રસથાળ:દશેરાએ સ્વાદિષ્ટ જલેબીઓની જમાવટ

રિયા રાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો ભારે મહિમા છે. જો થોડી સર્જનાત્મકતા દાખવવામાં આવે તો અલગ અલગ સ્વાદની જલેબી ઘરે જ બનાવી શકાય છે

કેસર જલેબી જાણીતી અભિનેત્રી આરોહી તહેવારો ઉજવવાની શોખીન છે. દશેરાના પર્વ નિમિત્તે તેણે પોતાની ફેવરિટ કેસર જલેબીની રેસિપી શેર કરી છે. આરોહી કહે છે કે ‘મૂળ અમદાવાદી એટલે અણુએ અણુમાં નવરાત્રિનો રોમાંચ પહેલેથી જ દર વર્ષે અનેરો અને ભરપૂર હોય. મિત્રો સાથે ગરબાની નવ દિવસ ધમાલ કર્યાં પછી આવે દશેરાનો દિવસ. દશેરાનો દિવસ આવતા જ ફાફડા-જલેબી અને ખાસ કરીને રસીલી જલેબી મને અચૂક યાદ આવે. મારા ઘરનાં રસોડામાં બનતી ખાસ કેસર જલેબીની રીત હું આપ સૌ મિત્રો સાથે શેર કરી રહી છું. આમાં ખાસ કેસરનો સુંદર કુદરતી રંગ અને સુગંધ આવતી હોય છે. આ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી કેસર જલેબી એક-બે ખાવાથી તો મન ક્યારેય ભરાતું જ નથી. આપ સૌ પણ દશેરા પર ટ્રાય કરો મારી ભાવતી ‘કેસર જલેબી.’’

સામગ્રી : મેંદો-2 કપ, પાણી-સવા કપ, કેસર-પા ચમચી ચાસણી માટે : ખાંડ-4 કપ, પાણી-દોઢ કપ, કેસરના તાંતણા-8થી 10 રીત : મેંદાનો લોટ, કેસર અને પાણી ઉમેરી વ્હિસ્કર વડે ગઠ્ઠા ન રહે તે રીતે મિક્સ કરો. આ મિશ્રણને 8થી 10 કલાક માટે આથો આવવા માટે ઢાંકીને રહેવા દેવું. કુદરતી રીતે આથો અને રંગ આવે તે જલેબી સ્વાદમાં ખૂબ સરસ બને છે, પરંતુ તમારા પાસે સમય ઓછો હોય તો તેમાં ચપટી બેકિંગ સોડા અને ફૂડ કલર ઉમેરી શકાય. જોકે શકય હોય ત્યાં સુધી કુદરતી આથા અને રંગ સાથેની જલેબી ખાવાનો જ આગ્રહ રાખવો. હવે ચાસણી તૈયાર કરવા મૂકવી. કડાઈમાં ખાંડ, પાણી અને કેસરના તાંતણા ઉમેરી 2 તારની ચાસણી તૈયાર કરવી. જલેબી બનાવતા સમયે ફરી એક વખત યોગ્ય ફેંટીને મિશ્રણને બોટલમાં ભરી લેવું. હવે કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું અને કેસર જલેબીઓ બંને સાઈડ હલકા સોનેરી રંગની તળવી. ચાસણીમાં 15થી 20 મિનિટ ડૂબાડીને સ્વાદિષ્ટ કેસર જલેબીનો સ્વાદ ઉપરથી કેસરના તાંતણા તથા પિસ્તા કતરણ ભભરાવીને માણો.

સામગ્રી : મેંદો- 1 કપ, ચોખાનો લોટ- 3 ચમચી, કોકો પાઉડર- 3 ચમચી, દહીં- 2 ચમચી, બેકિંગ સોડા- 2 ચપટી, પાણી-જરૂરિયાત મુજબ. ચાસણી માટે : ખાંડ- 2 કપ, પાણી- 1 કપ, ઈલાયચી પાઉડર-પા ચમચી, ઘી-તળવા માટે રીત : એક ઊંડા બાઉલમાં મેંદો, ચોખાનો લોટ, કોકો પાઉડર, દહીં તથા જરૂરિયાત મુજબ પાણી ઉમેરી ચોકલેટ જલેબી માટેનું મિશ્રણ તૈયાર કરી ઢાંકીને બાજુ પર રહેવા દેવું. હવે ચાસણી બનાવવા માટે ખાંડ તથા પાણીને ઉકાળો. ચાસણી માટે ખાંડને ફક્ત એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો. તેમાં ઈલાયચી પાઉડર ઉમેરીને ગેસ બંધ કરી દેવો. હવે જલેબીનાં ખીરામાં બેકિંગ સોડા મિક્સ કરી બોટલમાં ભરી દો. કડાઈમાં ઘી ગરમ થાય એટલે જલેબી ઉતારવી અને ચાસણીમાં પાંચ મિનિટ માટે રાખવી. બાળકોને ખુશખુશાલ કરી દે તેવી ચોકલેટ જલેબી તૈયાર છે.

