તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરીર પૂછે સવાલ:એબોર્શન પછી પ્રયાસ કરવા છતાં પણ ગર્ભ નથી રહેતો...

વનિતા વોરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારાં લગ્ન થયાં ત્યારે શરૂઆતમાં મને એક વાર ગર્ભ રહ્યો હતો, પણ એ વખતે મારા પતિએ સંતાનની ના કહેતાં મેં એબોર્શન કરાવી લીધું હતું. હવે ત્રણ વર્ષથી અમે સંતાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ છીએ, પણ મને ગર્ભ નથી રહેતો. શું કરવું? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : તમે એબોર્શનનો નિર્ણય ડોક્ટરની સલાહ લઇને કર્યો હશે. ઘણીવાર એબોર્શન પછી ઇન્ફેક્શનને કારણે આવી સ્થિતિ ઉભી થતી હોય છે. તમે ગાયનેકોલોજિસ્ટને બતાવી જરૂરી ટેસ્ટ કરાવો. શક્ય છે કે તે પછી દવા કરાવવાથી તમે ગર્ભ ધારણ કરી શકો. સ્ત્રીનું માસિકચક્ર ચાલુ થાય તે પછી એક-બે વર્ષથી લઇને માસિક જતું રહે (મેનોપોઝ) ત્યાં સુધી ગર્ભધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. સ્ત્રીની ગર્ભધારણ ક્ષમતા 35 વર્ષની વય પછી ઝડપથી ઘટવા માંડે છે. જોકે, હવે આધુનિક સારવારની મદદથી સ્ત્રી કોઇ પણ ઉંમરે માતા બની શકે છે; પરંતુ આ સારવાર ખૂબ ખર્ચાળ અને અટપટી છે અને એની અનેક શારીરિક અને સામાજિક આડઅસરો પણ છે. જે સ્ત્રીને માસિકસ્ત્રાવ નિયમિતપણે આવતો હોય તેને બે માસિક વચ્ચેના ભાગમાં લગભગ બારમા દિવસથી અઢારમા દિવસની વચ્ચેના કોઇ પણ દિવસે સ્ત્રીબીજ છૂટું પડતું હોય છે. સ્ત્રીબીજ છૂટું પડે પછી 24થી 36 કલાક સુધીમાં અનુકુળ સંજોગોમાં સ્ત્રીબીજ અને પુરુષબીજનું મિલન થઇ જાય તો ગર્ભધારણ શક્ય બને છે. એક સ્ત્રીબીજને ફલિત કરવું એ સહેલું કામ નથી. બધું જ નોર્મલ હોય તેમ છતાં ગર્ભધારણ ન થાય એવું બને છે. પતિ-પત્ની પૂરેપૂરાં નોર્મલ હોય તો ક્યારેક સુહાગરાતે જ પત્ની ગર્ભધારણ કરી બેસે છે અને ક્યારેક એ જ પતિ-પત્ની એક-દોઢ વર્ષ સુધી પણ એ બાળકમાં નિષ્ફળ જાય છે. ટૂંકમાં આખા મહિનામાં તમે દસ દિવસ સંબંધ બાંધશો તો પણ પ્રેગ્નન્સી ન રહે તેવું બને અને જો એક ચોક્કસ દિવસે માત્ર એક જ વાર સંબંધ બાંધવાથી પણ ગર્ભધારણ થઇ જાય એવું બને. કોઇ પણ કારણસર એક મહિનામાં સફળતા ન મળે તો બીજા મહિને કોશિશ કરવી જોઇએ. કુદરતી પ્રયત્નો પછી જો એક વર્ષ સુધી પ્રેગ્નન્સી ન રહે તો વંધ્યત્વની સારવાર કરાવવી જોઇએ. પ્રશ્ન : મને ઊઠતી-બેસતી વખતે સાંધામાંથી ટચાકા ફૂટતા હોય એવો અવાજ આવે છે. મને કોઇ મોટી બીમારી તો નહીં હોય ને? ઉત્તર : જો સાંધામાંથી ટચાકા ફૂટતા હોય અને સાથે સાથે સાંધામાં દુખાવો રહેતો હોય, સાંધાને કામ કરવામાં મુશ્કેલી પડતી હોય અથવા સોજો આવી જતો હોય તો તરત જ ડોક્ટરની સલાહ લો કેમ કે આ લક્ષણો સાંધાનાં આર્થ્રાઇટિસના હોઇ શકે છે. આ સિવાય ડિજનરેટિવ ડિસઓર્ડરને કારણે પણ આ સમસ્યા થઇ શકે છે. આ સમસ્યામાં અસરગ્રસ્ત અંગ કે ટિશ્યૂ સમય પસાર થવાની સાથે ખરાબ થતા જાય છે. ક્યારેક આ અવાજ હાડકાં એકબીજા સાથે અથડાવાને કારણે પણ થાય છે. જો તેની સાથે દુખાવો પણ થતો હોય તો ડોક્ટરને બતાવો. સામાન્ય રીતે તો આ અવાજ ક્યારેક જ આવતો હોય છે અને એ માટે કોઇ પ્રકારની સારવાર કરવાની જરૂર નથી પડતી. એનાથી બચવા માટે વજન નિયંત્રણમાં રાખો જેથી સાંધા પર વધારે વજન ન આવે. સાંધા અને સ્નાયુઓ મજબૂત અને સક્રિય રહે તે માટે કસરત કરો. પ્રશ્ન : હાલમાં મેં એક વર્ષના બ્રેક પછી જિમ જવાનું શરૂ કર્યું છે પણ પહેલા અઠવાડિયામાં જ શરીરમાં દુખાવો થવા લાગ્યો. મેં એની અવગણના કરીને જિમ જવાનું ચાલુ જ રાખ્યું તો કમરનો સ્નાયુ ખેંચાઇ ગયો અને ડોક્ટરે મને બેડરેસ્ટ આપ્યો. આવું કેમ થયું હશે? એક યુવક (સુરત) ઉત્તર : તમારી સમસ્યાનું મુખ્ય કારણ એ છે કે તમે વોર્મઅપ એક્સરસાઇઝથી શરૂ કરવાને બદલે સીધું જિમિંગ શરૂ કરી દીધું. એકાએક એક્સરસાઇઝ ચાલુ કરવાથી પેઇન, લિગામેન્ટ અને જોઇન્ટના ઇશ્યુઝ આવી રહ્યા છે. એક વર્ષ પહેલાં તમે ભલે જિમમાં એક્ટિવ હો પણ છેલ્લા એક વર્ષથી તમારી પ્રેક્ટિસ નથી રહી. તમારા સ્નાયુઓ તમારું વજન ઉપાડી શકે એટલી એનામાં શક્તિ ન હોય અથવા તો એક્સરસાઇઝની ટેક્નિક ખોટી હોય ત્યારે આવી સમસ્યા ઉભી થાય છે. તમે થોડા દિવસ નોર્મલ કાર્ડિયો કે ફંક્શનલ ટ્રેઇનિંગ સાથે એક અઠવાડિયું વિતાવ્યું હોત અને પછી જિમ શરૂ કર્યું હોત તો વાંધો ન આવત. હાલમાં તમે દવા સાથે ફિઝિયોથેરપી શરૂ કરો. એ પતે પછી ઘરે ફિઝિયો એક્સરસાઇઝ કરી સ્નાયુની મજબૂતી વધારો. િમ ફરી શરૂ કરો ત્યારે ઇન્સ્ટ્રક્ટર વગર એક્સરસાઇઝ ન કરશો. પ્રશ્ન : મારી વય 45 વર્ષની છે અને લગ્નને 15 વર્ષ થઇ ગયાં છે. અમને બંનેને ફિઝિકલ સંબંધોમાં વિવિધ પ્રયોગો કરવા ગમે છે. હાલમાં મારા એક મિત્રએ સલાહ આપી છે કે સ્પ્રે વાપરીને સંબંધનો સમયગાળો વધારી શકાય છે. શું એ પ્રયોગ હું કરું તો મને વધારે સારો અનુભવ મળી શકે છે? મને આની આદત પડી જાય એવું તો નહીં થાયને? એક પુરુષ (વડોદરા) જવાબ : જો તમને શીઘ્રસ્ખલનની સમસ્યા ન હોય તો તમારે એ માટેની દવાઓ શું કામ વાપરવી છે? દવાઓ હંમેશાં એવા સંજોગોમાં વાપરવી જોઈએ જ્યારે તમારું શરીર કુદરતી રીતે સાથ આપી શકે એમ ન હોય. શીઘ્રસ્ખલન માટેના સ્પ્રે કે જેલી લગાવવાથી ચરમસીમા લંબાય છે, પણ એક વાત સમજવી જરૂરી છે કે એમાં ખરેખર ઉત્તેજના વધારવાના કોઈ જ ગુણ નથી. હકીકતમાં એનાથી સંવેદના બુઠ્ઠી થઈ જાય છે. સંવેદના ઘટવાને કારણે સમાગમ લાંબો ચાલ્યો હોવા છતાં આનંદ નથી વધતો. હકીકતમાં તમે જે આનંદ મેળવવા આ ચીજો વાપરવા પ્રેરાયા છો એ આનંદ ચીજોના વપરાશ પછી મળવાનો નથી.

અન્ય સમાચારો પણ છે...