તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવાશ:‘દૂધ-સાક સિવાય બધંુ બાર મહિનાનું લે...એ બુદ્ધિસાળી સ્ત્રીની નિસાની!’

જિગીષા ત્રિવેદી25 દિવસ પહેલા
  • કૉપી લિંક

"ખરેખર હો અમુક માણસોને તો ઉપરવાળાએ આ ધરતી પર જનમ જ કેમ આપ્યો એવો પ્રસ્ન થાય છે મને!’ હંસામાસી કયા રેફરન્સમાં બોલ્યાંં એ તો એમનો ઉપરવાળો જ જાણે પણ આ લોકો વાંધા પાડવામાં સમગ્ર બ્રહ્માંડને આવરી લે એટલા પાવરફૂલ છે હોં! આ વાંધા માટે કોણ અને કેમ જવાબદાર હશે? હજી હું એવું વિચારતી’તી ત્યાં સવિતાકાકી બોલ્યાંં, સાચી વાત...આ સ્મિતા જેવાં તો ચોર્યાસી લાખમાંનો આ એક જેમ તેમ કરીને પૂરો કરવા જ આવ્યા છે...હંઅઅઅ! (છણકો કરીને આગળ ચલાવ્યું) ‘લો બોલો અત્તારે તે કંઇ હાવરણી લવાતી હસે?’ સવિતાકાકીના મતે જેને સાવરણી ક્યારે લાવવી એ ખબર ના પડતી હોય એનો આ ફેરો જ નકામો ગણાય. ‘આ સ્મિતાની તો ડાગળી જ ચસકી ગઇ લાગે છે મને તો!’ કંકુકાકીએ થોડું સંક્ષિપ્ત કરીને માત્ર એનાં મગજનો વાંક કાઢ્યો. ‘ત્યારે ઓલી રેખલી ય એની કઝિન સિસ્ટર જ થાય. હમણાં બે દા’ડા પહેલાંં જ પગલૂછણિયાં લાઇ. બોલો હવે યાર આ તે કંઇ ટાઈમ છે પગલૂછણિયાં લાવવાનો!’ સવિતાકાકીએ સચોટ ઉદાહરણ સહિત એ બંને વચ્ચે લોહી અને લાગણી સિવાયનો ત્રીજો જ સંબંધ જોડ્યો અને એ તમામ વક્તવ્ય દરમિયાન ગુસ્સા-અણગામાના મિશ્ર ભાવ તીવ્ર રીતે વ્યક્ત કરવા ગળાની સ્પ્રિંગને સહેજ ખોલી એટલે નાના અમથા ઝાટકા સાથે એમનું મોઢું થોડું ડાબે જઈ સ્વસ્થાને પાછું આવ્યું. ‘જેમ અનાજની, મસાલા ભરવાની કે ફળ-ફૂલ અને શાકની ફિક્સ સીજનો હોય ને એમ દરેક વસ્તુની પોતપોતાની પર્સનલ સીજનો પાડેલી જ છે એ પ્રમાણે જ અનુસરવાનું હોય...’ કંકુકાકીએ (રેખાબહેનમાં કઈ પ્રકારની બુદ્ધિ નથી એ બાબતે) ચોખવટ કરી. ‘પણ અમુક રેગ્યુલર વપરાતી ચંપલ જેવી વસ્તુ તો આપડે તૂટે ત્યારે જરૂર પડે એમ જ લાઈએ ને યાર!’ હંસામાસીએ સિઝન બાબતે પોતાનો વાંધો જણાવ્યો. ‘કેમ? આપણને હાલતાં નો આવડતું હોય ને તૈણ-ચાર મહિને ચંપલ તોડી જ નાખતાં હોઈએ તો જરૂર પડવાની જ છે એટલી તો ખબર હોય ને માણસને? તો એકાદ જોડી એકસ્ટ્રા લઇ રાખવામાં વાંધો સો છે? આટલા વરહથી ઘરમાં કઈ કઈ વસ્તુ જોઈએ છે એટલી ય આપણને ખબર ના પડી ગઇ હોય? વાત કરો છો તે!’ કંકુકાકીએ હંસામાસીને બરાબરના ચાબખા માર્યા એટલે હવે ક્યારના બધો વાર્તાલાપ સાંભળતા કલાકાકીથી ના રહેવાયું એમણે રેખાબહેન અને સ્મિતાબહેન વિશે જજમેન્ટ કરનાર તમામ લોકોને બુદ્ધિ અને સમજણમાં પોતાનાં કરતાં હેઠાં સાબિત કરવાં તેઓશ્રી એ જ્ઞાન આપતાં કહ્યું, ‘જો, સિઝન એ કુદરતની દેન છે. સમગ્ર માનવ જીવન દરમિયાન એક વારસામાં સિઝન માત્ર બે જ હોય...એક ઋતુઓની અને એક લગનની. એ બંનેમાં જેમ માણસો માથું નથી મારતાં એમનું કસું ચાલતું નથી તો એવી જ રીતે બીજી સિઝનો પાડવાનાં નવા કાયદા લાવવાનો પણ સમાજને કોઈ હક નથી અને હા, બીજી વાત કે તમે ગણાવી એવી તમામ વસ્તુઓની કોઈ સિજન-બીજન બી ના હોય, અને જરૂર પડવાની રાહ બી ના જોવાની હોય અને આપડી જરૂરિયાતો સમાજ શેનો નક્કી કરે? એટલે આપડો તો એક જ રિવાજ...બધું બાર મહિનાનું જ ભરવાનું. આ માળિયાં છે શેના માટે? હાથરૂમાલ છે, મોજાં છે, પર્સ છે, માટલું છે...’ હજી એમનું પત્યું નહોતું ને લીનાબહેને એમને વચ્ચેથી ઝીલી લીધાં, ‘પછી કપડાં સુકવવાની ક્લિપો છે...એ બધંુ તો બાર મહિનાનું જ ભરવાનું હોય અલા! ત્યારે સેફ્ટીપીનો હું તો પચ્ચીસ પેકેટ ભરું. લગન પ્રસંગ કોઈનાં બી ત્યાં હોય, આપડી તો બોલબાલા થઇ જ જાય! અને એક બીજી વાત કઉં, મમરા ય બાર મહિનાના ભરો ને, તો વાંધો નઇ... સંુ કહો છો કલાબહેન!’ લીનાબહેને વાતમાં કલાકાકીને ખો આપી એટલે કલાકાકીની ગાડી પુરપાટ ઉપડી, ‘એમ તો જોઇએ તો નહાવાનાં અને ધોવાનાં સાબુ પાવડર ને શેમ્પૂ પણ એ કેટેગરીમાં આવે અલા. આમ જોવા જઈએ ને તો દૂધ સાક સિવાય બધું બાર મહિનાનું લે ને, એ જ બુદ્ધિસાળી સ્ત્રીની નિસાની! અને જો, વસ્તુ કોઈ પણ હોય, એ બાબતે આપડી પોતાની પર્સનલ સિજન આપડે નક્કી કરવાની અને મેં તો વરસમાં એક જ સિજનને કાયમ માન આપ્યું છે. એક જ સિજન વરસમાં બે વાર આવે છે અને એ છે ‘વે...કે...સ...ન...’. આપડે જાતે આપડી વસ્તુઓ દીઠ સિજનનું બાયફરકેસન કરવાનું. કોઈ બી વસ્તુ તમે કાં તો તમે દિવાળીના વેકેસનમાં ભરો, કાં તો તમે ઉનાળાનાં વેકેસનમાં ભરો પણ ભરો બાર મહિનાનું એટલેે કુદરતની કે લગનની સિજનોમાં આપણને આવાં એસ્ટ્રા કામોનો લોડ ના પડે!’ અમારી પોળ એ અમારી પોળ...અમે તો એવાં સ્વાવલંબી કે સિઝન બાબતે ય કોઈના ઓશિયાળા નહીં. હજી તો મહિલાઓ કઇ સિઝનમાં શું ભરવું એનું લિસ્ટ બનાવતી હતી ત્યાં હું છટકીને નીકળી જ ગઇ.

અન્ય સમાચારો પણ છે...