વુમનોલોજી:ડબલ એક્સએલ : બોડી શેમિંગ અને સમાજની બેશરમી

4 મહિનો પહેલાલેખક: મેઘા જોશી
  • કૉપી લિંક
  • શરીર માટેના સમાજના પૂર્વગ્રહ કે દૃષ્ટિકોણ વિચલિત કરે ત્યારે બોડી શેમિંગ કે ડિપ્રેશનનો ભોગ બનવાને બદલે પેશનને વધુ સમય અને ઊર્જા આપી શકાય

ભારતમાં તમે કોઈને મળો તો પહેલાં એમ ના પૂછે કે તમે કેમ છો? કેમ પાતળી થઇ ગઈ કે કેમ જાડી થઇ ગઈ ? લોકોને તમારા શરીર અને દેખાવમાં જ રસ છે.’ આ શબ્દો સુંદરતા અને ગરિમાની નવી વ્યાખ્યા આપતી હિન્દી સિનેમાની અભિનેત્રી વિદ્યા બાલનના છે. એક સરેરાશ સ્ત્રી કરતાં રૂપાળી, સફળ, પૈસાદાર, વગદાર અને આર્થિક સ્વાવલંબી સ્ત્રી હોવા છતાં વિદ્યાને સમાજમાં તેના શરીરને લઈને ઘણી પ્રતિક્રિયાઓ મળી. વિદ્યા પાસે પૂરતો આત્મવિશ્વાસ અને સ્વ સન્માન છે આથી તે અકબંધ રહી શકે છે. દરેક એક્સએલ કે ડબલ એક્સએલ યુવતી સોનાક્ષી સિંહા કે હિમા કુરેશી જેવી નસીબદાર પણ નથી હોતી. યસ, હમણાં જ ‘ડબલ એક્સએલ’ ફિલ્મ આવી જેમાં બે બહેનપણીઓને લાગતું હતું કે એમનું વજન એમના સપનાં માટે સૌથી મોટી અડચણ છે. ફિલ્મ હોય એટલે અંતે સૌ સારા વાના થઇ જાય. વાસ્તવિક જીવનમાં એક મેદસ્વી સ્ત્રી માટે ‘બોડી શેમિંગ’ વગર ટટ્ટાર રહેવું અઘરું છે કારણકે આપણે દેખાવથી વ્યક્તિત્વ અને જીવન અંગે ધારણા બાંધી લઈએ છીએ. સપ્રમાણ સ્ત્રી સુંદર અને આકર્ષક લાગે અને તે સાથે તંદુરસ્ત હોવાનો પુરાવો આપે તે સાહજિક વિચાર છે. હોર્મોન. રંગસૂત્રોનો વારસો કે અન્ય અનેક કારણોથી વજનમાં વધારો થાય, શરીર બેડોળ થાય ત્યારે તેના દેખાવની પંચાત કરવાને બદલે તેના આરોગ્ય માટે ચિંતિત થઈએ કે મદદ કરીએ તો યોગ્ય છે. મેદસ્વીતા શારીરિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જાડી વ્યક્તિ દેખાવમાં બેડોળ લાગે છે. સપ્રમાણ શરીર તન, મન અને જીવન માટે લાભદાયી છે. આ દરેક વિધાન સત્ય છે પરંતુ જયારે આ સત્ય કોઈની મજાક બને કે માનહાનિનું કારણ બને તો સત્યની ભાષા બદલવી જરૂરી છે. મહત્ત્વાકાંક્ષી અને સ્વપ્નશીલ યુવતી તેના કૌશલ્યને પિછાણી આગળ વધવાને બદલે જો મેદસ્વી હશે તો બધી જ ઊર્જા તેના શરીરના આકાર માટે આપશે. જાડી વ્યક્તિ એદી અને આળસુ હોય અને કોઈ કામ માટે પૂરતી સક્ષમ ના હોય જેવા કેટલાંક અનુભવજન્ય તારણોથી દરેક વ્યક્તિ માટે જજમેન્ટ ના અપાય.

ઝીરો ફિગરને પ્રચલિત કરનાર કરીના કપૂરને જોવા ટેવાયેલા દર્શકો માટે પણ ‘વજનદાર’ અભિનેત્રી સ્વીકૃત ન હતી. ‘ડબલ એક્સએલ’ અભિનેત્રી હોય કે પડોશની યુવતી હોય... આપણી પાસે વજન ઘટાડવા માટેના સૂચનો તૈયાર હોય છે. સ્ત્રી પોતે કે તેના પરિવારજનો તેના સ્વાસ્થ્યની ચિંતા કરી ચરબી ઓછી કરવા માટેના વૈજ્ઞાનિક પ્રયત્નો કરે તે બરાબર છે અથવા તેની પરિવારમાં તંદુરસ્ત ચર્ચા થાય એ પણ યોગ્ય છે પરંતુ સાવ અજાણ્યા દુકાનદારથી માંડીને પાડોશમાં આવેલા એમનાં સગાં સંબંધી પણ શરીર પર ટિપ્પણી કરે તે બરાબર નથી. ભારતીય સમાજમાં હજી કોઈની અંગત બાબત કોને કહેવાય અને સંવાદની સીમા કઈ હોઈ શકે એ બાબતે જાગરૂકતા નથી આવી. આથી મેદસ્વી મહિલાને ‘જાડી પાડી’ કે અન્ય કોમેન્ટ આપવી સામાજિક ક્રાઇમમાં નથી ગણાતું. તો એનો ઉપાય શું? લોકોના મોઢે ગરણું બાંધવા નહીં જવાય.

કામિયાબીને કમરના માપ સાથે લેવાદેવા નથી પણ તમે જે કંઈ કામ કરો છો એના પરિણામ રૂપે કામિયાબી ચોક્કસ મળશે. શરીર માટેના સમાજના પૂર્વગ્રહ કે દૃષ્ટિકોણ વિચલિત કરે ત્યારે બોડી શેમિંગ કે ડિપ્રેશનનો ભોગ બનવાને બદલે પેશનને વધુ સમય અને ઊર્જા આપી શકાય. વજન ઘટાડવાની ચર્ચા એવી જ વ્યક્તિ સાથે કરાય જેને તમારા સ્વાસ્થ્યની ચિંતા હોય નહીં કે દેખાવની. આત્મસન્માનના ભોગે કોઈ પણ વ્યક્તિને મજાક કરવાની છૂટ ન અપાય પછી ચાહે તે તમારી સૌથી અંગત વ્યક્તિ હોય કે સ્વજન હોય. meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...