તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વુમનોલોજી:સમાન વેતનની ચર્ચા બની જરૂરી

મેઘા જોશી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારી બાદ વૈશ્વિક સ્તરે આવેલ આર્થિક મંદીમાં પુરુષ કરતા વધુ સ્ત્રીઓની નોકરી ગઈ અથવા તો પગારમાં કામ મૂકાયો

‘ફિલ્મના મુખ્ય નાયક કરતા એક રૂપિયો વધુ નહીં લઉં કે એક રૂપિયો ઓછો નહીં લઉ...’ આ એક નિર્ણય જો અકબંધ રહે તો ભારતીય સિનેમામાં નવો ઇતિહાસ લખાશે. યસ...બોલિવૂડમાં જેમની પ્રેમ કહાની ધક ધક કરે છે એ રણવીર અને દીપિકાની જોડી ‘બૈજુ બાવરા’માં તૂટી જશે. ઇતિહાસનાં રોમાંચક પ્રકરણને લઈને ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ જેવી ફિલ્મ બનાવનાર સંજય લીલા ભણસાલીએ આ પ્રેમી કપલને ‘બૈજુ બાવરા’ માટે પણ આમંત્રણ આપેલું. પોતાના ઇન્ટરવ્યૂમાં દીપિકા આ ફિલ્મમાંથી નીકળી જવા માટે સમાન વેતનનું કારણ આપ્યું છે. આ પહેલાં પણ દીપિકા અભિનેતા અને અભિનેત્રીના આર્થિક ચાર્જ માટે મીડિયા સામે વાત કરી છે. હીરો અને હિરોઈનના પ્રોફેશનલ ચાર્જ વચ્ચેનો તફાવત તો પહેલેથી જ છે અને સહજપણે તેની સ્વીકૃતિ પણ થઇ. ધારો કે હીરોને આઠ કરોડ મળતા હોય અને એ જ ફિલ્મની હિરોઈનને સાડા છ કરોડ મળતા હોય તો તે દોઢ કરોડના તફાવત માટે રડવા-લડવા કરતા પોતાના સાડા છ કરોડ અને લોકચાહના મેળવીને સંતુષ્ટ થઇ જાય છે પણ આપણી મસ્તાનીએ તો ‘બૈજુ બાવરા’ જેવી હાથમાં આવી ગયેલી ફિલ્મ સરી જાય એની પણ દરકાર નથી કરી અને જેના પ્રેમમાં ઓતપ્રોત છે એવા જીવન સાથી માટે પણ જતું નથી કર્યું. કટ ટુ મુંગીબહેન .. લગભગ 56 વર્ષ પહેલાં એક મોટા શૈક્ષણિક સંકુલનું નિર્માણ થતું હતું. ગામેગામથી આવેલા મજૂરોમાં એક મુંગીબહેન નામની સ્ત્રી તેના પતિ અને બે નાના બાળકો સાથે આવેલી. એ વખતે ઊંચા મકાનોમાં પાણી છાંટવા માટે પુરુષોને સ્ત્રીના પ્રમાણમાં વધુ રોજમદારી મળે. મુંગીબહેનના પતિ રોગને કારણે નબળા પડી ગયેલા આથી મહેનત મજૂરી કરી શકતા ન હતા. મુકાદમને વિનંતી કરીને મુંગીબહેને પુરુષોની લાઈનમાં ઉભા રહીને પતિના બદલે ડોલ ભરીને સીડી ચડે જેથી છેલ્લે તેને સ્ત્રીઓની દાડીને બદલે પુરુષની રોજમદારી મળે. આ કહાની માત્ર અમદાવાદના મૂંગીબહેનની ન હતી બીજી એવી હજારો મહિલા કામદારોની હતી અને છે જેમને સમાન કામ હોવા છત્તાં સમાન વેતન હજી આજે પણ મળ્યું નથી. અલબત્ત ભારતમાં દરેક સરકારી અને સરકારી અનુદાનિત નોકરીમાં વેતનનો સમાન અધિકાર મળે છે પરંતુ લાભ મેળવનાર કુલ મહિલાની સરખામણીમાં અન્યાયનો ભોગ બનનાર મહિલાની સંખ્યા વચ્ચેનો તફાવત ખાસ્સો મોટો છે. કટ ટુ થેરેસા મલકેઇલ ... અમેરિકાના સોશિયાલિસ્ટ પાર્ટી દ્વારા સ્રીના સમાન અધિકાર માટે વિશેષ મહિલા દિવસનું સૂચન મહિલા એક્ટિવિસ્ટ અને શિક્ષણ શાસ્ત્રી થેરેસાએ આપ્યું. 1911માં 19મી માર્ચે પહેલીવાર વિધિવત મહિલાદિનની શરૂઆત થઇ જેમાં ડેન્માર્ક,જર્મની અને ઓસ્ટ્રિયામાંથી હજારો લોકો જોડાયા. નોકરીમાં લૈંગિક ભેદભાવ, વોટ આપવાનો મૂળભૂત અધિકાર અને જાહેર ઓફિસમાં સ્ત્રીઓને વ્યવસાયની તક મળે તે ચર્ચાના મુખ્ય મુદ્દા હતા. હવે આજની વાત... કોરોના મહામારી બાદ વૈશ્વિક સ્તરે આવેલ આર્થિક મંદીમાં પુરુષ કરતાં વધુ સ્ત્રીઓની નોકરી ગઈ. આજે પણ ઉચ્ચ હોદ્દા પર અને જેમાં સાહજિક રીતે જ ‘તગડો’ આર્થિક લાભ હોય એવી જગ્યાએ જૂજ સ્ત્રીઓ જોવા મળશે. બોલિવૂડની બોલકી દીપિકાએ સમાન અધિકાર માંગ્યો છે, વર્ષો પહેલા મૂંગીબહેને મૂંગા મોઢે પતિની જવાબદારી ઉપાડી છે...પરંતુ આ કોઈ એક-બે સ્ત્રીનો અંગત મામલો નથી, સમાજ અને રાષ્ટ્રની સમસ્યા છે જેનો કાયમી ઉપાય જરૂરી છે. પ્રશ્ન કરશો તો જવાબ મળશે, સહન કરશો તો માત્ર તમારી આદત બનશે. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...