હળવાશ:‘અમુક પગારમાં પૂરું કરતાં આવડે એટલે અર્થશાસ્ત્ર આવડ્યું...!’

જિગીષા ત્રિવેદી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

"આજે તો પંખા સાફ કર્યા તો થાકી ગઈ અલા...’ રેખાબહેન પાલવથી પરસેવો લૂછતાં બોલ્યાં, એટલે હંસામાસીએ તરત પૂછ્યું, ‘કેમ? ગરમ પવન આવતો’તો?’ ‘ના ના...વાતાવરણ એમ તો ઠંડક જ છે.’ સામેથી આવો જવાબ આવ્યો એટલે હંસામાસી કહે, ‘તો પછી હું લેવા ‘ઉઠ પાણા પગ પર’ કર્યા?’ ‘તમે ય ખરા છો...આ ઉંમરે એટલી હમજણ ય ના પડે, તો તો ધૂળ પડી તમારા જીવનમાં...! આ ઉંમરે અમુક અમુક હમજણ તો પડવી જ જોઇએ દરેકને. હેં ને...કંકુબહેન...!’ કલાકાકીએ કંકુકાકીને પણ જોડે લીધા એટલે એમણે પણ સહમતી આપી, ‘હાસ્તો... પાંથીએ પાંથીએ કંઇ તેલ ના નાખવાનું હોય...!’ ‘એ જ તો...અને હું તો કઉ છું... બઉ નઇ, પણ થોડી તો કોમન સેન્શ હોવી જ જોઈએ કે ગરમ પવન આવતો હોય તો જ પંખા સાફ કરવાના હોય... આપડે ઉનાળામાં એટલે જ તો વારે વારે સાફ કરવા પડે છે ને...! એક ને એક બે જેવી જ વાત છે યાર આ તો...કે પંખા સાફ કરો એટલે ઠંડો પવન આવે...!’ હંસામાસીએ એમની પર્સનલ કોમન સેન્સ દર્શાવતા આગળ ચલાવ્યું, ‘અમુક વસ્તુ તો એવી છે ને જેને સાફ કરવાને બદલે કોમન સેન્સ વાપરો તો કામ ઈજી થઈ જાય... આ તમે પડદાનો કલર સહેજ ડાર્ક રાખોને, આપોઆપ દીવાલો ધોળી લાગે...એના માટે કંઇ આખો દિવસ હાવરણી અને ઝાપટિયું લઈને મંડી ના પડવાનું હોય!’ ‘ખરેખર જો તમારામાં પૂરતી કોમન સેન્સ હોય ને તો તમે કોઈ બી સબ્જેક રાખીને એમાં હારામાં હારુ રીજલ્ટ લાઇ હકો. આ ભણવામાં અમુક અમુક તો એવા સબ્જેક છે જ કે ચોપડી ના ખોલીએ તો બી ચાલે યાર... જેમ કે મેનેજમેન્ટ. હવે આપડે ઘરનું ને ફેમિલીનું મેનેજ કરતાં હોઈએ તો બીજનેશ મેનેજ ના કરી સકીએ? ના ના... ખોટી વાત હોય તો કહો તમે.’ કંકુકાકીએ કોમન સેન્સનું મહત્ત્વ સમજાવ્યું. ‘કોમર્સ થોડું ઈજી ખરું... પણ સાયન્સમાં અઘરું પડે યાર...!’ કલાકાકીએ આટલું કીધું ત્યાં તો લીનાબહેન એકદમ વાંધો ઉઠાવતા કહે, ‘ના ભઇ ના હવે... સાયન્સમાં હરી ફરીને આવે સુંં? તો કહે રસાયણ વિજ્ઞાન ને સરીર વિજ્ઞાન... હવે જેમ તમે દૂધને જાતજાતનાં રસાયણ ભેળવતા ભેળવતા જો તમે કઢી હુંધી લઈ જઈ હકો... તો એવું ને એવું જ બીજી બધી વસ્તુનું ભણવાનું આવે... હા, એના માટે ચોપડીમાં સહેજ નજર કરી લો એટલે વાંહેનું આપોઆપ ખબર પડી જ જાય યાર...!’ ‘ત્યારે સરીર વિજ્ઞાનમાં બી એવું કઈ નવું ભણાઈને ઉંધા નથી વળી જતાં આ લોકો... સરીર વિજ્ઞાનમાં આઈ આઈને સું આવે? હેં? સ્વાસ નળી ને અન્ન નળી... ને ફેફસા...? તે એ તો સરદી ઉધરસ થયા હોય એટલે ખબર પડી જ ગઈ હોય આપડાને અને પેટની અંદરની તો ડોકટરોને બી ક્યા ખબર પડે છે? એ લોકો બી સોનોગ્રાફી અને એક્ષરે જ કરાવે છે ને... ! બાકી તો એં... બાળપણમાં નાનું નાનું બીમાર પડ્યા હોઈએ ને તો ક્યાં અને સું થયું છે એ થોડો ઘણો આઇડિયા તો આઈ જ જાય... પેટમાં દુખે, તો છાસ પી લઈએ એટલે રેડી... માથું દુખે, તો બામ લગાઈ દઈએ એટલે રેડી...! એટલે આમ જોવા જઈએ ને, તો સરીર વિજ્ઞાનમાં બી કોઈ મોર નથી મૂક્યા.’ સવિતાકાકીએ પોતાની (નોન) કોમન સેન્સ વિસ્તારથી સમજાવી... ‘ત્યારે આર્ટસમાં તો સું છે કે કોઈ બી માણસને તમે મલાઈ મલાઈને વાત કરી ને આપડી જોડે એગ્રી કરી દો, એટલે એ થયું સાયકોલોજી... ત્યારે ફિલોસોફી તો વોટ્સેપમાં આવે જ છે... અને હા, કયા ખર્ચા ક્યાં સેટ કરીને અમુક પગારમાં કેવી રીતે પૂરું કરવું એ આવડે, એટલે એ થયું અર્થસાસ્ત્ર... હા, એક વાત છે કે સાયન્સના ગણિત અને કોમર્સના ગણિતમાં જરા જરા ફરક છે... એટલે એ જરા સીખવું પડે...’ હંસામાસીએ વિનયન પ્રવાહને ય ગણતરીમાં લઈ લીધો... એટલે આઈ થિંક હવે કંઇ બાકી ના રહ્યું એવું મને લાગ્યું પણ ના... કંકુકાકી હજી આ વિષય અંતર્ગત ઘણું કહેવાય માંગતા’તા. ‘હું તો કઉ છું... ડોક્ટર, એન્જિનિયર કે સીએમાં તો પછી બી સહેજ સહેજ ભણવું પડે... પણ કોમન સેન્સ હોય ને તો તમે કંઈ નઇ કંઈ નઇ તો છેવટે વકીલ તો થઈ જ હકો... અને કહીએ, પણ ધોળા કોટમાં ને કાળા કોટમાં આસમાન જમીનનો ફરક (શું, કયો, કેવો ફરક એ તો કંકુકાકી જ જાણે). ‘અરે, એ બધું તો હમજ્યા, પણ આ અમુક મોટા હોદ્દાની એકજામોમાં આ કોમન સેન્સનું જ તો પૂછે છે...’ હંસામાસીએ આટલું કહીને મને જે આઘાત આપ્યો, કે મારામાં ઊભા થવાની ય તાકાત ના રહી... એટલે છેવટે લમણે હાથ દઈને પંખા સામે જોઈને (સાફ કરું કે નઇ એવું વિચારતી) બેસી રહી બીજું શું? આખરે આજની ચર્ચાને માન આપી અંતે પંખો સાફ ન કરવાનો નિર્ણય લઇ લીધો.