રસથાળ:ટી પાર્ટી અને ગેટ ટુ ગેધરની શાન વધારતી વાનગીઓ

એક મહિનો પહેલાલેખક: બિંદિયા ભોજક
  • કૉપી લિંક
  • મિત્રો સાથે હાઈ-ટી પાર્ટી હોય કે પછી નાના બાળકોની બર્થડે પાર્ટી હોય કે પછી ફેમિલી ગેટ ટુ ગેધર હોય. કૂકીઝ અને કપ કેક બધાને પસંદ આવે જ છે

અનન્યાને પસંદ છે કપ કેક અને કૂકીઝ

અભિનેત્રી અનન્યા પાંડે પાર્ટી પર્સન છે પરંતુ તેને હોમ પાર્ટ્ટી કરવી અને મિત્રો સાથે બેસીને હાઈ-ટી માણવી ખૂબ પસંદ છે.
કપ કેક
સામગ્રી : મેંદો-1 કપ, દહીં-અડધો કપ, બુરું ખાંડ-અડધો કપ, બટર-પા કપ, બેકિંગ પાઉડર-1 ચમચી, બેકિંગ સોડા-અડધી ચમચી, દૂધ-અડધો કપ

આઇસિંગ માટે: વ્હીપ ક્રીમ-1 કપ, સ્ટ્રોબેરી એસેન્સ-3થી 4 ટીપાં, સ્ટ્રોબેરી ક્રશ-2 ચમચી, પિંક કલર-ચપટી રીત : એક બાઉલમાં દહીં, દળેલી ખાંડ અને બટર લો. મિશ્રણને વ્હીસ્કર વડે ફેટી લો. હવે તેમાં મેંદો, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડાને ચાળીને ઉમેરો. જરૂર પડે તેમ દૂધ ઉમેરી સારી રીતે હલાવી મિશ્રણ તૈયાર કરો. હવે ઓવનને પ્રીહિટ કરી કપ કેકને 12થી 15 મિનિટ માટે બેક થવા મૂકો. એક બાઉલમાં વ્હીપ ક્રીમ લો અને તેને બીટર વડે બીટ કરો. ત્યારબાદ તેમાં સ્ટ્રોબેરી એસેન્સ અને ફૂડ કલર ઉમેરો. સારી રીતે બીટ કરો એટલે ઘટ્ટ પિંક ક્રીમ તૈયાર થશે. તેને પાઈપિંગ બેગમાં ભરી લો. હવે કપ કેક ઠંડી થઈ ગઈ હશે તેને વચ્ચેથી સ્કૂપ કરી તેમાં અંદર સ્ટ્રોબેરી ક્રશ ભરો. તેના ઉપર આઈસિંગ કરી ફ્રિજમાં સેટ થવા મૂકી દો. ઠંડી થાય એટલે સ્વાદિષ્ટ સ્ટ્રોબેરી કપ કેકની મજા માણો.

ઓટમીલ કપ કેક
સામગ્રી : ઘઉંનો જાડો લોટ-1 કપ, બુરું ખાંડ-1 કપ, રાગી લોટ-1 કપ, પાકેલા કેળા-2 નંગ, માખણ-1 કપ, દૂધ-2 ચમચી, બેકિંગ સોડા-પા ચમચી, બેકિંગ પાઉડર-પા ચમચી

રીત ઃ એક બાઉલમાં માખણ, બુરું ખાંડ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર ઉમેરીને દસ મિનિટ માટે ફીણો. મિક્સર જારમાં કેળા અને દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. તેને માખણવાળા મિશ્રણમાં ઉમેરી લો. હવે તેમાં બંને લોટ અને ઓટ્સ ઉમેરો. 10 મિનિટ સુધી હલાવતા રહો. તૈયાર કરેલા મિશ્રણને કપ કેક મોલ્ડમાં રેડી બેક કરવા મૂકો. બેક થઇ જાય એટલે ઠંડી થવા મૂકી દો. બેક થઈ જાય એટલે કપ કેક ઠંડી પડ્યા પછી મનપસંદ આઇસિંગ કરો.

ચોકો લાવા કેક
સામગ્રી
મેંદો-1 કપ, બટર-50 ગ્રામ, મિલ્કમેડ-2 ચમચી, વેનિલા એસેન્સ-2 ટીપા, ખાંડ-પા કપ, કોકો પાઉડર-3 ચમચી, બેકિંગ પાઉડર-પા ચમચી, બેકિંગ સોડા-ચપટી, ડાર્ક ચોકલેટ-જરૂર મુજબ

રીત : એક બાઉલમાં મેંદો, કોકો પાઉડર, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર અને ખાંડ મિક્સ કરો અને બે વખત ચાળી લો. અન્ય એક બાઉલમાં બટર ઓગાળી લો. તેમાં મિલ્કમેડ અને વેનિલા એસેન્સ મિક્સ કરો. હવે આ મિશ્રણમાં ધીરે ધીરે મેંદાવાળી સામગ્રી સારી રીતે મિક્સ કરતા જાઓ. કપ કેક મોલ્ડને ગ્રીસ કરી લો. મોલ્ડમાં તૈયાર કરેલું મિશ્રણ થોડું ઉમેરો. તેમાં ડાર્ક ચોકલેટના ટુકડા ઉમેરો. તેની ઉપર ફરી થોડું મિશ્રણ ઉમેરો. ઓવનને પ્રીહીટ કરી 180 ડીગ્રી પર 12 મિનિટ સુધી બેક કરો. તૈયાર છે ચોકો લાવા કપ કેક.

