તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકબીજાને ગમતાં રહીએ:શિક્ષણ એટલે... શિસ્ત, ક્ષમા અને શાણપણ

15 દિવસ પહેલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
  • કૉપી લિંક
  • સારા માર્ક લાવવા કે આગળ વધવા માટે સંતાનને ઈન્સ્પાયર કરવું એ સરસ વાત છે, જરૂરી પણ છે...પરંતુ પ્રેરણા અને પ્રતાડના વચ્ચે ફેર છે. આના કારણે બાળક ભારે માનસિક ત્રાસનો ભોગ બનતું હોય છે

છેલ્લા નવ મહિનાથી શાળાઓ બંધ છે. સરકારે જાહેરાત કરી છે, પરંતુ હજી એ વિશે નિશ્ચિતતાથી કશું કહી શકાય એમ નથી ત્યારે માતા-પિતાની ચિંતા સહજ અને સ્વાભાવિક છે. લગભગ એક આખું વર્ષ બાળકો ઘરે બેઠા છે. કેટલીક શાળાઓએ ઓનલાઈન શિક્ષણ આપ્યું પરંતુ એનો કેવો અને કેટલો ફાયદો થયો છે એ તો માતા-પિતા જ કહી શકે! ‘ભણ,નહીં તો નાપાસ થઈશ... આખું વર્ષ બગડશે તારું...’ આવું કેટલાંય માતા-પિતાએ કેટલાંય બાળકોને કેટલીયે વાર કહ્યું હશે! ખોટી જન્મતારીખ લખાવીને બાળકનું વર્ષ બચાવે કે પછી બારમા ધોરણમાં એના અમુક ટકા આવવા જ જોઈએ એવું વિચારીને ઘરમાંથી ટીવીની ચેનલ કઢાવી નાખે, મહેમાનોની અવર-જવર બંધ કરી દે અને પોતે પણ બહાર ન જાય, ટયૂશનમાં લાખો રૂપિયા ખર્ચે અને એ બધું કર્યા પછી પણ જો ‘એમણે ધારેલા ટકા’ ન આવે તો માતા-પિતાને આઘાત લાગે છે. કેટલાંક માતા-પિતા નાપાસ થયેલા કે ઓછા ટકા સાથે પાસ થયેલા બાળકોને એટલો માનસિક ત્રાસ આપે છે કે કાચી વયનું સંતાન આપઘાત કરી બેસે છે. વિશ્વના અનેક દેશોમાં વધુ સારું શિક્ષણ અને વધુ સગવડ ઉપલબ્ધ છે. અહીંથી વિદ્યાર્થીઓ ભણવા વિદેશ જાય છે કારણ કે આપણે એમ માનીએ છીએ કે વિદેશમાં વધુ સારું શિક્ષણ મળી શકશે. એ વધુ સારા શિક્ષણના જગતમાં હરીફાઈ છે પરંતુ ત્યાં સ્વસ્થ હરીફાઈ છે અને સરખામણી નથી. આપણે સરખામણી કરીને સંતાનની સતામણી કરીએ છીએ. સારા માર્ક લાવવા કે આગળ વધવા માટે સંતાનને ઈન્સ્પાયર કરવું એ સરસ વાત છે, જરૂરી પણ છે...પરંતુ પ્રેરણા અને પ્રતાડના વચ્ચે ફેર છે. કાચા માનસ ઉપર ટકા અને માર્કના નામે ત્રાસ ગુજારવાથી એનું ભવિષ્ય સુધરી જશે એવું માનનારા માતા-પિતા પોતે જ પોતાના બાળકના ભવિષ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. કોરોનાકાળમાં દસ મહિના સુધી બાળકો સ્કૂલે નથી ગયા. દસમા-બારમાના વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે હજી કોઈ નિશ્ચિત આગાહી થઈ શકે તેમ નથી ત્યારે વિચારીએ તો સમજાય કે વર્ષ બચાવવા કે સુધારવાનો માતા-પિતાથી પ્રયત્ન થઈ શકે પણ એથી વધુ કશું ન થઈ શકે !

