તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કવર સ્ટોરી:ડોક્ટરો પણ આવી લાચારી ભૂલી નહીં શકે

એષા દાદાવાળા11 દિવસ પહેલા
 • કૉપી લિંક

તેમણે કહ્યું અમને માફ કરી દો. અમારી પાસે બેડ નહોતા ત્યારે અમે જમીન પર બિસ્તર પાથરીને દર્દીને દાખલ કર્યા પણ અમે ઓક્સિજન બનાવી શકતા નથી એટલે હવે અમે લાચાર છીએ. શહેરીજનો અમને માફ કરે! સુરતમાં ઓક્સિજન ખૂટી ગયો, સરકારી હોસ્પિટલના દરવાજા દર્દીઓ માટે બંધ થઇ ગયા ત્યારે ડોક્ટરોએ બે હાથ જોડીને શહેરની માફી માંગી. શહેરભરમાં ઓક્સિજન ખૂટી ગયો હતો અને ડોક્ટર્સ છતે ઓક્સિજને તરફડી રહ્યા હતા. જીવવાની ઉમ્મીદ લઇ એમનાં દરવાજે ગયેલા સેંકડો પેશન્ટને એમણે પાછા વાળવા પડ્યા. ઓક્સિજન વિના તરફડતા પેશન્ટનાં શ્વાસનો પડઘો એમણે સ્ટેથેસ્કોપ પર તો ઝીલી લીધો પણ ન તો એ શ્વાસ આપી શક્યા કે ન તો તરફડાટને ઓછી કરી શક્યા. દરેક ફોનમાં ‘ના’ જ પાડવાની હતી તો પણ એમણે 200થી વધારે ફોન ઉંચક્યા. પેશન્ટ તપાસતાં તપાસતાં બીજી હોસ્પિટલોમાં બેડ શોધવાની મદદ પણ કરી. રેમડેસિવિર માટે એમણે પણ નંબરો ઘૂમાવ્યા. પ્લાઝમા પણ શોધી આપ્યા. આપણાં ઓછા થતા શ્વાસમાં જેટલા શ્વાસ ઉમેરી શકાય એ બધા જ શ્વાસ એમણે વીણી વીણીને શોધ્યા અને આપણી શ્વાસનળીમાં પરોવી આપ્યા. રેમડેસિવિર આપી દેતા હો તો? ડોલો કેમ ન આપી તમે? હમણાં તો ફેબી ફ્લુ નથી ચાલતી? ગૂગલ કરીને ગયેલા આપણે એમને સલાહો આપી માથા વિનાના સવાલો પણ પૂછ્યા. સેકંડ ઓપિનિયન લીધા પછી પણ ગલીનાં બે ત્રણ બની બેઠેલા ડોક્ટરો સાથે વાત કરાવી એમનું અપમાન પણ કર્યું છતાં એ લોકોએ એવું ન કહ્યું કે ‘જાતે જ સારવાર કરી લો!’ આપણે આપણી આંખ સામે એકાદી લાશ જોઇએ છીએ તો થરથરી ઊઠીએ છીએ. આ લોકોએ આંખ સામે ઢગલાબંધ માણસોને મરતા જોયા. એમને જીવતા રાખવાની કોશિશો કરી કોશિશ નાકામ થતા એમને સ્મશાન વૈરાગ્ય આવ્યો નહીં. વીસ કલાક-બાવીસ કલાક કામ કર્યા પછી ડિપ્રેશનમાં આવી ઘરે બેસી ગયા નહીં. પોતાની જ હોસ્પિટલમાં પોતાનાં જ સ્વજનો માટે જગ્યા ન કરી શક્યા ત્યારે પણ એમણે ચીસ પાડી નહીં. પોતાનાં જ સાસુ, કાકી, મામા, ફોઇ ગુજરી ગયા તો હોસ્પિટલમાં રજા પાડી નહીં. આપણો મૂડ સારો નથી હોતો તો ક્યારેક શાકમાં મીઠું વધારે પડી જાય છે. એમનો મૂડ સારો નહોતો અને છતાં ભૂલથી એક-બે ટીકડી વધારે આપી દીધી નહીં. એમની દીકરીએ પણ એવું કહેલું કે આજે ઘરે જલદી આવજો…પણ એ લોકો વહેલાં ઘરે ગયા નહીં. પરિવારનાં પ્રેશરમાં આવી વર્ક ફ્રોમ હોમ કરવાનું એમણે વિચાર્યું સુધ્ધાં નહીં. કામનાં સ્ટ્રેસ વચ્ચે ક્યારેક અકળાઇ ગયા તો આપણે ઉહાપોહ મચાવી દીધો. એમને ‘મારવા’ લીધા, પણ એમણે આપણને જીવાડ્યા. તમારા શહેરનો કોઇપણ ડોક્ટર તમને રસ્તે મળે તો બે હાથ જોડીને કહેજો થેન્ક યૂ! બેશક બધા ડોક્ટર એક જેવા નથી હોતા. કેટલાક ડોક્ટરોએ રેમડેસિવિરનાં કાળા બજાર કરી પોતાનાં ડોક્ટરપણાં પર ધબ્બો પણ લગાડ્યો. કેટલાકે પોઝિટિવ મહિલાઓની ડિલિવરી કરવાની ના પાડી દીધી પણ આવા પંદર-વીસ-પાંત્રીસ ડોક્ટરોને