લઘુનવલ:‘ઇનફ, ભાભી... દરેક વાતમાં વાંકું જોવાની પણ એક મર્યાદા હોય!’

16 દિવસ પહેલાલેખક: કિન્નરી શ્રોફ
  • કૉપી લિંક

પ્રકરણ : 2 આસિતાભાભીનો ફોન! વૈદેહીએ હોઠ કરડ્યો. ભાઇના લગ્નના પાંચમાં જ મહિને, બળેવના બે દિવસ અગાઉ ભાભીનું માનસ અને ભાઇનો પલટો સમજાયા પછી પણ વૈદેહી જોકે માબાપની ચડામણીથી દૂર રહેલી. એને સ્વભાવગત માવતરના વહાલનો ખપ હતો, વારસાનો નહીં. આસિતાને સાસુ-સસરા વહાલ વરસાવે એનો વાંધો જ ક્યાં હતો, જ્યાં સુધી એમાં વહેવાર ન ભળે! ‘વહુ, આ તારી પહેલી દિવાળી. જો, તારા માટે હીરાનો હાર લેવાનો છે, તંુ ને હાર્દિક જઇને તારી પસંદનો હાર લેતા આવજો. જોડે વૈદેહીને ય લઇ જજો, એ ય એની પસંદનું કંઇક લઇ લેશે. દિવાળીની બોણી તો એને પણ હોય જ ને.’ નવરાત્રિ દરમિયાન માએ ભાભીને કહેતા સામેથી રિસ્પોન્સ વૈદેહીએ ધારેલો એવો જ આવ્યો, ‘વૈદેહીને બળેવ પર તો હાર્દિકે સોનાની ચેન આપી.’ સાંભળીને માના ભવા તંગ બને એ પહેલાં ભાભીએ મલકીને ઉમેરેલંુ, ‘મારો મતલબ, મમ્મીજી... જ્વેલરીમાં આજની છોકરીઓને શું રસ પડે! તમને વાંધો ન હોય તો વૈદેહીની ગિફ્ટ હું સિલેક્ટ કરું? એકદમ મોડર્ન એજ ગર્લને અનુરૂપ.’ ભોળી બિચારી મારી મા એવંુ માનીને હરખાઇ કે ભાભીને નણંદનો કેટલો ખ્યાલ છે! સામે ચતુર ભાભીએ માને વિચાર પણ ન આવે એ રીતે નણંદને થતા વહેવારનો હવાલો લઇ લીધો! શાણા એવા કે ગિફ્ટના નામે શેર, મ્યુચ્યુઅલ ફંડની ખરીદી કરે, માબાપને સમજાવવાની એમની રીત પણ ન્યારી: કપડાં-દાગીના તો બહુ હોય, દીકરીને ખરેખર તો આર્થિક રીતે પગભર કરવાની હોય. હાલ આ બધંુ હાર્દિકના ડીમેટ અકાઉન્ટમાં નાખ્યંુ છે, નાહક નવા અકાઉન્ટસ બનાવી ભાડુ શીદ ચૂકવવું! કાગળમાં મંે એન્ટ્રી મારી દીધી છે કે આજની તારીખમાં આટલું રોકાણ થયંુ એ વૈદેહીનંુ ગણવંુ...’ મા વહુની ડાયરી જોઇ સંતોષ પામે, પણ પપ્પા દલીલ કરી બેસે, ‘શું વાત કરે છે, વહુ! ડીમેટમાં ય લાઇફટાઇમ ફ્રીની ઑફર્સ આવતી હોય છે અને ભાડું આપવાનંુ હોય તો આપવાનું, આમ પણ વૈદેહી હવે અઢારની થતાં એનંુ ખાતુ ખોલાવાનું જ છે. એના પૈસા હાર્દિકના નામે રાખવાનો શું અર્થ!’ ‘અર્થ-અનર્થ તમે હાર્દિકને જ પૂછી લેજોને પપ્પા, મંે તો એમના કહ્યા મુજબ કર્યુ.’ વાહ, કેવી ચબરાકીથી ભાભીએ મને નિમિત્ત ઠેરવી બાપ-દીકરાને સામસામે ઉભા કરી દીધા! પત્નીની ચાવીએ ચાલતા મોટાભાઇ પપ્પાને ગમે એમ બોલી બેઠા તો વાતનું વતેસર થઇ જવાનું... ‘તમને તો વૈદેહી જ વ્હાલી છે’ કહી ભાઇએ ઘરથી અલગ થવાનો પ્રસ્તાવ મૂકી દીધો તો... વૈદેહી ધ્રુજી ગયેલી. પતિની ભંભેરણી કરતી સ્ત્રીનંુ અંતિમ ધ્યેય તો સાસરિયાંથી છૂટાં થવાનું જ હોય છેને! એ હું નહીં થવા દઉ! અને વૈદેહી પપ્પાને કહેતી, ‘પૈસા મારા નામે હોય કે ભાઇના નામે, શું ફેર પડે છે! ભાભી આટલો પરફેક્ટ હિસાબ રાખે છે, ભાઇને મારા માટે ક્યાં-શું રોકાણ કરવું એ સમજાવે છે એ જ પૂરતું છે...’ પરિણામે વાત આગળ વધતી નહીં. વૈદેહી ઠરેલ-ઠાવકી તો હતી જ, સંસારને સુખમય રાખવાના ડુઝ એન્ડ ડોન્ટ્સ આપોઆપ આવડતા ગયા. બીજો ફાયદો એ પણ થયો કે વૈદેહીની જરૂરિયાતો સિમિત થતી ગઇ. કોલેજમાં આવ્યા પછી પપ્પા પર્સનલ કાર લેવાનું કહે કે બિઝનેસમાં દીકરીના નામે કશુંક મૂડીરોકાણ કરવા માગે તો એ ભાભીનું વિચારી ટાળી જતી- શહેરના ટ્રાફિકમાં નવી કારથી ક્યા વધારો કરવો! અને વેપારમાં મને ગતાગમ ન પડે, મને તો એમાંથી બહાર જ રાખજો! ક્યારેક વાર તહેવારે આખી ફેમિલી બેઠી હોય ને જૂના દિવસોની સ્મૃતિ ઉઘડે ત્યારે હાર્દિકભાઇ અસલની જેમ વ્હાલા લાગવા માંડે ને એક તબક્કે આસિતાના બગાસાં શરૂ થઇ જાય...સોરી, હું બહુ થાકી ગઇ છું, ગુડનાઇટ! હાર્દિક, તમતમારે બેસો. કેટલા વખતે આવી નિરાંત મળી છે!’ વૈદેહીના દિમાગમાં ત્યારની ટિકટિક શરૂ થઇ જાય કે આ તો પોતાની ઇમેજ જાળવવા ભાભી બોલ્યા, એમની ખરી ચાલ તો હવે આવશે! અને ખરેખર, રૂમ તરફ જતી આસિતા પગ સાચે જ મોચકાયો હોય એવી ચીસ પાડે ને ભાઇ સીધા એની સેવામાં! ભાભી કેમ આવા છે! ના, એમનાં પેરન્ટ્સની શીખ-સોચ આવી હોય એવું પણ નથી. મે બી, આસિતા જોઇન્ટ ફેમિલીમાં રહી નથી, એટલે શેરિંગનું મૂલ્ય સમજતી નથી, પોતાનું ધાર્યુ કરવાની એને આદત હોય એ સહજ છે. પાછી પોતે ક્યાંય ઊઘાડી ન પડે એ રીતે વર્તવાની એને સૂઝ પણ છે! આખા પ્રસંગમાં વૈદેહી માટે રાહતરૂપ હોય તો એટલું જ કે ઊંડે-ઊંડે ભાઇમાં હજુ ય મારો એ વીરો વસે છે ખરો! ક્યારેક વૈદેહીને એવંુ પણ થતંુ કે ભાભીના ખોટાં મૂલ્યો બદલ મારે ભાઇને સમજાવવો-ચેતવવો ન જોઇએ? મા-પિતાજીને સાવધ ન કરવા જોઇએ? ક્યાંક મારી ચૂપકી ભવિષ્યમાં એમને જ ભારે ન પડે! પછી થતું, હંુ કદાચ બરાબર વાત મૂકી ન શકંુ તો ભાભીને ફાવતુ મળી જશે! મારે તો એટલી જ નિસ્બત હોવી જોઇએ કે ભાઇ-ભાભી એ મા-પિતાના માન-સન્માનમાં ચૂકે નહીં! ખેર, વૈદેહી કોલેજના ત્રીજા વરસમા આવી એ જ અરસામાં ભાભીની પ્રેગ્નન્સીના ખબરે ઉલ્લાસ સર્જાયેલો. બધું ભૂલી વૈદેહીએ આસિતાની સંભાળ રાખેલી. ભાભીને ભાવતાં ભોજન બનાવામાં એ રસોઇમાં કેળવાતી ગઇ. યોગના ક્લાસિસમાં એ જ ભાભીને લઇ જતી. બીજું કોઇ હોત તો અભિભૂત