માતા-પિતા બાળકનો ઉછેર કરે છે. આ ઉછેરનો અર્થ એક ઓવર ઓલ ગ્રૂમિંગ અથવા વ્યક્તિત્વ ઘડતર એવો થવો જોઈએ. બાળક ઊંચું થઈ જાય એથી એ મોટું થયું છે,એને ડિગ્રી મળી ગઈ એટલે હવે ભવિષ્ય સુરક્ષિત છે અને લગ્ન કરી દીધા એટલે હવે સંતાન સેટલ થઈ ગયું છે... હવે, પોતાની જવાબદારી પૂરી થઈ ગઈ છે એવું માનીને જાતને છોડાવી લેતા માતા-પિતા માફીને લાયક નથી! ગાંધીજીએ શિક્ષણ અને કેળવણી એવા બે જુદા શબ્દો આપ્યા. આપણે બધા શિક્ષણ અથવા ડિગ્રીને કમાવાનું સાધન માનીએ છીએ. મોટાભાગના લોકો માટે શિક્ષણનું એકમાત્ર ધ્યેય સારી નોકરી મેળવવા પૂરતું જ છે. ‘કેળવણી’ જેવા શબ્દ સાથે મોટાભાગના માતા-પિતાને કોઈ લેવા-દેવા જ નથી હોતી. ગ્રેજ્યુએટ થયેલું સંતાન સ, શ અને ષ વચ્ચેનો ફરક ઉચ્ચારથી કે લેખનમાં ઉપયોગ ન કરી શકે તો એ ગ્રેજ્યુએશન કેટલું કામનું? અંગ્રેજી માધ્યમમાં ભણેલું બાળક ‘આઈ ડીડ નોટ કેઈમ’ બોલે ત્યારે એનું અંગ્રેજી ખોટું છે એવું વિચારવાને બદલે એનો પાયો કાચો રહી ગયો છે એ સમજવાની વધુ જરૂર છે. કેટલાક બાળકોને ગણિત ગમતું નથી અને એ માટે કોને જવાબદાર ઠેરવીશું? ગણિત જેવા વિષયને કે એ વિષયને નિરસ બનાવીને માત્ર આંકડાઓની માયાજાળ ઊભી કરીને એમાં વિદ્યાર્થીને ગૂંચવી દેનાર શિક્ષકને?

હમણા થોડા સમય પહેલાં મારી એકાવન વર્ષની ઉંમરે મને એક શિક્ષક મળ્યા. બાસઠ વર્ષના એ શિક્ષક સાથે વાતચીત કરતી વખતે મેં એમને કહ્યું, ‘મને ગણિત ગમતું યે નથી ને આવડતું યે નથી. મારે શીખવાની જરૂર પણ નથી. મારી અડધા ઉપરની જિંદગી ગણિત વગર જ પૂરી થઈ ગઈ.’ એ હસ્યા. એમણે કહ્યું, ‘મને એક અઠવાડિયું આપીશ? મારે તને ગણિત ભણાવવું છે.’ શીખવાની કોઈ ઉંમર નથી હોતી અથવા બધી ઉંમર શીખવાની જ હોય છે એવું હું માનું છું,એટલે હું એમની પાસે ભણવા ગઈ. સંખ્યારેખા, દશાંશ, પૂર્ણાંક,અપૂર્ણાંક અને સમીકરણો વિશે એમણે જે સહજતાથી મને ભણાવી એનાથી મને સમજાયું કે મારા કોન્સેપ્ટ જ ક્લિયર નહોતા. ગણિત નિરસ વિષય નથી. તે કોઈ નવલકથા કે કવિતા જેટલો જ રસપ્રદ વિષય છે,પરંતુ જો સમજાય તો !

આજના બાળકોને મળીએ કે એમના શિક્ષણ વિશે એમની પાસેથી સમજવાનો પ્રયાસ કરીએ ત્યારે સૌથી પહેલી જે વાત ઉડીને આંખે વળગે છે એ છે એમના કોન્સેપ્ટનું કન્ફ્યુઝન. અંગ્રેજીમાં ‘સીએચ’નો ચ થાય અને ક પણ થાય... ‘એ’ અને ‘ઈ’નો ઉચ્ચાર,’ઈ’ અને ‘આઈ’નો ઉચ્ચાર કેટલીકવાર સેળભેળ થઈ જાય. હિન્દી, ગુજરાતી કે મરાઠી જેવી ભાષાઓ સંસ્કૃતમાંથી ઉતરી આવી છે અને પ્રમાણમાં વધુ ફોનેટિક એટલે કે ઉચ્ચાર ફ્રેન્ડલી ભાષાઓ છે. બાળકનો સવાલ છે કે નાઈફમાં ‘કે’, વ્હિસલમાં કે લિસનમાં ‘ટી’ કે સાઈનમાં ‘જી’ શું કરે છે પણ આપણી પાસે એની ઉંમરે સમજાવી શકાય એવો જવાબ નથી. બાળકને કડકડાટ આલ્ફાબેટ્સ આવડતા હોય કે એ એના પુસ્તકમાંથી સડસડાટ વાંચી જતું હોય એથી એને અંગ્રેજી આવડે છે એવું માની લેવાની ભૂલ ક્યારેય ન કરવી. ગણિતનું પણ આવું જ છે. એના પુસ્તક કે સ્વાધ્યાયપોથી પુરતા દાખલા કદાચ એ બાળક કરી લે, માર્ક પણ સારા લઈ આવે તેથી એને ગણિત આવડે છે અથવા જિંદગીના ગણિતમાં પણ એના દાખલા સાચા પડશે અને હાઈએસ્ટ માર્ક આવશે એવું માનવું કેટલું ખતરનાક છે એની સમજ તો જ્યારે પોતાનું સંતાન જિંદગીના ગણિતના દાખલા ગણવા બેસે ત્યારે જ સમજાય છે !

