તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેરેન્ટિંગ:બીજાં બાળકના જન્મ પહેલાંં સજ્જ કરો મોટા સંતાનને

મમતા મહેતા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજા સંતાનના જન્મ બાદ નાનાં પર વધારે ધ્યાન આપવામાં આવે છે અને મોટા સંતાનને આ ન ગમે તે સ્વાભાવિક છે

બીજી વાર સંતાન જન્મ લેવાનું હોય ત્યારે માતા તો પોતાની રીતે એના સ્વાગતની તૈયારી કરે છે, પણ તેના લીધે પહેલાં સંતાનનાં મનમાં ચિંતા ઉત્પન્ન ન થવી જોઇએ. અત્યાર સુધી પોતે જ ઘરમાં હોવાથી બધું મહત્ત્વ અને લાડકોડ એને મળ્યા છે, પણ ઘરમાં નાનાં ભાઇ કે બહેન આવે ત્યારે તેમાં ભાગ પડશે. કોઇ પણ બાળક ગમે તેટલા ઉદાર મન અને મળતાવડા સ્વભાવનું કેમ ન હોય, પણ પોતાના માતા-પિતાના સ્નેહમાં ભાગ પડે તે એને ગમતું નથી. આથી મોટા સંતાનને પણ માનસિક રીતે તૈયાર કરવું પણ એટલું જ જરૂરી છે. માનસિક રીતે કરો તૈયાર જ્યારે તમને ખ્યાલ આવે કે ઘરમાં બીજું બાળક આવવાનું છે, ત્યારથી જ મોટા સંતાનને એ માનસિક રીતે તૈયાર કરો. બીજા સંતાનના જન્મ બાદ નાનાં પર વધારે ધ્યાન આપવામાં આવે છે અને મોટા સંતાનને આ ન ગમે તે સ્વાભાવિક છે. આથી બાળકને નાનાં ભાઇ કે બહેન આવવાનાં છે એ અંગે વાત કરી માનસિક રીતે તૈયાર કરો. એમને હોસ્પિટલ જવા અંગે જણાવો અને સમજાવો કે નાનું બેબી રડશે તો એને છાનાં રાખવાની જવાબદારી એની છે. એવામાં મોટું સંતાન પોતાની જવાબદારી સમજીને પોતે હવે મોટો થયો હોવાનું માનશે. જવાબદારી આપો માતાની પહેલી જવાબદારી એ છે કે એ મોટા સંતાનના મનમાં રહેલા તમામ ભ્રમ દૂર કરી એને નવી વાતો શીખવે. જેમ કે એણે પોતાનાં નાના ભાઇ કે બહેન સાથે કેવી રીતે વર્તવાનું છે? કઇ રીતે તેમની સાથે એ રમી શકે છે? એથી બાળક પોતાના આવનારા નાનાં ભાઇ કે બહેન પ્રત્યે પોતાની જવાબદારી સમજતાં શીખશે. એને ખ્યાલ આવશે કે નાનાં ભાઇ કે બહેનનાં આગમનથી એના પ્રત્યેના સ્નેહ કે લાડમાં ઘટાડો નહીં થાય બલકે એને વધારે મહત્ત્વ મળશે અને આ વિચારે એ પણ પોતાની નવી જવાબદારી સંભાળવા માટે ઉત્સાહિત રહેશે. બાળકની લાગણી જાણો નવજાતના જન્મ પહેલાં મોટા સંતાનના મનમાં શું ચાલે છે તે પણ જાણો. એ નાના સંતાન માટે શું વિચારે છે, તે પૂછો. જેમ કે, નાના ભાઇ કે બહેન આવશે તો તું શું કરીશ? એને તારી સાથે રમાડીશ? એને ચોકલેટ આપીશ? વગેરે. આનાથી તમને બાળકની લાગણીનો ખ્યાલ આવશે. જો એવું લાગે કે એ નેગેટિવ ફીલિંગ ધરાવે છે તો આ ફીલિંગ બદલવાનો પ્રયાસ કરવો જોઇએ. જો બાળક અસલામતિ અનુભવતું હોય તો એનામાં લક્ષણો જોવા મળશે. જો બાળક શિશુને મારે, માતાને ફિડિંગ ન કરાવવા દે, માતા-પિતા શિશુને તેડે તો ગુસ્સે થઇ જાય, તમને નજરથી દૂર ન જવા દે, મોટા બાળકને ભુખ ન લાગે અથવા સ્કૂલમાંથી વર્તણૂકને લગતી ફરિયાદો આવવા લાગે તો સમજી જવું જોઇએ કે શિશુનાં આગમન પછી મોટું બાળક અસલામતિની ભાવનાથી પીડાઇ રહ્યું છે અને તેના પર થોડું વધારે ધ્યાન આપવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...