(પ્રકરણ:2) ‘જાગીરદાર સાહેબ, આ બાજી પણ આપણે હાર્યા ને ઠકરાણા જીત્યા!’ કાર્ડરૂમના ગોળ ટેબલ પર છેલ્લી બાજીના જીતેલા પ્લાસ્ટિકના કોઇન્સ સમેટતા વિશાખાદેવી સાથી પ્લેયરની કમેન્ટે મલક્યા. ‘ગમે તે કહો, વિશાખાદેવી નસીબદાર છે.’ બીજાએ ટાપસી પૂરી, ‘બ્લાઇન્ડમાં પણ જીતી જાય છે...’ ‘માત્ર નસીબ નહીં, વિદ્યાધરજી’ વિશાખાદેવીએ ગરદન ટટ્ટાર કરી, ‘શંુ પત્તાની રમત કે શું જિંદગીની બાજી, જીતવાનુ ઝનૂન હોય તો જ જીત મળતી હોય છે.’ સાંભળનારા અહોભાવથી એમને નિહાળી રહ્યા. ‘અને હંુ હારવાનુ શીખી નથી એ તમારા જાગીરદારસાહેબ બરાબર જાણે છે!’ હસવા ખાતર હસતા સજ્જનસિંહના ચિત્તમાં જુદો જ પડઘો પડ્યો: હું તો તારી રગરગથી વાકેફ છું! ‘કંઇ કહેવંુ છે, જાગીરદારસાહેબ?’ સાથે રમનારા રજા લઇને ઊઠ્યા એટલે પતિનો મનોભાવ કળાતો હોય એમ વિશાખાએ હળવેથી પૂછ્યું. સજ્જનસિંહના હોઠ સળવળ્યા કે વિશાખાની ભ્રમર તંગ થઇ, ‘કીપ મમ. તમારા હોઠ હું કહું ત્યારે ને એટલા જ ઊઘડવા જોઇએ.’ ગમ ખાઇ ગયા ઠાકુર સજ્જનસિંહ. ના, મારી સરખામણીમાં વિશાખાનો રૂઆબ સમાજમાં પણ દેખીતો છે, અને એ દેખાતો રહે એવી વિશાખાની હરકતો પણ હોય છે. એ ઉપરાંત પણ અમારી વચ્ચે એવું ઘણું છે જે અમે બે જ જાણીએ છીએ! ‘યાદ રાખજો, આ પચીસ-સતાવીસ વરસ પહેલાંનો જમાનો નથી, જ્યાં તમે ઠાકુર ને હંુ ચાકર હતી...તમારા એક સાદે સત્તર-અઢારની કાચી કળી જેવી હું તમારી શૈયામાં હાજર થઇ જતી.’ સજજનસિંહને કંઇ કેટલંુ સાંભરી ગયંુ. ત્યાં વિશાખાના હોઠ વંકાતા જોઇ કાળજે કરવત જેવી વાગી. ધાર્યો એવો જ પડઘો પત્નીએ પાડ્યો, ‘આજે તો હંુ શૈયા સજાવીને બેઠી હોઉ તો પણ તમારાથી ક્યાં...’ એના ઉપાલંભે સજ્જનસિંહની ગરદન ઝૂકી ગઇ. ‘મિસિસ જાગીરદાર.’ ત્યાંથી પસાર થતા શ્યામાદેવી અટક્યા, પૂછ્યુ, ‘તમે ડિનરમાં છોને? તો ચાલો, થોડીવારમાં ડાન્સ શરૂ થશે.’ ‘તમે નીકળો, મિસિસ ગાંધી, અમને જરા વાર લાગશે.’ વિશાખાને મોકો મળી ગયો, ‘વરસ અગાઉ જાગીરદાર સાહેબ પડી જતા થાપાનું હાડકંુ ભાંગ્યંુ, ત્યારથી સ્ટિક કાયમની સાથી જેવી છે ને ચાલવામાં સંભાળવુ પડે છે...’ ‘ઓ યા, પણ કહેવંુ પડે, તમે એમનું કેટલંુ ધ્યાન રાખો છો, સોસાયટીમાં તમારો દાખલો દેવાય છે.’ સજ્જનસિંહને થયંુ ભગવાન જરા હિંમત આપે તો ગળું ફાડીને કહી દઉં કે બધો આ બાઇનો દેખાડો છે... મને હાંસિયામાં ધકેલી અમારા સંસારમાં એ સર્વસત્તાધીશ બની બેઠી છે એ તમને કોઇને નહીં પરખાય! અરે, એકવાર પોતે શરાબ પીને ય આવંુ બોલી નાખે, પણ પછી વિફરેલી વિશાખા જો મારી બાંધી મુઠ્ઠી ખોલી દે તો... કપાળે પસીનાની બુંદ જામી. આ ડરે પોતાને કેવો ખોખલો બનાવી દીધો છે! તનમાં હવે એ તાકાત નથી રહી ને મનમાં એ મગરૂરી... ‘દાખલો-બાખલો તો ઠીક, મિસિસ ગાંધી... એમની ભજન ગાવાની ઉંમરે કેબ્રે જોવા લઇ આવું છું એથી વધુ તો એમની પસંદનું શું કરી શકું?’ શ્યામાબહેન મર્માળંુ મલકી આગળ વધી ગયા. ‘મેં કંઇ ખોટું કહ્યંુ, સજ્જન?’ વિશાખાએ પતિને આંખ મારી. સજ્જન! ક્યારેક પોતાને રાજાજી કહી કદમબોસી કરનારી મને સાવ નોકરની જેમ સંબોધે? ઓહ, સજ્જન, ક્યાં સુધી આ ઝેરના ઘૂંટ પીતો રહીશ? જીભ કચડવામાં ઓછી મેડમ વિશાખાદેવીની પરમિશનની જરૂર છે? ‘શંુ થયંુ, કેબ્રે જોવા નથી જવું?’ શ્યામાબહેનના જતાં વિશાખાએ ઊભા થઇ પતિને લાકડી થમાવી, ‘સાચું કહેજો, નર્તકીના અંગમરોડ જોઇને તમને કેવું લાગે છે?’ જાગીરદારના ચહેરા પર લાચારી ઉપસી. વિશાખાદેવીની કીકીમાં અંગારો ચમક્યો, ‘તમારી આ જ વિવશતાએ આજે હંુ જે છું એવી મને બનાવી છે!’ કહી હાથનો ઝાટકો માર્યો, ‘હવે ચાલો!’ પત્નીને અનુસર્યા સિવાય સજજનસિંહનો છૂટકો ક્યાં હતો? (ક્રમશ:)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.