એપલ જલેબી વિથ બદામ રબડી સામગ્રી : ચણાનો લોટ-એપલ-1 નંગ, મેંદો-1 કપ, ચણાનો લોટ-અડધો કપ, કોર્નફ્લોર-2 ચમચી, બેકિંગ સોડા-પા ચમચી, ઘી-તળવા માટે, પાણી-જરૂરિયાત મુજબ ચાસણી માટે: પાણી-1 કપ, ગોળ-અડધો કપ, ખાંડ-1 ચમચી, તજનો ટુકડો-1 નંગ, બીટ સ્લાઈસ-1 નંગ બદામ રબડી બનાવા માટે : બદામ-1 કપ, ખાંડ-અડધો કપ, દૂધ-દોઢ કપ, ઈલાયચી પાઉડર-પા ચમચી રીત : એક કડાઈમાં ગોળ અને પાણી ઓગળવા મૂકવું. હવે તેમાં ખાંડ, તજ અને બીટની સ્લાઈસ ઉમેરી ચાસણી થવા દેવી. રંગ એકદમ લાલ થઇ જાય અને મિશ્રણ થોડું ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરીને ઉતારી લેવું. હવે સફરજનને ગોળ સ્લાઈસમાં કટ કરી લો. તેમાં વચ્ચે બીયાંનો ભાગ કાઢી લેવો. એક બાઉલમાં મેંદો, બેસન અને કોર્નફ્લોર તેમજ બેકિંગ સોડા તેમજ જરૂરિયાત મુજબ પાણી મિક્સ કરી જલેબીનું ખીરું તૈયાર કરવું. હવે એક કડાઈમાં ઘી ગરમ થવા મૂકવું. સફરજનની સ્લાઈસને ખીરામાં ડીપ કરી ગોલ્ડન બ્રાઉન ફ્રાય કરી લેવી. તૈયાર થયેલ ચાસણીમાં આ જલેબીને દસ મિનિટ ડૂબાડી બહાર કાઢી લેવી. બદામ રબડી માટે: બદામને મધ્યમ સ્લાઈસમાં સમારી લેવી. હવે એક કડાઈમાં દૂધ, ખાંડ અને માવાને ઉકળવા મૂકવું. આને સતત હલાવતા રહેવું પડશે. સમારેલી બદામ અને ઈલાયચી પાઉડર પણ ઉમેરી દો. ધીમી આંચ પર આશરે 20થી 25 મિનિટ સુધી ઉકાળવાથી ઘટ્ટ રબડી તૈયાર થશે. રંગ બદલાઈ અને થોડો બ્રાઉન થઈ જાય એટલે રબડી તૈયાર થઈ ગઈ કહેવાય. અલગ પ્રકારની એપલ જલેબીને બદામ રબડી સાથે પીરસો. સામગ્રી : ચણાનો લોટ-2 કપ, હળદર-પા ચમચી, કાશ્મીરી લાલ મરચું પાઉડર-પા ચમચી, અજમો-પા ચમચી, બેકિંગ સોડા-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, નવશેકું પાણી-જરૂરિયાત મુજબ, તેલ-તળવા માટે રીત : એક પહોળાં વાસણમાં દરેક સૂકી સામગ્રી મિકસ કરવી. મિકસ કર્યા બાદ તેમાં 2 ચમચી તેલ અને જરૂરિયાત અનુસાર પાણી ઉમેરી ફાફડા માટે નરમ લોટ તૈયાર કરવો. ભીનાં કપડાં વડે ઢાંકીને અડધો કલાક માટે સાઈડ પર રહેવા દેવું. હવે ફાફડા બનાવતા સમયે ફરી એક વખત લોટને મસળી તેના નાનાં નાનાં લુઆ પાડીને લાકડાનાં એક પાટિયાં પર લુઆને મૂકી હથેળી વડે આગળની બાજુ વજન આપીને ઘસવું. ધારદાર ચપ્પા વડે ફાફડાને ઉખાડી ગરમ તેલમાં તળવા. બંને સાઈડ સોનેરી અને ક્રિસ્પી તળવા. આ રીતે બધા ફાફડા તૈયાર કરી સ્વાદિષ્ટ ફાફડાને કઢી અને જલેબી સાથે પીરસી ઘરે બનાવેલાં ફાફડા-જલેબીનો આનંદ આ તહેવારમાં પરિવાર સાથે માણો. કઢી બનાવવા માટે સામગ્રી દહીં-1 કપ, ચણાનો લોટ-1 કપ, પાણી-2 ગ્લાસ, હળદર-અડધી ચમચી, સમારેલાં લીલાં મરચાં-1 ચમચી, લીમડાનાં પાન-5 થી 7, રાઈ-અડધી ચમચી, હિંગ-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ખાંડ-સ્વાદ મુજબ, તેલ- 2 ચમચી રીત : ચણાનો લોટ, હળદર, દહીં અને પાણીને બ્લેન્ડર વડે મિક્સ કરવું. કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે રાઈ, હિંગ, લીમડાનાં પાન, સમારેલાં લીલાં મરચાં ઉમેરવાં. અગાઉ તૈયાર કરેલ ચણાના લોટ અને દહીંવાળું મિશ્રણ રેડી સ્વાદ મુજબ ખાંડ તથા મીઠું ઉમેરી દેવું. પાંચથી સાત મિનિટ ઉકળવા દેવું. ફાફડા સાથે આ કઢીને પીરસવી.

અન્ય સમાચારો પણ છે...