લગભગ દરેક ભણેલા માતા-પિતાએ એમના સંતાનના કોન્સેપ્ટ ક્લિયર કરવામાં પોતાની આવડત અને ઉર્જા વાપરવી જોઈએ. જેમ કે, અંગ્રેજીમાં ડીડ બોલાય ત્યારે ક્રિયાપદને ભૂતકાળમાં વપરાતું નથી,એક હોય ત્યારે ધીસ અને એકથી વધુ હોય ત્યારે ધીઝ... ધેર એટલે ત્યાં ધેઈર એટલે એમનું... આવા સાદા ઉચ્ચારો અને વ્યાકરણ આપણે શીખવતા નથી. શેક્સપિયર કે ટેનિસન વાંચતા આવડે તેથી સારું અંગ્રેજી બોલી શકશે એવું માની લેવાની જરૂર નથી. અંગ્રેજી વ્યાકરણની ભાષા છે, શબ્દભંડોળ પછીથી ઉમેરી શકાય છે! ગણિતની વાત કરીએ તો સમીકરણ બાંધતા ને છોડતા આવડવાથી ધોબી કે શાકભાજીનો હિસાબ આવડી જશે, ઈન્વેસ્ટમેન્ટ અને શેરમાં સમજ પડશે કે રોજિંદી લેવડ-દેવડ અને સંબંધોના સમીકરણ પણ સાચા જ બાંધશે અને છોડશે એવું કેવી રીતે માની લેવાય? સૌથી અગત્યની વાત, ગણિત કે અંગ્રેજીમાં માર્ક ઓછા આવશે તો ચાલશે, પણ જિંદગીનું ગણિત અને સંબંધોની ભાષા તો સાચી અને પરફેક્ટ શીખવી જ પડશે.

મોટાભાગના માતા-પિતા ‘લાડ’ના નામે સાદી વસ્તુઓ શીખવવાનું ચૂકી જાય છે. પોતાનું કબાટ ગોઠવવું, પોતાના પૈસાનો હિસાબ રાખવો, મોડા કે એકલા જમે તો વધેલું ખાવાનું કાઢીને અને ઢાંકીને ફ્રિજમાં મૂકવું, પોતે ભૂખ્યા ન રહે એટલું બેઝિક રાંધી શકવું, બેન્કનું કામ કરી શકવું...જેવી સાદી બાબતો હાઈએેસ્ટ માર્ક લાવનારા બાળકોને પણ નથી આવડતી! આમાં દીકરા-દીકરીનો ભેદ નથી. આ જીવનનું શિક્ષણ અથવા કેળવણી છે જે સહુને બરાબર મળવી જોઈએ. આપણે એક સારા વ્યક્તિનું નિર્માણ કરવાને બદલે એક સારા ડોક્ટર, એન્જિનિયર, એકેડેમિશિયન કે સ્પોર્ટ્સ સ્ટારના ઘડતરમાં લાગી જઈએ છીએ. એકવાર આપણી જાતને સવાલ પૂછવો જોઈએ કે ગમે તેટલી સફળ વ્યક્તિ જો સારી વ્યક્તિ નહીં હોય તો એનાથી સમાજને ફાયદો થશે કે નુકસાન ? કેળવણી એટલે એક વ્યક્તિત્વનું, એક જીવનનું, સમાજમાં પ્રવેશ કરનારા એક માણસનું, કુટુંબની જવાબદારી લેનાર એક જવાબદાર પરિવારના સભ્યનું, વોટ આપનાર, કાયદા પાળનાર અને ફરજ નિભાવનાર એક નાગરિકને તૈયાર કરવાનું ઘડતર. શિક્ષણ એટલે સતત શિખતા રહેવાની તૈયારી. બે-ચાર ડિગ્રીના સર્ટિફિકેટ મળી જવાથી વ્યક્તિને ‘શિક્ષિત’ ન કહી શકાય. જેને જીવનમાં શિસ્ત,ક્ષમા અને શાણપણ મેળવ્યા છે એવી વ્યક્તિને શિ-ક્ષ-ણ મળ્યું છે એવું કહી શકાય. kaajalozavaidya@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser