મૂડ એન્ડ માઇન્ડ:ડિપ્રેશનથી ડરો નહીં પણ લડો...

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડો. સ્પંદન ઠાકર

ડિપ્રેશન એટલેકે હતાશા, સાંભળવામાં ખૂબ જ મોટો લાગતો ભારેખમ શબ્દ. આજકાલ સૌથી વધુ ચર્ચા ડિપ્રેશનની થાય છે. ભાગ્યે જ એવી વ્યક્તિ હશે જેને ક્યારેય ડિપ્રેશનનો અનુભવ નહીં થયો હોય પણ ઘણા લોકો આપમેળે તેમાંથી બહાર આવી જાય છે અને ઘણા લોકોને એક સપોર્ટની જરૂર પડે છે કેમકે ડિપ્રેશન એક રોગ નહીં પણ એક ફેઝ છે. જીવનની ચડતી-પડતીમાં આવતો એક પડાવ છે. જયારે વ્યક્તિ પોતે નિરાશ થઇ જાય, ઘણીબધી મૂંઝવણથી ઘેરાઈ જાય, પોતાની નિર્ણય શક્તિ ગુમાવી બેસે, આગળ ભવિષ્ય ધૂંધળું દેખાવા લાગે... આ ફેઝ એટલે હતાશાનો પડાવ. આ સ્થિતિમાં વ્યક્તિના હાથમાં બિલોરી કાચ આવી જાય છે જેના લીધે તેને દરેક નાનામાં નાની વસ્તુ પણ ખૂબ જ મોટી દેખાવા લાગે છે. જેના લીધે વ્યક્તિનું રિએક્શન પણ વધારે આવે છે. મગજમાં બનતા ‘હેપ્પી હોર્મોન્સ' ઘટી જવાના લીધે વ્યક્તિ ખુશ રહી શકતો નથી તેમ માનવામાં આવે છે. આ સ્થિતિમાં કોઈપણ વાતનું વધારે પડતું એનાલિસિસ કરવું કે બારીકમાં બારીક વાત ઉપર વધુ પડતું ધ્યાન એવું જેવી બાબતો બને છે. જે બાબતોનો કોઈ અર્થ નથી, જે બાબતો વીતી ગઈ છે છતાં આ ફેઝમાં આ વિચારો સતત મનમાં હાવી થઇ જાય છે. એકની એક વાત જયારે મનમાં ઘેરાયેલી રહે ત્યારે સતત માથું દુખવું અને થાકી જવું જેવી સમસ્યાઓ સ્વાભાવિક રીતે પેદા થાય છે.વ્યક્તિ જયારે પોતે જ થાકેલી હોય ત્યારે તેની એનર્જી ઘણી ઓછી હોય છે અને આ દરમિયાન પોતાની શક્તિ બિનજરૂરી બાબતોમાં ખર્ચાય તો વધારે થાક લાગે છે. જે રીતે કોઈપણ શારીરિક બીમારીમાં આરામ શરીર માટે મહત્ત્વનો છે તે જ રીતે માનસિક હતાશા દરમિયાન પણ બ્રેક જરૂરી છે પરંતુ માત્ર મન માટે. શારીરિક રોગ બહારથી દેખાતા હોવાના લીધે તેના ઉપર વિશેષ ધ્યાન જાય છે જયારે વિચારવાયુનો કોઈ ટેસ્ટ ન હોવાના લીધે આપણે તેને ઇગ્નોર કરીને દિનચર્યામાં કોઈ ફેરફાર કરી શકતા નથી. જયારે અતિશય હતાશા વધી જાય ત્યારે તેની સારવાર પણ લાંબા સમય સુધી લેવી જરૂરી બની જાય છે. જો પ્રારંભિક લક્ષણો ઉપરથી જ જાણી લેવાય કે મન જે રીતે પહેલાં કામ કરતું હતું અને હવે તેની એનર્જી ડાઉન ફીલ થવા લાગી છે ત્યારે જ હળવા બ્રેક લેવા, કામનો બોજો ઘટાડી દેવો, મિત્રો અને ફેમિલી ટાઈમ વધારી મનને થોડું ડાઇવર્ટ કરી દેવું જેવી બાબતો ઘણી ફાયદાકારક સાબિત થઇ શકે છે. વ્યાયામ અને યોગ સૌથી ઉપયોગી બાબત છે જે હંમેશાં રોગને દૂર રાખવામાં મહત્ત્વના સાબિત થઇ શકે છે. જો ડિપ્રેશનને એક ફેઝ ઘણીને સમયસર યોગ્ય પગલાં ભરી દેવામાં એ તો તેને શરૂઆતથી જ કંટ્રોલ કરી શકાય છે અને ઘણી સારી રીતે તેમાંથી બહાર નીકળી શકાય તેમ છે. મૂડ મંત્ર - હું પોતે કેટલાનું કાઉન્સલિંગ કરી શકું તેવો હતો અને આજે મને જરૂર પડી ગઈ... આ વિચાર ઘણાબધા લોકોને સારવાર લેવાથી વંચિત કરી દે છે! drspandanthaker@gmail.com