થાત... ના, આસિતા સાસુ-સસરા સમક્ષ વૈદેહીને વખાણે ખરી, પણ એકાંતમાં પતિને તો ફરિયાદ જ કરતી હોય: તમારી બહેનને રસોઇના પ્રયોગ માટે હું જ મળી! આમ મારી સાથે યોગામાં આવે ને આખો વખત મોબાઇલ પર સાહેલીઓ સાથે ગપાટતી હોય, બોલો! એ તો હું છું કે તમારા માબાપને આ બધું કહેતી નથી ને નણંદને વખાણતી હોઉં છંુ... ભાઇ અંજાય ને વૈદેહીને થાય, બાળકમાં ભાભીના અવળા સંસ્કાર ન ઘૂંટાય તો સારું! પૂરા મહિને જન્મેલો છોટે હાર્દિક ગોળમટોળ હતો. ફોઇ તરીકે એનુ નામ પાડવાનો હક વૈદેહીનો ગણાય, પણ એણે સૂચવેલા નામ આસિતાને ગમવાના હતા જ નહીં. છેવટે નામ તો આસિતાની મરજીનું નામ યશવીર જ પડ્યું. ભત્રીજો જોકે ફોઇનો હેવાયો હતો. ડીલિવરીનો આરામ પતાવી આસિતા સાસરે પાછી ફર્યા પછી ફોઇ-ભત્રીજાનંુ બોન્ડિંગ જામ્યંુ. એવંુ ય બન્યંુ કે વૈદેહી હાલરડું ન ગાય ત્યાં સુધી બાબલો ઊંઘે નહી! મા કદી આનો હરખ વાગોળે ત્યારે આસિતા બોલી જાય કે એ તો નાની બહેન માટે ભાઇએ પણ ઓછા ઉજાગરા વેઠ્યા હતા? બધંુ અરસપરસ છે, મમ્મી! વહુ તરફેણમાં જ બોલતી હશે એવંુ માની મા ય રાજી થતી, બિચારી! એ જ અરસામાં ત્રણ માસની ટ્રેનિંગનો યોગ આવ્યો. વૈદેહીનું ચાલત તો પપ્પાની ફેક્ટરીએ જ જાત, પણ ભાભીને એ નહીં ગમે એમ માની કોલેજ તરફથી ‘શારદા રસાયણ’માં ગોઠવાયું એ સ્વીકારી લીધુ. ત્યાં જ અજિંક્ય મળ્યા.. ‘શારદા રસાયણ’ વિવિધ કેમિકલ્સ બનાવતું વિશાળ સંકુલ હતુ. આશરે ચૌદ જેટલા પ્લાન્ટ્સ, રિસર્ચ લેબોરેટરી, એડમિન ઓફિસ... બાજુમાં જ વહેતી તાપી નદી. ગામને અડીને આવેલા કોલોની કેમ્પસમાં સહેજે દોઢસો જેટલા કર્મચારીઓ રહેતા હશે. અજિંક્ય ત્યારે કંપનીના કી પ્લાન્ટના નવથી છની જનરલ પાળીના ઇન્ચાર્જ હતા. વૈદેહીને મહત્તમ કામ એની સાથે રહેતુ. મૂલ્યોમાં માનનારા, વિષય નિષ્ણાત અને સર્વાંગ સુંદર જુવાન પ્રત્યે આકર્ષિત થવંુ સ્વાભાવિક હતું. અજિંક્ય પણ ક્યાં વૈદેહીની મોહિનીથી મુક્ત રહી શક્યો! છતાં એના પગ ધરતી પર હતા, ‘વૈદેહી, આકર્ષણને પ્રેમનું નામ દેતા પહેલાં દરેકે આગામી જિંદગીના લેખાજોખા કરી લેવા ઘટે. તું શ્રીમંત પિતાની પુત્રી, મારું ખોરડુ સામાન્ય. ઈડરના ગામમાં થોડીઘણી ખેતી, ને એક માળનું જૂનંુ મકાન...એ જ મારી મૂડી. તને રાણીની જેમ રાખીશ, પણ મને રાજા બનતા સમય લાગશે, એને માટે તારા પિતાની મદદ લેવાનું મારા એથિક્સમાં નથી, તું એને માટે ક્યારેય આગ્રહ નહીં કરે...’ અજ્જુ હજુ આટલું બોલે છે ત્યાં વૈદેહીએ એનો ગાલ ચૂમી લીધેલો અને કહ્યું મારા પતિમાં મને આટલું જ જોઇએ, બોલો, હવે કંઇ કહેવંુ છે! અજિંક્ય ખીલી ઉઠેલો. પછી બેઉ પક્ષે ઘરમાં વાત મૂકી. પાત્રને જોઇ-મળી માવતર રાજી થયા. ‘અમારે આવતા અઠવાડિયે ચારધામની યાત્રાનુ બુકિંગ છે... આવતા જ સગપણ લઇશું અને વૈદેહીની કોલેજ પતે કે લગ્ન.’ મારા મમ્મી-પપ્પાના મારા લગ્નના અરમાન અધૂરા જ રહ્યા... વૈદેહીનો નિશ્વાસ સરી ગયો. કેદારનાથમાં એમની તબિયત બગડી છતાં દર્શને જવા નીકળેલા પપ્પા-મમ્મી મંદિરના પ્રાંગણમા જ ઢળી પડ્યા. એ મૃત્યુ પણ કેવંુ અલૌકિક! અજિંક્ય સતત વૈદેહીની સાથે રહેલો. ક્રિયાપાણી પતતા સુધીમાં આસિતાને શ્વસુરના વિલની જ ધાસ્તી રહેલી, પણ કિસ્મતે પપ્પાને ચેતવવાનો મોકો જ ક્યા અપ્યો કે વિલનું સૂઝે! અલબત્ત, વૈદેહીને એની પરવાહ પણ નહોતી, વહાલથી ભીંજવનારા માબાપ જ ન રહ્યા પછી એમની મિલકતને શંુ કરવી છે! સાસુ-સસરાની વરસી વળતા જ ભાભીએ નણંદને પરણાવી વિદા કરવામાં સુખ જોયંુ! ‘તમને કહી દઉં છંુ, મા-બાપ ગયા. હવે બહેન પર વરસવાની જરૂર નથી! સમાજમાં કહી દેવાનંુ કે અમારે તો કુંવરીની જેમ બેનને પરણાવવી હતી, પણ મા-પિતાજી હજુ હમણાં જ દેવલોક પામ્યા હોય ત્યારે ધામધૂમ સારી ન લાગે! અરે, એના સાટામાં બેનને ફિક્સ કરાવી દીધી એવંુ પણ કહેશો તો કોઇ તમારી પાસે એનુ સર્ટિફિકેટ માગવા નથી માગવાનુ!’ ભાભી ભાઇને આવી પટ્ટી પઢાવે ત્યાં સુધી ઠીક, પણ પછી એ થનારા જમાઇ બાબત પતિની ભંભેરણી કરે કે અજિંક્ય પણ તમારી બેન જેવો છે, દેખાડો કરવામા ઉસ્તાદ! પપ્પા-મમ્મીની વિધિમાં વૈદેહીનંુ ધ્યાન રાખવાને બહાને સમાજની નજરે ચડી ગયો. સાધારણ ઘરનો છોકરો સસરાનો પૈસો નજરમાં રાખીને નણંદબાનો વહાલેશરી બન્યો હશે... એનાથી તમે તો છેટું જ રાખજો.’ અને વૈદેહીનો આપો તૂટ્યો હતો...ઇનફ, ભાભી. વાંકુ જોવાની પણ એક મર્યાદા હોય. આજે વરસોથી તમને ભાઇને ચડાવતા જોઉ છુ, તમારા મલાવા શું મને નહીં સમજાતા હોય! મારે કંકાસ જોઇતો નહોતો એટલે ચૂપ રહી, પણ તમને તો એનોય ગણ નહીં!’ વૈદેહીના આવેશથી વધુ એ પોતાનુ માનસ જાણે છે એના આઘાતે આસિતા અવાચક બનેલી. હાર્દિક સમસમી ગયેલો. ‘મને કે અજ્જુને તમારો રૂપિયો નથી જોઇતો, પણ હા, તમે ઘરના જમાઇના માનપાનમાં ચૂક્યા કે એના સ્વમાનને ઠેસ પહોંચાડવા જેવું કર્યુ તો મારાથી બૂરી કોઇ નહીં હોય!’ સાંભળીને હેબતાયેલી આસિતાની મુખાકૃતિનંુ સ્મરણ અત્યારે પણ વૈદેહીને ખીલવી ગયું. તેને ભૂતકાળની બધી જ વાતો એક ક્ષણમાં યાદ આવી ગઇ. એ જ મૂડમાં એણે કોલ રીસિવ કર્યો: બોલો, ભાભીશ્રી. (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...