કારણે આખી ડોક્ટર જમાતને મહેણાં ન મારી શકાય. ડોક્ટર એ ડોક્ટર હોય છે. એ પાંચસો-છસો ગ્રામ શ્વાસને પડીકામાં પેક નથી કરી આપતો. એ હથોડીબાજ નથી. પાણીની પાઇપો અને લોહીની નળીઓ વચ્ચેનો ફરક આપણે સમજવો જોઇશે. પાણીના પાઇપનાં લીકેજની માફક લોહીની નળીઓનું રિપેરીંગ કામ નથી કરાતું. ડોક્ટરે દરજીની જેમ કાતર ચલાવવાની નથી હોતી. કાગળના એક નાના અમથા ટુકડા પર એણે જીવન લખી આપવાનું હોય છે અને એટલે જ એ બેપરવા થઇ શકતો નથી. બેપરવાઇ એને માફક આવતી નથી. તમે ક્યારેય પણ કોઇ ડોક્ટરને સી.પી.આર. આપતા જોયો છે? બંધ હૃદય સાથે એની સામે સૂતેલાં શરીરને ફરી હાલતું ચાલતું કરવા માટે એ ઘડિયાળની માઇક્રો સેકંડો સાથે હરીફાઇએ ચડે છે. એના હાથ સહેજ પણ ધ્રૂજતા નથી હોતા. ધબકારા સાંભળી કે પેટ દબાવી કે ઊંડા શ્વાસ લેવડાવી પોતાની હથેળીઓ વડે આંતરડાંની તકલીફો, છાતીમાં ભરાયેલાં પાણીને પકડી પાડતો આ ડોક્ટર લોહી જોઇને ડરી નથી જતો એટલું જ. બાકી આપણી જેમ એ પણ એક માણસ જ છે. આપણે હંમેશા એવું કહેતા હોઇએ છીએ કે ભગવાન પછીનું બીજું સ્થાન ડોક્ટરોનું છે. ભગવાન જીવન આપે છે. ડોક્ટર એ જીવનને સાજું સમું રાખે છે. આપણને એ ખબર નથી કે ભગવાન ક્યારેય લાચાર થયો હશે કે કેમ પણ અત્યારે ડોક્ટરો ચોક્કસ જ લાચાર છે અને આપણને કોઇને એમની પીડાનો અંદાજ સુધ્ધાં નથી. ઓપરેશન ટેબલ પર મરતા દરેક પેશન્ટની સાથે એ પણ થોડું થોડું મરતો જ હોય છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરી રહ્યો છે કે કોરોના જશે પછી બધા ડોક્ટરો ફોરેન ટૂર પર ઉપડી જશે. ઘણાં એવું પણ કહી રહ્યા છે કે કોરોનામાં ડોક્ટરોએ તિજોરીઓ ભરી લીધી. કેટલાક ડોક્ટરોએ એવું કર્યું હશે પણ જેમણે ખરેખર રોજનાં 22-23 કલાક કામ કર્યું છે, અડધી રાત્રે પણ પેશન્ટનાં ફોન ઊંચક્યા છે, પેશન્ટનો જીવ બચાવવા હથેળીઓ પર આકાશ લાવી મૂકી દીધું છે એ ડોક્ટરને એમની મહેનતનાં, એમનાં કલાકોનાં, એમનાં નોલેજનાં મૂલ્ય જેટલા પૈસા કમાવવાનો અધિકાર નથી? પૈસા લેતી વખતે આપણે જુદાં અને પૈસા ચૂકવતી વખતે આપણે જુદાં હોઇએ છીએ. મને ઘણીવાર એવો વિચાર આવે કે જે બાપ પોતાની દીકરીના કરિયાવરમાં સાસરિયાંને 15 લાખ આપી દે છે એ જ બાપ દીકરીનો જન્મ કરાવનાર ડોક્ટરને 15-20 હજાર આપતા ખચકાય છે કેમ? જે બાપ દીકરાને વિદેશ ભણાવવા માટે પચ્ચીસ-પચાસ લાખ કે એક કરોડ ખર્ચી નાખેછે એ જ બાપ દીકરાનું જીવન બચાવનાર ડોક્ટરનાં બિલ પર કકળાટ કેમ કરી મૂકે છે? જો તમે તમારી જિંદગીને મૂલ્યવાન માનતા હોવ તો તમારે એને બચાવવાની એટલી ફી ચૂકવવી પણ જોઇએ. કોરોનાની આ મહામારી વચ્ચેથી આપણે તો કદાચ વેક્સિન લઇને બહાર નીકળી જઇશું પણ ડોક્ટરો એમણે અનુભવેલી આ લાચારીને ક્યારેય નહીં ભૂલી શકે. ગમે એટલો સફળ થયેલો ડોક્ટર દરેક મરતા દર્દી સાથે નિષ્ફળ સાબિત થઇ જતો હોય છે. દર્દીને સારવાર ન આપી શકવાની લાચારી જેવી-તેવી નથી હોતી અને એટલે જ ડોક્ટરને નત મસ્તક થજો. dadawalaesha@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો