મૂડ એન્ડ માઇન્ડ:લાગણીનો ઓવરડોઝ

ડો. સ્પંદન ઠાકર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

‘શું કાશ ઓફિસમાંથી ઘરે જવા નીકળ્યો અને ટીનાનો ફોન આવ્યો. ક્યાં છે? ક્યારે આવે છે? આ રોજિંદો ક્રમ હતો કે જેવો ઓફિસ ટાઇમ પતે એટલે ટીનાનો ફોન આવી જ જાય. બસ હવે નીકળ્યો છું...20 મિનિટમાં આવું છે એમ કહીને આકાશે બાઇકને કીક મારી. રસ્તામાં બાઇકમાં પેટ્રોલ પતી ગયું. અડધા કલાક જેવો સમય એમાં ગયો. આકાશ જેવો ઘરે પહોંચ્યો કે ટીના અકળાઇ ગઇ. ક્યાં હતાં? 15 મિનિટની 48 મિનિટ કેમ થઇ? ફોન પર તો કીધું હતું ઓફિસથી નીકળ્યા. આ પ્રકારના અસંખ્ય પ્રશ્નોનો મારો ચલાવી દીધો. ઘણું એક્સપ્લેનેશન આપવા છતાં તે દિવસે તો ટીના માની જ નહીં. બીજા દિવસે સવારે સરસ મજાનો નાસ્તો બનાવ્યો, આકાશને ઉઠાડ્યો અને જાણે કંઇ જ બન્યું ન હોય એમ વાતો કરી. એકપણ પ્રશ્ન રાતની ઘટના વિશે પૂછ્યો જ નહીં. આ પ્રકારની ઘટના પ્રથમ વાર ન હતી. અગાઉ વારંવાર એવું થતું કે આકાશની ઉપર અચાનક કોલ આવે અને ઘણીબધી અપડેટ્સ પૂછાય. સાચા જવાબ આપવા છતાં કોઇ વાત પર ટીના અકળાઇ જાય અને ત્યારબાદ કશું જ બન્યું ન હોય એમ ભૂલી જાય. આના લીધે આકાશ હંમેશાં ડરમાં રહેવા લાગ્યો. જ્યાં જાય ત્યાં આજુબાજુની બધી ઇવેન્ટ્સના ફોટોઝ લઇ રાખે. જતા પહેલાં મિત્રોનાં ઘરનું, જગ્યાનું લોકેશન શેર કરતો રહે. વચ્ચે વચ્ચે પણ ફોન મેસેજ કરતો રહે અને ઘણીવાર તો પ્લાન ટીના જોડે જ બનાવે નહીં તો ટીના ન આવી શકે તો જાય જ નહીં. ક્યાંક ક્યાંક કોઇવાર વાતવાતમાં ટીનાના ગુસ્સાનો ભોગ બની જ જાય અને સાંભળવું પડે. આ પ્રકારના વિચારોની વર્તણૂકને ‘ડિલ્યુઝન ઓફ ઇનફિડાલિટી’ એટલે કે પાર્ટનર કોઇક રીતે વિશ્વાસઘાત કરી રહ્યો છે તેવો ભ્રમણા રોગ કહેવાય છે. આ પ્રકારના વિચારો પાછળ ભૂતકાળમાં થયેલા ટ્રસ્ટ ઇશ્યૂઝ અને લાગણીશીલ સ્વભાવ કામ કરતો હોય છે, પરંતુ હકીકતમાં ઓવરપઝેસીવનેસ એટલે કે પાર્ટનર માટેનો વધુ પડતો લગાવ જવાબદાર છે. ઘણી બધી વાર જે વ્યક્તિ પોતાના પાર્ટનર પર ડિપેન્ડન્ટ હોય છે તેને મનમાં ભય રહે છે કે મારો હસબન્ડ મને છોડીને જતો રહેશે તો મારું શું થશે? તેના વગર મારા જીવનમાં બીજું કશું જ બાકી નહીં રહે કે તેના વગર જીવવું શક્ય જ નથી. વધુ પડતા લગાવને લીધે વાતવાતમાં શંકા કરવી, વહેમ કરવો, કંઇક થઇ જશે કે કોઇ બીજી સ્ત્રી તેને ફસાવી લેશે તો? જેવા વિચારો આવવા...આ પ્રકારની વર્તણૂકની સાથે સાથે સ્ત્રી પોતે પણ પોતાના દેખાવ માટે ઓવર કોન્શિયસ થઇ જાય છે જેથી હસબંડને તેના માટે લગાવ રહે. પહેલાં પોતે આ બધા વિચારોથી હેરાન થાય અને પછી વિચારોનાં સમાધાન માટે આ રીતે વારંવાર કોલ કરવા કે ચેકિંગ કરવું જેવી વર્તણૂક કરતી રહે છે. આ કેસમાં કપલ કાઉન્સેલિંગ બાદ વાઇફ અને હસબંડ બંનેને બેસાડીને વાતચીત કરવાથી બંને જણા માટે આ કાઉન્સલિંગ મહત્ત્વનું સાબિત થાય છે. મૂડમંત્ર : વધારે સુગર મધુપ્રમેહ કરી શકે અને વધારે મીઠું હાઇપરટેન્શન...આ રીતે રીતે જ વધારે પડતો પ્રેમ (પ્રેમનો અતિરેક) મનોસ્થિતિની મૂંઝવણ પેદા કરી શકે છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...