એકબીજાને ગમતાં રહીએ:થેન્ક યૂ મત કહના, તીન લોગોં કી મદદ કરના...

એક મહિનો પહેલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
  • કૉપી લિંક

'કેજીએફ ટુ’માં હીરો યશ કહે છે, ‘આઈ ડોન્ટ લાઈક વાયોલન્સ, બટ વાયોલન્સ લાઈક્સ મી’ એવી જ રીતે, સલમાન ખાનને વિવાદો ગમતા હોય કે નહીં, વિવાદને સલમાન ખાન બહુ ગમે છે! કાળિયારના શિકારનો અને હિટ એન્ડ રનનો કેસ હજી માંડ પૂરો થયો છે ત્યાં તો સલમાન ખાનના કરજત ફાર્મ હાઉસના પાડોશીએ સલમાન સામે પોલીસ ફરિયાદ કરી છે અને સલમાને એમની સામે બદનક્ષીનો-ડિફેમેશનનો કેસ દાખલ કર્યો છે! એ કેસની વિગતો પૂરેપૂરી આપણા સુધી પહોંચે એ પહેલાં તો વળી, સોનાક્ષી સાથે લગ્ન કર્યાંના ફોટોશોપ કરેલા ફોટા વાઈરલ થઈ ગયા, જવાબમાં સલમાને કહ્યું, ‘આઈ એમ કમિટેડ’ જોકે, કોને કમિટ થયા છે એ કહેવાનું એમણે ટાળ્યું... જોકે, ‘બજરંગી ભાઈજાન’ પછી લગભગ તમામ ફિલ્મો એક પછી એક ફ્લોપ થઈ રહી હોય ત્યારે આવા વિવાદ ઊભા કરીને પબ્લિસિટીમાં રહેવાનો, ‘ભાઈ’નો પ્રયાસ સાવ નકામો નથી ગયો... એક યા બીજા કારણસર વિવાદમાં રહેવા ટેવાયેલા સલમાન ખાનને ન માની શકાય કે ન સમજી શકાય એવો લોકોનો પ્રેમ મળતો રહે છે. એની દાનવીરતાના ગુણો ગવાતા રહે છે. એના જીવનમાં સ્ત્રીઓની અવરજવર સતત રહી હોવા છતાં ‘હેશટેગ મી ટુ’માં એનું નામ ક્યારેય આવ્યું નથી! કેટલાક લોકો હીરો અને વિલન બંનેના ગુણો એક સાથે ધરાવતા હોય છે. એમના વ્યક્તિત્વમાં સારાઈ અને ગુંડાગીરીનું કંઈ વિચિત્ર મિશ્રણ હોય છે. દારૂબંધીના સમયમાં મુંબઈમાં દારૂ વેચતા અને સોનાની સ્મગલિંગ માટે જાણીતા કરીમ લાલા કે હાજી મસ્તાન પણ આવા જ કોઈ હીરોઈક વિલન હતા. સલમાન પણ દાનવીર, હ્યુમન, લાગણીશીલ હોવાની સાથે સાથે મારપીટ કરતો, સૌને ડરાવતો, લોકોની કારકિર્દી ખતમ કરી નાખતો કોઈ ટેરર છે... પરંતુ આવા માણસનો એક ડાયલોગ (ફિલ્મઃ જય હો) આપણે સૌએ જીવનમાં ઉતારી લેવા જેવો છે. એ ફિલ્મમાં સલમાન કહે છે, ‘થેન્ક યૂ મત કહો, આગે તીન લોગોં કી મદદ કર દેના’. આ એક જ વાત જો દરેક માણસ પોતાના જીવનમાં ઉતારે તો સમાજમાં કેટલા લોકોની મદદ થાય! બિઝનેસ માટે આવી અનેક ચેઈન અમેરિકન ડિઝાઈનથી બનતી રહી છે. એમવે હોય કે કેન્ગેન વોટર, બીએનઆઈ હોય કે એવી બીજી પિરામિડ બનાવતી બિઝનેસ વધારવાનું વચન આપતી સંસ્થાઓ... આપણે એમાં ઉત્સાહથી મેમ્બર થઈએ છીએ, બીજાને મેમ્બર બનવા સમજાવીએ છીએ. ક્યારેક તો આગ્રહ-દુરાગ્રહ કરી બેસીએ છીએ કારણ કે, એમાં આપણને આર્થિક ફાયદો દેખાય છે. લલચામણા આંકડા બતાવતી અને લોભામણા પરિણામોનું વચન આપતી આવી યોજનાઓમાં આપણે આસાનીથી ફસાઈએ છીએ, પરંતુ જ્યારે ગુડનેસ કે સારાઈની વાત આવે ત્યારે આપણે હંમેશાં બીજાને આગળ કરીએ છીએ. સોસાયટીમાં ડોનેશન આપવાનું હોય કે સ્કૂલમાં સેવા, સગાંમાં કોઈને મદદ કરવાની હોય કે મિત્રોમાં કોઈને આર્થિક સહાયની જરૂર હોય ત્યારે આપણે હંમેશાં એવું તપાસવાનો પ્રયાસ કરીએ છીએ કે, ‘બીજાએ’ શું કર્યું? આવી બાબતમાં આપણે હંમેશાં પાછળ રહેવાનું પસંદ કરીએ છીએ. આગળ ત્રણ લોકોની મદદ કરી દેવી, એ કેવી ચેઈન છે! જરા શાંતિથી વિચારીએ તો સમજાય કે આ વાત સિનેમાનો ડાયલોગ હતી માટે કોઈ મુવમેન્ટ કે ચળવળ બની શકી નહીં, બાકી જો આખો સમાજ આ વાતને સમજે, સ્વીકારે અને અમલમાં મૂકે તો કદાચ જગતમાં કોઈ તકલીફમાં કે મુશ્કેલીમાં ન રહે. એક વ્યક્તિ બીજાની મદદ કરે, એણે આગળ ત્રણની મદદ કરવાની... અર્થ એ થયો કે, એકની સામે ત્રણની મદદ થાય! આ મદદ શું, કેટલી અથવા કેવી રીતે કરવાની એની કોઈ ચર્ચા નથી. આપણે એવું માની લઈએ છીએ કે, સહાય આર્થિક જ હોય અથવા જ્યારે કોઈ વ્યક્તિ દુઃખી થઈને આપણી પાસે ફરિયાદ કરે છે ત્યારે એ માત્ર પૈસાની અપેક્ષાએ પોતાની વાત આપણને કહી રહી છે એવું આપણે ધારી લઈએ છીએ. સારી રીતે સાંભળવું, સહાનુભૂતિપૂર્વક કોઈ વ્યક્તિની વાતમાં રસ લેવો, કોઈને પૂરતો સમય આપવો કે સાચી સલાહ આપવી એ પણ એક મદદ જ છે. સાચું પૂછો તો આપણે એટલા સ્વકેન્દ્રી થઈ ગયા છે કે, મદદ કરવાની વાત તો દૂર રહી, આપણને કોઈએ મદદ કરી હોય એ યાદ રાખવું પણ આપણને ગમતું નથી. કદાચ એટલે જ, પેલી-આગળ ત્રણ લોકોને મદદ કરવાની વાત પણ ભૂલાઈ જાય છે! આ જગત એકમેકના આધારે ટક્યું છે. જીવોજીવસ્ય જીવનમ્... એક જીવ બીજા જીવનું જીવન છે એ વાત માત્ર ભોજન પૂરતી મર્યાદિત નથી. જેની પાસે ‘વધુ’ હોય એ બીજાને આપે, એ કુદરતનો નિયમ છે. વાદળ જ્યારે પાણીથી ભરાઈ જાય ત્યારે એ વરસી જાય છે. વૃક્ષ જ્યારે ફળથી લચી પડે ત્યારે ફળ ટપકાવી દે છે. એવી જ રીતે, ધરતી જ્યારે પોતાની ફળદ્રુપતા સીંચીને અનાજ ઉગાડે છે ત્યારે એ સમગ્ર કુદરતની અપેક્ષા હોય છે કે, કુદરતનો જ હિસ્સો એવો માણસ પોતાની પાસે ‘વધુ’ હોય એ અન્યને આપે. આ ‘વધુ’ સંપત્તિ હોઈ શકે, સમય હોઈ શકે, વસ્તુઓ હોઈ શકે, વહાલ કે સપોર્ટ પણ હોઈ શકે. આપણી પાસે કોઈ ફરિયાદ લઈને આવે છે ત્યારે, એ વ્યક્તિ આપણને એમનાથી વધુ સક્ષમ, વધુ સમજદાર કે વધુ મજબૂત માને છે માટે જ આવે છે. જો આપણે એ વ્યક્તિને પોતાનાથી નબળા કે ગરીબ લાગીએ તો એ આપણી પાસે શું કામ આવે? જો સાચે જ આપણે કોઈનાથી મજબૂત, સક્ષમ કે બળવાન પૂરવાર થવું હોય તો એનો એક જ રસ્તો છે-આપવું! સામેની વ્યક્તિ પાસે જે નથી એ એને આપીને, આપણી પાસે જે વધુ છે તે વહેંચીને આ જગતને ઈક્વલ-સમાન અથવા સમાંતર બનાવવાનો પ્રયાસ કરીએ. કુદરત પણ એ જ કરે છે. kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...