વુમનોલોજી:દ્રૌપદી : મુર્મુથી મહામહિમ સુધી

15 દિવસ પહેલાલેખક: મેઘા જોશી
  • કૉપી લિંક
  • વિશ્વની મોટી અને સક્ષમ લોકશાહીમાં ઉચ્ચતમ સ્થાને એક મહિલાનું હોવું એ સામાજિક, લૈંગિક અને આર્થિક સમાનતાની અભિવ્યક્તિ છે

64 વર્ષીય દ્રૌપદી મુર્મુુ રાષ્ટ્રપતિ બન્યાં છે એટલે દેખીતી રીતે જ તેમનું જીવન બદલાઈ જશે, પરંતુ એક ઘરેલુ સ્ત્રી તરીકેની વાત છે ત્યાં સુધી તેઓ એક સરેરાશ ભારતીય સ્ત્રીથી ભિન્ન નથી. દુનિયા ભલે તેમને 'મેડમ પ્રેસિડેન્ટ' કહે અથવા આપણે તેમને 'આદિવાસી રાષ્ટ્રપતિ' તરીકે ઓળખીએ, પણ આ લેબલની પાછળ એક એવી સ્ત્રી છે જેમાં ભારતની સાધારણ સ્ત્રીઓની ઝલક છે. એ સવારે 3 વાગે ઉઠે છે અને ધ્યાનક્રિયા કરે છે. 2020માં 25 વર્ષના પુત્રના આકસ્મિક અવસાન પછી દ્રૌપદી અંદરથી તૂટી ગયાં હતાં અને બે મહિના સુધી ડિપ્રેશનમાં રહ્યા હતા. તેમાંથી બહાર નીકળવા માટે બ્રહ્માકુમારી સંસ્થામાંથી મેડિટેશન શીખ્યા જેની પ્રેક્ટિસ આજે પણ ચાલુ છે. તેઓ આજે પણ સવારે 5 કિલોમીટર ચાલે છે અને યોગ કરે છે. વિશ્વની મોટી અને સક્ષમ લોકશાહીમાં ઉચ્ચતમ સ્થાને એક મહિલાનું હોવું એ સામાજિક, લૈંગિક અને આર્થિક સમાનતાની અભિવ્યક્તિ છે. સામાજિક વિકાસ તરફનું એક નક્કર પગલું પણ સાબિત થઇ શકે. રાજકારણના તમામ દાવ-પેચ બાજુ પર મૂકીને સંતુલિત ભાવે સર્વોચ્ચ સ્થાને બિરાજતી સ્ત્રી શક્તિને જોઈએ તો રાષ્ટ્રે સ્ત્રી શક્તિને આપેલું આ એક સન્માન છે. દ્રૌપદી મુર્મુ અનેક પડકારો ઝીલીને અડીખમ રહેલી એક સરેરાશ ભારતીય સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરે છે. અંગત આઘાતો, નિરાશાઓ અને અસહ્ય ઘટનાઓ ઉપરાંત સામાજિક વિષમતાઓ, અન્યાય જેવા સંઘર્ષ જયારે જીવનનો ભાગ બને ત્યારે કોઈ સ્ત્રી શું કરે? નિરાશ થઈને હારી જવું કે કોઈ પણ પ્રકારની આશા ખોઈ બેસવી એ આપણી સામાન્ય પ્રતિક્રિયા હોય છે. પ્રત્યેક સૂર્યોદય સાથે નવી આશા અને અર્થ જન્મે છે એ બોલવું જેટલું સરળ છે એટલું જીવવું નથી. રોજ જીવાતી જિંદગીમાં તો ગઈકાલના અંધારા દિવસે પણ આંખો સામે આવીને આપણી દૃષ્ટિ ધૂંધળી કરી નાખે છે, પરંતુ દ્રોપદી મુર્મુએ દરેક અવરોધને ઓળંગીને જીવનનેે વધુ સકારાત્મક ઓપ આપ્યો. ક્લાસ મોનિટરથી શરૂ કરેલ નેતૃત્વ આજે રાષ્ટ્રપતિની ખુરશી સુધી પહોંચી શક્યું એની પાછળ એક સ્ત્રીની હિંમત અને ખાસ કરીને જીવન પ્રત્યેનો અભિગમ જવાબદાર છે. ઓડિશાથી દિલ્લી અંદાજે 1600 કિલોમીટર થાય, ટ્રેનમાં સફર કરીએ તો લગભગ અઠ્યાવીસ કલાક થાય અને એમાં પણ જો એક સાવ નાના ગામમાંથી જવું હોય તો બીજા ચાર-પાંચ કલાક ઉમેરી લેવાના.ઓડિશાના મયૂરભંજ જેવા ગામથી નવી દિલ્લીની સફરમાં દ્રૌપદી મુર્મુને અમુક કલાકો નહીં પરંતુ વર્ષો લાગ્યાકારણકે એમની સફરની શરૂઆત વખતે અંતિમ પડાવ રાષ્ટ્રપતિની ખુરશી નહીં પણ મક્કમ મુસાફરીની મહેચ્છા હતી. શિક્ષકથી મહામહિમ બનતા આ મહિલા પોલિટિકલ માસ્ટર સ્ટ્રોકના હિસ્સો છે કે નહીં એની ચર્ચા તો થશે પરંતુ એ સાથે ભારતના જે સમુદાયમાંથી તે આવે છે એમના વધી ગયેલા આત્મવિશ્વાસ તરફ પણ નજર નાખજો. તમામ દીકરીને ભણવા માટે કે વ્યવસાય માટે પ્રોત્સાહન આપવા માટે આથી મોટું પ્રેરક બળ બીજું શું હોય? જ્ઞાતિના તફાવત,સ્ત્રી -પુરુષના તફાવત, બેન્ક બેલેન્સના તફાવત કે કથિત રંગના તફાવતને કારણે કુંઠિત થઇ ગયેલી માનસિકતાનો છેદ ઉડાવતુંં જીવંત ઉદાહરણ એટલે ભારતના નવ નિયુક્ત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ.દેશની તમામ મહિલાઓના સપનાંને પુરા કરનાર આ સ્ત્રી પાસેથી હવે સુશાસન અને સંતુલિત નેતૃત્વની અપેક્ષા છે. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...