હળવાશ:‘પરફેક્ટ મેચિંગ માટે કાં તો બધું ખૂણાદાર હોવું જોવે, કાં તો પછી ગોળાકાર!’

12 દિવસ પહેલાલેખક: જિગીષા ત્રિવેદી
  • કૉપી લિંક

ખરેખર હોં યાર... અમુક વખતે તો એમ થાય કે આવું કેમ હોતું હસે?’ કલાકાકીએ ઉપાડ કર્યો. ‘તે એવું તો જગતમાં કેટલું ય જેમતેમ હોય જ છે ને... એ તો હોય હવે... એમ કંઇ આપડે કહીએ એમ તો બધું ના જ હોય !’ હંસામાસીએ ફિલોસોફી ફટકારી. ‘એવું નઇ... માર કેઆન્ ભાઆર્થ એમ છે, કે અમુક વખતે આપડાને એમ થાય, કેવી ફાંટાબાજ કુદરત !’ કલાકાકીએ એમની ગેરસમજણ દૂર કરી. મને થયું, કે એવો તે કયો સજીવ હશે જેનું એવું વિચિત્ર બંધારણ હશે કે જે જોઈને એમને કુદરત ફાંટાબાજ લાગી. જાણવા માટે થઈને ફરજિયાત બેઠી હું. કેટલુંય વિચારી નાખ્યું... કુદરતને ફાંટાબાજ ગણાવી શકાય એવા કેટલાય અનુમાનો લગાવવા માંડી મનમાં ને મનમાં. ‘સાલું... અમુક સેટિંગ ના હોય, ત્યારે ઘણી વાર મને બી એવું થાય હો... કે આ વળી કેવું?’ સવિતાકાકીએ ઢાળમાં ગાડી હાંકી... ‘એવું નથી યાર... એવું હોવા પાછળ બી કોઈ સાયન્સ હોતું હસે... એમનેમ કસુ બી ના હોય.’ હંસામાસીને વાત સમજાઈ નથી એવું સાબિત ના થાય એટલે એમણે વગર કારણે વિજ્ઞાન વચ્ચે નાખ્યું... ‘કુદરતને ને સાયન્સને સુ લેવા દેવા હોય યાર? કંઇક તો હમજીને બોલો યાર.’ કલાકાકી ખીજાયા બરાબરના. ‘તમે ય સુ હંસાબહેન, કુદરત હોય ને બહેન, એમાં કસુ બી સાયન્સ ના હોય, કે કસુ બી લોજિક ના હોય... અને એટલે જ એને કુદરત કહેવાય...’ કંકુ ટીચરે વિદ્યાર્થીઓને સમજાવી દીધું. ‘એવું નઇ યાર... હું સાદી કુદરતની નઇ, પણ ફાંટાબાજ કુદરતની વાત કરું છું... માર કેઆન્ ભાઆર્થ એમ છે, કે અમુક અમુક તો કુદરતે હાવેય મેચિંગ વગરના માણસો બનાયા છે.’ કલાકાકીએ સામે દલીલ કરી. ‘લો બોલો... આમાં તમે સુ નવું કીધું? એમ જોવા જાવ ને, તો આખી દુનિયાના હશબંડ-વાઇફ ફાંટાબાજ કુદરતમાં જ આઇ જાય.’ સવિતાકાકી બોલ્યા... ‘મેં બનાયા છે કીધું... હાંભળો જરી... પૈણાયા છે એમ નઇ કીધું. માર કેઆન્ ભાઆર્થ કેમ તમે લોકા નઇ હમજતા યાર?’ કલાકાકી તાડૂકયા. ‘એમ નઇ... એ એમ કહેવા માગે છે કોકમાં રૂપ હોય તો મગજ ના હોય... ને કોકમાં વળી મગજ હોય તો રૂપ ના હોય. હાચુ ને કલાબહેન?’ લીનાબહેને પોતાની સમજણ સ્પષ્ટ કરીને પછી એમની સામે ડોકું કરીને કલાકાકીની મંજૂરી લીધી. ‘તે પણ એક જ લારી વાળા પાંહે હાણસી ચીપિયા ય એક હરખા નઇ હોતા, તે માણાની તો વાત જ ક્યાંથી થાય યાર... હા, ચીનાઓની વાત જુદી છે... એ લોકો તો માણાની બી જેરોક્સ કોપીઓ જ બનાવે છે... બધાય ચૂંચાંવનાં એકહરખા જ બીબા જોવા મળે તમને. આમ છતાં પણ એમને નો પોંચાય ને એમના વાદે ય નો ચડાય... અને બીજું મેઇન તો એ કે કાયદેસર તો એવું કાર્બન કોપી નો જ હારુ લાગે... ’ સવિતાકાકીએ માણસ બાબતે મેચિંગની પળોજણમાં ના પડવું જોઈએ એમ સચોટ ઉદાહરણ સાથે સમજાવ્યું. ‘અરે ભઇ... હું એવું નઇ કહેતી... એવું હોય એમાં ફાંટાબાજ કુદરત ના કે’વાય.’ કલાકાકી કંટાળીને બોલ્યા. એટલે હંસામાસી ય ખીજાયા પછી તો... એટલે એમણે ય બરાડા પાડીને કીધું, ‘અમે જે બી ઓપસનો આલીએ છીએ, એમાં તો તમે શહમત જ નહીં, તો કહેવા સુ માંગો છો?’ મને ય વળી સ્વભાવગત છુંછી કરવાનું મન થયું, તે કલેરિટી કરી, ‘એટલે... હંસામાસીના કેઆન ભાઆર્થ એમ છે, કે તમાર કહેવાન્ ભાઆર્થ શું છે? એમ. ’ ત્યાં તો આઇ બન્યું... તૂટી પડ્યા..., ‘તું તો રહેવા જ દેજે બોલવાનું... તું ય એમાંની જ એક છે... તારે ય કોઈ મેચિંગ નથી. રત્તીભાર ય મોઢા-પગનું મેચિંગ નથી આને... ને મારી મજાક ઉડાડે છે.’ હું તો આ સાંભળીને આઘાતમાં જ સરી ગઈ... પહેલાં તો મેચિંગ શું હોય પગ-મોઢાનું? અને એ છે કે નઇ એ જાણવાનું કેવી રીતે? અને ના હોય તો શું કરવાનું? આપડાથી જ થાય, કે ડૉક્ટરને પૂછવાનું? અને ડૉક્ટરને જ પૂછવાનું, તો શું પૂછવાનું? મારું મગજ પ્રશ્નોથી ભરાઈ ગયું... એ જ જાણવાનું હતું... એટલે આંખો પહોળી કરીને ઊભી રહી બાઘાની જેમ... ત્યાં તો એમણે ફાંટાબાજ કુદરત વિશે એમનો કહેવાનો જે ભયંકર ભાવાર્થ હતો એ વિષે ઘટસ્ફોટ કર્યો ‘તારું મોઢું ત્રિકોણ, ને અંગુઠો લંબગોળ અને એમાં બી આંગળીયુના નખ તો વળી શંકુ આકારના. ક્યાંય ભાળ્યું છે આવું? હજી ય મોઢું ચોરસ હોત, તો વળી બધું થોડું ઘણું બી મેચ થાત કે ચારેય દીસામાં એક એક કોર્નર તો પડત... ક્યાં તો પછી અંગુઠો લંબચોરસ હોવો જોતો’તો. આંગળિયુંના નખ તો પછી કૃત્રિમ મળે છે, એ નખાઈ દેત. એક જ નિયમ છે આ પરફેક્ટ મેચિંગનો... કાં તો બધું ખૂણાદાર હોવું જોવે, કાં તો પછી ગોળાકાર. હવે તું એક કામ કર, તું કાયમી ધોરણે મોંઢે લીસટીપ અને પગમાં નેપાલોલીસ કરવાનું રાખ... એને જ એટલા હાઇલાઇટ કર, કે બીજાનું ધ્યાન આકાર તરફ જાય જ નઇ... હમજી...! જો કે આવું મેચિંગ બધાંયને હોય ને, તો પછી લીસટીપો વારાનો કે નેપલોલીસ વારાનો ધંધો જ બંધ થઈ જાય.’ એમનું વક્તવ્ય પત્યું એટલે બધાય મારી સામે એવી રીતે જોવા માંડ્યા કે જાણે મારા માથે શિંગડા ઊગ્યા હોય ને પગ બગલા જેવા હોય. હું કારણ વગર મોળી પડી ગઈ બોલો... ને નીચી મુંડી કરીને ઘરભેગી થઈ ગઈ... પણ ત્યારથી એક (કુ)ટેવ પડી ગઈ છે... કોઈને પણ જોઉ, એટલે એમનું મોઢું જોતાં વેંત પગ મેચ થાય છે કે નઇ એ જોવાઈ જ જાય છે.

અન્ય સમાચારો પણ છે...