શરીર પૂછે સવાલ:રોજ નિયમિત ગાજરનો જ્યુસ પીવાથી ચશ્માંના નંબર ઉતરી જાય?

વનિતા વોરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 16 વર્ષની છું અને મને હાલમાં જ ચશ્માંના નંબર આવ્યા છે. મને ચશ્માં પહેરવા આમ તો ગમતાં નથી. શું હું ગાજરનો જ્યુસ દરરોજ પીઉં તો ચશ્માંના નંબર ઊતરી જાય? અત્યારે શિયાળો છે તો લાલ ગાજરનો જૂસ પીવો હોય તો કેટલો પી શકાય? એક યુવતી (સુરત) ઉત્તર : ગાજરનો જ્યુસ અતિ ગુણકારી મનાય છે. એમાં પણ શિયાળામાં આવતાં લાલ ગાજર ઇમ્યુનિટી વધારવા, બ્લડ-શુગર કંટ્રોલમાં રાખવા, હાર્ટ હેલ્થ ચમકાવવા, લીવરને સ્વસ્થ રાખવા, સ્કીન અને વાળને સારા કરવા માટે ઘણા ઉપયોગી છે. જોકે ગાજરનો જ્યુસ પીવાથી તમારા ચશ્માંના નંબર નહીં ઉતરે. તમને ચશ્માં આવ્યાં છે જે પરિસ્થિતિને માયોપિયા કહેવામાં આવે છે. એ આંખની પરિસ્થિતિ છે, કોઈ રોગ નથી કે આવે અને પાછો જતો રહે. નંબરને પાછા ધકેલવા આમ તો ગાજર એટલે કામ નહીં લાગે, કારણ કે આંખમાં ચશ્માંના નંબર આવવા એ કોઈ પોષણની કમીને કારણે થતો રોગ નથી. ન્યુટ્રિશન ડેફિશ્યન્સી હોય તો એને પોષણ આપવાથી એ દૂર થઈ શકે છે, પણ આંખના નંબર એ આંખની પરિસ્થિતિ છે. કોઈ પણ પોષણયુક્ત ખોરાકથી એ દૂર નથી થઈ શકતી. પ્રશ્ન : હું 38 વર્ષની પ્રેગ્નન્ટ મહિલા છું. આ પહેલાં મારા બે મિસકેરેજ થઇ ગયાં છે. હાલમાં મારા ડોક્ટરે મને NIPT ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે હું આ ટેસ્ટ કરાવી લઉં એ જરૂરી છે અને પછી તેઓ રિપોર્ટ જાણીને મને સમજાવશે. જોકે હું ટેસ્ટ કરાવતા પહેલાં જ એના વિશે જાણવા ઇચ્છું છું. આ ટેસ્ટ શું કામ કરાવવો જોઇએ? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : સ્ત્રી ગર્ભવતી હોય છે ત્યારે તેના જીવનમાં અનોખી ખુશી આવી જાય છે. જોકે સ્ત્રીની ગર્ભાવસ્થા દરમિયાન વિશેષ કાળજી લેવાની જરૂર હોય છે. ખાનપાનની સાથે સમયાંતરે ચેકઅપ અને પરીક્ષણો કરાવવા જરૂરી છે. ડોક્ટર નિયમિત રીતે આ ટેસ્ટ કરાવતા રહે છે. કેટલાક ખાસ કિસ્સાઓમાં ડોક્ટર NIPT પરીક્ષણ કરાવવાની સલાહ આપે છે. આ ટેસ્ટ નોન ઇનવેસિવ પ્રીનેટલ ટેસ્ટ છે. જ્યારે કોઈ સ્ત્રી માતા બનવાની તૈયારીમાં હોય છે, ત્યારે બાળકમાં આનુવંશિક રોગનું કોઈ જોખમ છે કે નહીં તે નક્કી કરવા માટે ગર્ભધારણના થોડા અઠવાડિયામાં NIPT પરીક્ષણ કરવામાં આવે છે. આ પરીક્ષણ માતાના લોહીથી કરવામાં આવે છે કારણ કે એ સમયે માતાના લોહીમાં બાળકના ડીએનએની હાજરી જોવા મળે છે. સામાન્ય રીતે જે સગર્ભા મહિલાની વય 35 કરતા વધારે હોય, જે લોકોમાં આરએચ નેગેટિવ બ્લડ ગ્રુપ હોય કે પછી પત્ની અથવા પતિને કોઈને આનુવંશિક રોગોની કોઈ હિસ્ટ્રી હોય તેને NIPT પરીક્ષણ કરાવવાની સલાહ આપવામાં આવે છે. આ પરીક્ષણ દ્વારા ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ અથવા તો એડવર્ડ સિન્ડ્રોમ જેવા રોગની આગોતરી માહિતી મેળવી શકાય છે. પ્રશ્ન : મારી વય 24 વર્ષની છે. હું છેલ્લા કેટલાય વર્ષોથી હસ્તમૈથુન કરું છું. મારી ઇન્દ્રિય સામાન્ય અવસ્થામાં સાવ નાની દેખાય છે. શુક્રપિંડ પણ ઉપર નીચે છે. તો શું હું નપુંસક છું? અને જ્યારે મને ઉત્તેજના થાય છે ત્યારે ઇન્દ્રિયના નીચેના ભાગમાંથી પેશાબ થાય છે. ત્યાં સફેદ નાની નાની ફોલ્લી જેવું કંઇ થઇ ગયું છે. મને કોઇ જાતીય રોગ હશે. મારે લગ્ન કરવા જોઇએ કે નહીં? એક પુરુષ (વડોદરા) ઉત્તર : તમે ખોટી ચિંતા કરી રહ્યા છો. જીવનમાં મોટાભાગના પુરુષોએ અને ઘણી સ્ત્રીઓએ હસ્તમૈથુન કરેલ હોય છે. એનાથી કોઇ નુકસાન થતું નથી. નપુંસકતા એટલે ઇન્દ્રિયમાં ઉત્થાનનો અભાવ, પણ તમને એવી કોઇ સમસ્યા નથી એટલે તમે નપુંસક નથી અને ચોક્કસ લગ્ન કરી શકો છો. આપની બીજી તકલીફ પેશાબની છે. ઘણીવાર પેશાબ ઇન્દ્રિયમાં બીજી તરફથી થતો હોય છે. એની તપાસ કરવી પડે. અને જો જરૂર લાગે તો ઓપરેશનથી આ મુશ્કેલી સુધારી શકાય. માટે મનમાં અકળાયા વગર યોગ્ય ડોક્ટર પાસે તપાસ કરાવો. તમને થયેલી સફેદ ફોલ્લી કદાચ લોકલ ચેપને કારણે હોઇ શકે છે. આ સમસ્યા દવાથી દુર થઇ શકે છે. તમને યોગ્ય તબીબી સલાહની જરૂર છે. પ્રશ્ન : મારી પત્નીને છેલ્લા બે મહિનાથી માસિક નથી આવ્યું. મને લાગે છે કે એણે ગર્ભધારણ કર્યો છે, પણ એ કહે છે કે એને એવા કોઇ ચિન્હો જણાતા નથી. આ માટે માર્કેટમાં મળતી પ્રેગ્નન્સી કિટનો ઉપયોગ કરીને જાણી ન શકાય? એક મહિલા (જામનગર) ઉત્તર : તમારાં પત્નીને શક્ય છે કે ગર્ભધારણના લક્ષણોનો ખ્યાલ ન આવ્યો હોય, પણ તમારી જે ધારણા છે, તે સાચી હોઇ શકે. તમે તમારાં પત્નીને કહો કે તેઓ પોતાની રીતે કોઇ પણ નિર્ણય પર આવ્યાં વિના ગાયનેકોલોજિસ્ટને બતાવે અને ગાયનેકોલોજિસ્ટ તેમને માસિક ન આવવા પાછળનું કારણ તેમણે ગર્ભધારણ કર્યો છે કે અન્ય કારણ છે, તે તપાસ કરીને જણાવશે. તમે કહો છો એ મુજબ પ્રેગ્નન્સી કિટ દ્વારા જાણી શકાય ખરું, પરંતુ તે અંગે અધિકૃત ન કહી શકાય, જે ગાયનેકોલોજિસ્ટ કહી શકે. તમારાં પત્નીને ગાયનેકોલોજિસ્ટ પાસે લઇ જાવ. હકીકતમાં ઘણી વખત વધારે પડતો સ્ટ્રેસ માસિકના હોર્મોન્સને બદલી દે છે. તેના કારણે માસિક અનિયમિત થાય છે. આ સિવાય બર્થ કંટ્રોલ પિલ્સ ખાવાથી પણ માસિકમાં સમસ્યા થાય છે. ગર્ભ નિરોધક ગોળી શરીરમાં ઈંડા બનવા દેતી નથી અને તેના કારણે માસિકમાં સમસ્યા ઉભી થાય છે. 8થી 9 કલાકની ઊંઘ ન કરવી પણ સ્ટ્રેસના હોર્મોન્સ વધારે છે અને તેનાથી માસિક ધર્મ પ્રભાવિત થાય છે. આ સિવાય જે મહિલાઓમાં રક્તની ખામી હોય છે અથવા તો જેને એનીમિયા હોય છે તેમને પણ માસિકમાં સમસ્યા ઉભી થાય છે.

અન્ય સમાચારો પણ છે...