રસથાળ:લગ્નની તૈયારીની ભાગદોડમાં ઊર્જા આપતી વાનગીઓ

2 મહિનો પહેલાલેખક: રિયા રાણા
  • કૉપી લિંક

લગ્નનો દિવસ આવી જાય ત્યાં સુધી દરરોજ કંઈકને કંઈક કામ ચાલતા જ રહેતા હોય છે. આવા સમયે ડબ્બામાં કોઈ ઇઝી ટૂ ઈટ ફૂડ હોય તો બહારનું ફૂડ ખાવાથી બચી શકાય

દાળ ચીલ્લા

સામગ્રી અડદની દાળ-પા કપ, મગની દાળ-પોણો કપ, ચોખા-અડધો કપ, આદુ-નાનો ટુકડો, લીલાં મરચાં-4 નંગ, છીણેલું ગાજર-પા કપ, છીણેલું બટાકું-1 નંગ, છીણેલી ડુંગળી-1 નંગ, ઝીણું સમારેલું કેપ્સિકમ-4 ચમચી, હળદર-પા ચમચી, ગરમ મસાલો-1 ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, છીણેલું પનીર-પા કપ, સમારેલી કોથમીર-3 ચમચી, ચાટ મસાલો-જરૂર મુજબ, તેલ-શેકવા માટે

રીત : દાળ અને ચોખાને સારી રીતે ધોઈ 4-5 કલાક પલાળો. ત્યારબાદ પાણી નિતારી આદું-મરચાં સાથે મુલાયમ પીસી લો. હવે તેમાં દરેક મસાલા અને શાક ઉમેરીને બરાબર મિક્સ કરી ઉત્તપમના ખીરા જેવું ખીરું બનાવી લો. નોનસ્ટિક તવો ગરમ કરી તેમાં તૈયાર મિશ્રણને પાથરી લો. જરૂર મુજબ તેલ રેડી ધીમા તાપે 2-3 મિનિટ સુધી ઢાંકીને પકાવો. એ પછી પલટાવીને બીજી સાઈડ પણ એ રીતે પકાવો. ચડી જાય એટલે ઉપર છીણેલું પનીર અને કોથમીર અને ચાટ મસાલો ભભરાવી ગરમાગરમ દાળ ચીલ્લા ગ્રીન ચટણી અથવા કેચપ સાથે સર્વ કરો.

ફ્રૂટ રાયતું

સામગ્રી : ઘટ્ટ દહીં-1 કપ, સફરજનના ટુકડા-પા કપ, સમારેલું કેળું-પા કપ, દાડમ દાણા-2 ચમચી, સમારેલી કિવી-4 ચમચી, સમારેલી દ્રાક્ષ-4થી 5 નંગ, સંચળ-સ્વાદ મુજબ, મધ-2 ચમચી, બૂરું ખાંડ-1 ચમચી, શેકેલું જીરું-અડધી ચમચી, મરી પાઉડર-પા ચમચી

રીત : એક કાચના બાઉલમાં ઘટ્ટ દહીં લો. તેમાં દરેક સમારેલાં ફળો ઉમેરો. તમારી પસંદગી મુજબ અન્ય ફળ ઉમેરી શકાય અથવા આમાંથી દૂર પણ કરી શકાય. મધથી આ રાયતાનો સ્વાદ ખૂબ સરસ આવે છે. તેથી ફળો ઉમેર્યા બાદ મધ અને બૂરું ખાંડ ઉમેરવી. હવે તેમાં જીરું પાઉડર, મરી પાઉડર અને સંચળ પાઉડર મિક્સ કરો. બરોબર મિક્સ કરી એક કલાક માટે ફ્રિજમાં ઠંડું થવા દો. કામની ભાગદોડ વચ્ચે આવું રાયતું તમને તાજગી આપશે.

બનાના સ્મૂધી

સામગ્રી : કેળાં-2 નંગ, દહીં-4 ચમચી, ઠંડું દૂધ-1 કપ, મધ-2 ચમચી, તજ પાઉડર-ચપટી, સમારેલાં મિક્સ ડ્રાયફ્રૂટ-2 ચમચી, પમકીન સીડ્સ-1 ચમચી, સનફ્લાવર સીડ્સ-1

રીત : સૌપ્રથમ કેળાંની છાલ કાઢી અને ગોળ સમારી લેવા. એક મિક્સર જારમાં બધી સામગ્રી ઉમેરી ક્રશ કરી લેવું. પીસ કરી લેવા. મિક્સર જારમાં બધી સામગ્રી ઉમેરી બ્લેન્ડ કરી લેવું. એકદમ સ્મૂધ બ્લેન્ડ નથી કરવાનું. થોડું ખાવામાં ક્રન્ચી લાગે એવું રાખવાનું છે. આ સ્મૂધી તમને ટમી ફુલની ફીલિંગ પણ આપશે અને તાકાત પણ આપશે.

