વુમનોલોજી:સપનાની ઊંચાઈ અને ઊંચાઈનું સપનું અમદાવાદથી માઉન્ટ એવરેસ્ટ સુધી

19 દિવસ પહેલાલેખક: મેઘા જોશી
  • કૉપી લિંક

સ્ત્રીના અનેક સપનાંની આડે આવતા શબ્દો એટલે સામાજિક રિવાજો , સલામતી અને સુરક્ષા. સમાજે આપેલી કેટલીક પાબંદીઓ અને નાનપણથી જ મનમાં ઘર ગયેલ કેટલાક ભય હિંમતને પૂરી રીતે ખીલવામાં આડખીલીરૂપ સાબિત થયા છે. આથી જ જૂજ સ્ત્રીઓ શારીરિક શ્રમ અને હિંમતને અકબંધ રાખીને પોતાના પેશન માટે આગળ વધે છે. ખાસ કરીને જયારે સખત મહેનત અને તાકાતની વાત આવે ત્યારે ગુજરાતી પરિવાર અને ગુજરાતી સ્ત્રીઓને તો ‘દાળભાતિયા’ કહીને હસી કાઢવામાં આવે છે. આજે વાત કરવી છે એવી એક ગુજરાતી સ્ત્રીની જેણે પહેલી વાર ચોથા ધોરણમાં આઝાદ બેટનો નેચર કેમ્પ કર્યો અને આજે વિશ્વના ઉત્તુંગ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતના પ્રથમ ડોક્ટર કપલનો રેકોર્ડ કર્યો છે. યસ... અમદાવાદના તબીબ દંપત્તિ ડો. સુરભિ લેઉઆ તથા ડો. હેમંત લેઉવા પ્રથમ ભારતીય ડોક્ટર દંપત્તિ છે જેમણે 13 મે, 2022 સવારે 7.45 વાગે માઉન્ટ એવરેસ્ટ સમિટ પૂરું કર્યું. હિમાલયન ડેટા બેઝ અનુસાર તેઓ વિશ્વના પ્રથમ ડોક્ટર દંપત્તિ છે જેઓએ એકસાથે એવરેસ્ટ સર કર્યો. પ્રકૃતિના કોઈ પણ સ્વરૂપને અને પ્રકૃતિ સાથે ગહેરો નાતો ધરાવતી કોઈ વ્યક્તિમાં લૈંગિક અસમાનતા અને ખાસ કરીને સક્ષમ-અક્ષમનો ભેદ નથી. ટ્રેકિંગ અને પર્વતારોહણમાં વધુ અનુભવ ધરાવતી કોઈ પણ વ્યક્તિને તમે સ્ત્રીની સલામતી કે સમસ્યા માટે ભાર દઈને પ્રશ્ન પૂછો તો પહેલી પ્રતિક્રિયા એક જ આવે, ‘અહીં બધા જ સરખા છે અને દરેકનો પ્રેમ એક જ છે પ્રકૃતિ.’ ડો સુરભિ લેઉવાએ સ્કૂલ લાઈફમાં નેચર કેમ્પમાં જવાની શરૂઆત કરી હતી. મેડિકલના શિક્ષણ દરમિયાન એક તરફ અભ્યાસની મહેનત હતી અને બીજી તરફ ગિરિમાળાના અજાણ્યા રસ્તા, બરફના શિખરો, લીલાંછમ મેદાનો માટેની લગન પણ બળકટ હતી. અભ્યાસ અને પેશનને સંતુલિત કરીને એણે પોતાના સપનાં તરફ રોજ એક ઈંટ મૂકી હતી. તેમના જીવનસાથી ડો. હેમંતને પણ ટ્રેકિંગ, કલાઇમ્બિંગ અને એડવેન્ચરનો શોખ તેમજ પ્રકૃતિપ્રેમ એટલો જ વધુ હતો. ઊંચાઈના પર્યાય સમાન માઉન્ટ એવરેસ્ટ આ વિશ્વના અનેક પર્વતારોહકનું સપનું હોય છે. 1953માં નેપાળી તેનસિંગ સાથે ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરીએ સમિટ પૂરી કરી એ પછી તો ઘણાં નામ ઉમેરાયાં અને 1996માં થયેલ વિનાશક આબોહવાને કારણે પંદરેક પર્વતારોહકના નામ જીવનમાંથી પણ ભૂંસાઈ ગયા. વાતાવરણમાં અચાનક પરિવર્તન, બરફના તોફાન, શારીરિક સ્વસ્થતા ઉપરાંત એવરેસ્ટ માટે ખર્ચ પણ ચિંતાનો વિષય હોય છે. આજ સુધી એવરેસ્ટ સુધી માત્ર ત્રણ ગુજરાતી મહિલાઓ પહોંચી શકી છે, સમગ્ર વિશ્વમાં પણ લગભગ બે હજાર સ્ત્રીઓનો રેકોર્ડ નોંધાયો છે. અલબત્ત સ્ત્રીઓની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે જેના મૂળમાં કદાચ દીકરી માટે અપેક્ષિત સિક્યોર્ડ ઝોન જવાબદાર હશે. અનેક ઉચ્ચતમ શિખરની સમિટ કર્યા પછી પણ એવરેસ્ટનું સપનું ડો. સુરભિ તથા ડો. હેમંત માટે અધૂરું હતું. લગભગ એક વર્ષની શારીરિક સજ્જતા માટેની આકરી મહેનત, ગત વર્ષે કરેલ પ્રયત્નમાં વેધરને કારણે મળેલ નિષ્ફ્ળતા, દીકરા તથા અન્ય સ્વજનની ચિંતા એવરેસ્ટના અંતિમ પડાવ ગણાતા કેમ્પ ફોરમાં સતત ડોક્ટર દંપતિની સાથે હતી. બરફને કારણે થીજી જતી હાથ-પગની આંગળીઓ કે મૃત્યુ સુધીના વિચારો તો એક સામાન્ય મનુષ્ય તરીકે એમને પણ આવ્યા હતા, પરંતુ એ પસાર થતા નકારાત્મક વિચારો વચ્ચે એક ગજબની ઊર્જા પેશનની હતી, ઈશ્વર પરની શ્રદ્ધા પણ હતી, એકબીજાનો પરસ્પર સપોર્ટ પણ હતો અને એની સાથે તેમણે છેલ્લી રાતનું ચઢાણ શરૂ કરીને સફળતા મેળવી હતી. માઉન્ટ એવરેસ્ટની સમિટ ડો. સુરભિ અને ડો. હેમંત માટે એકમાત્ર લક્ષ્ય નહીં પરંતુ પેશન સાથે જીવતી સંતુલિત જિંદગીની ઊંચાઈ છે. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...