વુમન ઇન ન્યૂઝ:ઝુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાનાં પહેલા મહિલા ડિરેક્ટર બન્યાં ડો. ધૃતિ બેનરજી

મીતા શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડો. ધૃતિ કહે છે કે ‘હંમેશાં ભણતર કામ આવે જ છે અને કરેલી મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. મહેનતનું પરિણામ મળે જ છે.’

ભારતમાં પર્યાભાવરણ, જંગલ અને ગ્લોબલ વોર્મિંગના ક્ષેત્રમાં સંશોધન કરવા માટે કાર્યરત સંસ્થા ‘ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા’ એટલે કે ZSI છેલ્લા 105 કરતા વધારે વર્ષથી કામ કરે છે. બાયોડાયવર્સિટીના હોટસ્પોટને સાચવતી આ વિશ્વાસપાત્ર સંસ્થાનું કામ બહુ મહત્ત્તપૂર્ણ છે અને હાલમાં આ સંસ્થાનાં ડિરેક્ટરપદે પહેલીવાર મહિલાની નિમણૂક થઇ છે અને આ મહિલા છે ડો. ધૃતિ બેનરજી. કોલકાતાના રહેવાસી 51 વર્ષીય ડો. ધૃતિ બેનરજીએ 1991માં કોલકાતાની પ્રેસિડન્સી કોલેજમાંથી ઝૂઓલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે આ પછી M. Sc. અને Ph. D.નો અભ્યાસ કર્યો છે. તેમણે 28 વર્ષની વયે 1998માં ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં જુનિયર સાઇન્ટિસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને બહુ જલ્દી સિનિયર સાઇન્ટિસ્ટનાં પદ સુધી પહોંચી ગયાં. મહેનત રંગ લાવી ડો. ધૃતિ ZSIમાં ટોચનાં પદ સુધી પહોંચી શક્યા છે અને તેઓ આ સફળતાનો યશ પોતાની મહેનત અને પરિવારની સપોર્ટ સિસ્ટમને આપે છે. સફળતા વિશેના પોતાના વિચાર જણાવતા ડો. ધૃતિ કહે છે કે, ‘હંમેશાં ભણતર કામ આવે જ છે અને કરેલી મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. જો યોગ્ય દિશામાં મહેનત કરવામાં આવે તો ચોક્કસ પરિણામ મળે જ છે. મેં ZSIમાં રહીને રિસર્ચનાં ફિલ્ડમાં ઘણું કામ કર્યું છે અને સાથે સાથે એડમિનિસ્ટ્રેશનનું કામ પણ સંભાળ્યું છે. મેં ZSIની તમામ માહિતીનાં ડિજિટલાઇઝેશનને ન્યાય આપ્યો છે અને સાથે સાથે લગભગ પાંચ વર્ષ સુધી ફાઇનાન્સનું કામકાજ પણ જોયું છે. મેં ડિરેક્ટરનાં પદ સુધી પહોંચવા માટે લીડરશિપ કોચની મદદ પણ લીધી છે. આમ, મેં આ પદ સુધી પહોંચવા માટે બહુ મહેનત કરી છે. જોકે આ લક્ષ્ય સુધી પહોંચવામાં પરિવારનો પણ બહુ સપોર્ટ મળ્યો છે. હું બહુ ભાગ્યશાળી છું કે મને કરિયરની શરૂઆતમાં સમજદાર સીનિયર્સ, બોસ અને ડિરેક્ટર્સ મળ્યા. હું મારા પ્રત્યે બહુ સમર્પિત અને સમજદાર રહી છું અને એટલે મને બધાનો બહુ પ્રેમ મળ્યો છે.’ ટોચ પર પહોંચવું મહિલાઓ માટે સરળ નથી ડો. ધૃતિને લાગે છે કે કોઇ પણ મહિલા માટે કોઇ પણ ફિલ્ડમાં ટોચના સ્થાન પર પહોંચવાનું સરળ નથી હોતું. પોતાના વિચારો વ્યક્ત કરતા ડો. ધૃતિ કહે છે કે ‘વર્કિગ વુમન માટે ઘરે કોઇ ‘વાઇફ’ નથી હોતી અને તેણે ઘર તેમજ ઓફિસ એમ બંને મોરચે લડવાનું હોય છે. જોકે મને મારા પતિ, પિતા, માતા અને દીકરીનો બહુ સપોર્ટ મળ્યો છે જેના કારણે હું પદ સુધી પહોંચી શકી છું. મને ક્યારેય એવું નથી કહેવામાં આવ્યું કે વાસણ, કપડાં અને રસોઇ મારી મુખ્ય જવાબદારી છે અને મને એમાં હેલ્પ મળી છે. હું સંયુક્ત પરિવારમાં માણસોથી ઘેરાયેલી રહી છું. આ કારણે મારે ક્યારેય મારી દીકરીના ઉછેર કે અભ્યાસની બહુ ચિંતા નથી કરવી પડી કારણ કે મારા પરિવારે મને હંમેશાં કામમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી છે. જોકે આવું દરેક મહિલાઓ માટે શક્ય નથી હોતું.’

અન્ય સમાચારો પણ છે...