પનીર રોટી રોલ સામગ્રી પનીર-અડધો કપ, સમારેલું લાલ, લીલું, પીળું કેપ્સિકમ-પા કપ, સમારેલી કોબીજ-પા કપ, લાંબી સમારેલી ડુંગળી-1 નંગ, બારીક સમારેલું લસણ-3 કળી, મીઠું-સ્વાદ અનુસાર, ગરમ મસાલો-પા ચમચી, ચીઝ-2 ક્યુબ, ગ્રીન ચટણી-2 ચમચી, બટર-શેકવા માટે, ચીલી ફ્લેક્સ-1 ચમચી, મરી પાઉડર-અડધી ચમચી, ઓરેગાનો-1 ચમચી, તેલ-1 ચમચી, ઘઉંના લોટની રોટલી-4 નંગ

રીત ઘઉંના લોટમાંથી રોટલી વણી અને કાચી પાકી શેકી તૈયાર કરી લેવી. હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં સમારેલી ડુંગળી, કેપ્સિકમ , લસણ અને કોબીજ સાંતળો. થોડી સમારેલી કોબીજ અલગ બાઉલમાં સાઈડમાં રહેવા દેવી, જેનો પછી ઉપયોગ કરીશું. શાક થોડું સંતળાય એટલે પનીર ક્યુબ્સ અને બધા મસાલા ઉમેરી મિક્સ કરો. પનીર પર મસાલાનો સારી રીતે કોટ થઈ જાય એટલે ગેસ બંધ કરી સ્ટફિંગને ઠંડું થવા દો. હવે તૈયાર કરેલી રોટલીની એક સાઈડ શેકી લો. શેકેલી સાઈડ પાર સૌપ્રથમ ગ્રીન ચટણી લગાવો. વચ્ચે અગાઉ સાઈડમાં રાખેલી કોબીજ મૂકો. તેના પર તૈયાર કરેલું સ્ટફિંગ મૂકવું. છીણેલું ચીઝ ભભરાવી રોલને બંને બાજુએ વાળીને પેક કરી દો. નોનસ્ટિક તવામાં બટર વડે રોટી રોલને શેકો. શોપિંગ વખતે ડબ્બામાં આ રોલને સાથે પેક કરીને લઈ જાઓ.

સ્પ્રાઉટ્સ સલાડ બાઉલ

સામગ્રી ફણગાવેલા મગ-1 કપ, દેશી બાફેલા ચણા-પા કપ, હળદળ-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ચાટ મસાલો-અડધી ચમચી, આમચૂર પાઉડર-અડધી ચમચી, મરી પાઉડર-પા ચમચી, ટામેટું-1 નંગ, કાકડી-1 નંગ, બીટ-નાનો ટુકડો, ગાજર-1 નંગ, ઓલિવ ઓઇલ-1 ચમચી, સમારેલી પાલકની ભાજી-પા કપ, સમારેલી કોથમીર-પા કપ, દાડમ દાણા-પા કપ

રીત એક કડાઈમાં તેલ મૂકી એમાં ફણગાવેલા મગ અને પાલક ઉમેરો. સ્વાદ મુજબ મીઠું તથા હળદર નાખી સહેજ જ ચડવા દો. થોડું કાચું-પાકું જ રાખવું. નીચે ઉતારી ઠંડું પડવા દો. હવે કાકડી, ટામેટાં તથા બીટને ઝીણા સમારવા. ગાજરને પણ ઝીણા સમારો. હવે ઠંડાં પડી ગયેલા મગ-પાલકમાં બાફેલા ચણા, કાકડી, ગાજર, ટામેટાં, દાડમ દાણા તથા બીટ ઉમેરો. કોથમીર પણ ઉમેરો. સ્વાદ મુજબ મીઠું,ચાટ મસાલો, આમચૂર પાઉડર તથા મરી પાઉડર ઉમેરી બરાબર હલાવી લો. સ્વાદિષ્ટ અને હેલ્ધી સ્પ્રાઉટ્સ સલાડ બાઉલ પેટ ભરીને ખાઓ.

ગાજર-ખજૂરનો હલવો સામગ્રી ગાજરની છીણ-અડધો કિલો, ખજૂરના નાના ટુકડા-1 કપ, માવો-100 ગ્રામ, કાજુ ટુકડા-4 ચમચી, બદામ ટુકડા-4 ચમચી, પિસ્તા કતરણ-2 ચમચી, કાળી દ્રાક્ષ-2 ચમચી, ઘી-2 ચમચી, દૂધ-દોઢ કપ, કેસર તાંતણા-7થી 8 નંગ, ઈલાયચી પાઉડર-1 ચમચી

રીત : સૌ પ્રથમ કડાઈમાં ઘી લઈ તેમાં બધા ડ્રાયફ્રૂટ શેકી લો. હવે તેમાં ગાજરની છીણ ઉમેરી તેને 4થી 5 મિનિટ સુધી શેકો. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી 3-4 મિનિટ પકાવો. હવે તેમાં ખજૂરના ટુકડા ઉમેરી, ઢાંકી 10થી 12 મિનિટ સુધી થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. તળિયે ચોંટે નહીં તેનું ધ્યાન રાખવું. હવે તેમાં માવો, કેસર તથા ઈલાયચી પાઉડર ઉમેરી લો. ખજૂરના ટુકડાને ચમચા વડે થોડાં દબાવી લેવા જેથી એકરસ થઈ જાય. ગેસ બંધ કરી શેકેલા ડ્રાયફ્રૂટ ઉમેરો. આ હલવો ગરમગરમ કે પછી ઠંડો પણ સરસ લાગે છે

અન્ય સમાચારો પણ છે...