ડાલગોના કપ કેક
સામગ્રી :
મેંદો-1 કપ, દહીં-અડધો કપ, બુરું ખાંડ-પોણો કપ, બટર-પા કપ, બેકિંગ પાઉડર-અડધી ચમચી, બેકિંગ સોડા-પા ચમચી, કોફી પાઉડર-1 ચમચી, કોકો પાઉડર-2 ચમચી, વેનીલા એસેન્સ-પા ચમચી, દૂધ-પા કપ
ડાલગોના બનાવવા માટે: કોફી પાઉડર-1 ચમચી, બુરું ખાંડ-પા કપ, નવસેકું પાણી-2 ચમચી
અન્ય સામગ્રી: વ્હીપ ક્રીમ, નટેલા

રીત : સૌ પ્રથમ કપ કેક માટેની દરેક સામગ્રી ભેગી એક પહોળા બાઉલમાં મિક્સ કરી બેટર બનાવી લેવું. પ્રીહિટ ઓવનમાં 180 ડિગ્રી પર 20 મિનિટ માટે બેક કરવી. વચ્ચે ટૂથપીક વડે ચેક કરતા રહેવું. ડાલગોના બનાવવા માટે કોફી પાઉડર, બુરું ખાંડ અને પાણી મિક્સ કરી બીટરથી એકદમ ક્રિમી થાય ત્યાં સુધી બીટ કરતા રહેવું. હવે તેની અંદર વ્હીપક્રીમ મિક્સ કરવી. હવે ઠંડી થયેલી કપ કેકમાં નાના સ્કૂપર વડે મધ્યમાં જગ્યા કરી તેમાં નટેલા ફિલ કરી તેની ઉપર તૈયાર કરેલું ડાલગોના આઇસિંગ કરી ફ્રિજમાં સેટ થવા મૂકો.

જિંજર બ્રેડ કૂકીઝ

સામગ્રી : મેંદો-1 કપ, બટર-પા કપ, બુરું ખાંડ-પા કપ, મધ-પા કપ, બેકિંગ પાઉડર-અડધી ચમચી, બેકિંગ સોડા-પા ચમચી, સૂંઠ પાઉડર-અડધી ચમચી, તજ પાઉડર-અડધી ચમચી, જાયફળ પાઉડર-પા ચમચી આઇસિંગ માટે: આઇસિંગ સુગર-1 કપ, કોર્નફ્લોર-1 ચમચી, લીંબુનો રસ-અડધી ચમચી, દૂધ-2 ચમચી, ફૂડ કલર-રેડ અને ગ્રીન રીત : એક બાઉલમાં બટર અને ખાંડ લઇ વ્હીસ્કર વડે બીટ કરો. હવે તેમાં મધ તથા બાકીની ડ્રાય સામગ્રી ઉમેરી લોટ બાંધો. જરૂર પડે તો એક ચમચી દૂધ ઉમેરી શકાય. બાંધેલા લોટનો મધ્યમ જાડો રોટલો વણી લેવો. મનપસંદ આકારમાં કૂકીઝ કટ કરી લો. 140 ડિગ્રી પ્રીહિટેડ ઓવનમાં 15 મિનિટ માટે બેક કરો. એક બાઉલમાં આઇસિગ માટેની સામગ્રી મિક્સ કરી તેના ત્રણ ભાગ પાડો. એક ભાગમાં લાલ, બીજામાં લીલો કલર એડ કરો. ત્રીજો ભાગ એમ જ રાખો. ત્રણેયને આઇસિંગ કોનમાં ભરી લો. તૈયાર થયેલી કૂકીઝમાં મનપસંદ ડિઝાઇન બનાવો. કૂકીઝ ઉપર આઇસિંગ સેટ થવા માટે તેને ફ્રિજમાં બે કલાક માટે મૂકો.

ચોકલેટ ચિપ્સ કૂકીઝ

સામગ્રી :
મેંદો-દોઢ કપ, બ્રાઉન સુગર-1 કપ, બુરું ખાંડ-અડધો કપ, મિલ્ક પાઉડર-અડધો કપ, બટર-100 ગ્રામ, વેનિલા એસેન્સ-1 ચમચી, બેકિંગ પાઉડર-1 ચમચી, ચોકલેટ ચિપ્સ-1 ચમચી, ઠંડું દૂધ-4 ચમચી

રીત ઃ સૌપ્રથમ એક બાઉલમાં રૂમ ટેમ્પરેચર પર રાખેલું બટર લો. એમાં બ્રાઉન સુગર, બુરું ખાંડ અને વેનિલા એસેન્સ ઉમેરો. તેને બરાબર મિક્સ કરી લો. હવે મેંદો અને બેકિંગ પાઉડરને તેમાં ધીમે ધીમે ઉમેરતા જાઓ. જોઈતા પ્રમાણમાં ચોકલેટ ચિપ્સ ઉમેરી લો. ઠંડું દૂધ ઉમેરી મુલાયમ લોટ બાંધો. ઓવનને દસ મિનિટ માટે 160 ડિગ્રી ઉપર પ્રીહિટ કરવા મૂકી દો. એક બટર પેપરને ઓવનની પ્લેટમાં પાથરી દો. લોટમાંથી હળવા હાથે કૂકીઝ વણો. 15 મિનિટ માટે બેક થવા મૂકી દો. બેક થઈ ગયા બાદ ઠંડી થવા દો. શરૂઆતમાં નરમ લાગશે પણ દસ મિનિટ પછી કૂકીઝ કડક થઇ જશે. આ કૂકીઝ તમારા મિત્રો સાથે સાંજની ટી-પાર્ટીમાં તથા નાસ્તામાં બાળકોને પણ સર્વ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...