ્કીઝોફ્રેનિયા, ફ્રન્ટલ લોબ બ્રેઇન ટ્યુમર અથવા એપિલેપ્સિઝ નામની બીમારીઓ પણ કામુક્તાને અમર્યાદ, અસંગત બનાવી દે છે.

અન્ય સમાચારો પણ છે...